ધારી માર્કેટયાર્ડ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોને “વિસાવદર માર્કેટમાં મગફળીની ગુણીમાં માત્ર ૩૦ કિલો ૮૦૦ ગ્રામ ભરતી થાય છે” એવી વાતો કરીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપો વચ્ચે, ભાવનાબેન ગોંડલીયાએ પોતે ધારી માર્કેટયાર્ડ ખાતે પહોંચી ખેડૂતો સાથે બેઠક યોજી હતી.
ખેડૂતોની વાત સાંભળ્યા બાદ ભાવનાબેન ગોંડલીયાએ વિસાવદર માર્કેટયાર્ડ ખાતે પહોંચી વાસ્તવિક પરિસ્થિતિ ચકાસી હતી. તેમણે કનૈયા ફાર્મ ખાતે સેન્ટર નંબર ૧ અને ૨ ની મુલાકાત લીધી હતી, જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે -ધારી માર્કેટયાર્ડમાં જેમ એક ગુણીમાં ૩૫ કિલો ૮૦૦ ગ્રામ મગફળીનું વજન જોખવામાં આવે છે, તે જ રીતે વિસાવદર માર્કેટયાર્ડમાં પણ ૩૫ કિલો ૮૦૦ ગ્રામ જ વજન જોખવામાં આવે છે.
કિસાન સંઘના પૂર્વ અમરેલી જિલ્લા મંત્રી કૌશિક ગજેરાએ જણાવ્યું હતું કે, “ધારીના કેટલાક લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જે ખોટું છે. વિસાવદર માર્કેટયાર્ડમાં પણ ધારી જેટલું જ વજન જોખવામાં આવે છે. તેમણે વધુમાં ખેડૂતોને અપીલ કરી હતી કે, “આવી અફવાઓ પર વિશ્વાસ ન રાખો, કારણ કે વિસાવદર અને ધારી બંને જગ્યાએ ટેકાના ભાવે ખરીદી સમાન વજન મુજબ થઈ રહી છે.”
ભાવનાબેન ગોંડલીયાએ જણાવ્યું હતું કે શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી લી. દ્વારા તારીખ ૯/૧૧/૨૦૨૫ ના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી શાંતિપૂર્ણ રીતે ખરીદી કરવામાં આવી હતી. આ શાંતિપૂર્ણ કામ ચાલી રહ્યું હોય ત્યારે તેને ડહોળવાના પ્રયાસો અમુક તત્વો દ્વારા કરવામાં આવ્યા હતા. અમુક પાર્ટીના લોકો સંસ્થાની વિઝિટે આવ્યા અને રજૂઆત કરી હતી. કહ્યું હતું કે વિસાવદરની અંદર ૩૦ કિલો ૮૦૦ ગ્રામની ભરતી કરવામાં આવે છે અને એનાથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે એવી ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મેં કહ્યું હતું કે ગુજરાતની અંદર ક્યારેય આવું ન બની શકે એકને ગોળ અને એકને ખોળ સરકાર દ્વારા ક્યારેય આપવામાં આવતો નથી. જો તમારી પાસે બિલ હોય અથવા પરિપત્ર આપો તો અમે પણ સરકારને રજૂઆત કરીએ. ત્યારે આ વાતને લઈને અમે તેમને પડકાર આપ્યો કે જો વિસાવદરમાં ૩૦ કિલો ૮૦૦ ગ્રામની ભરતી થતી હોય તો તમે કહો તે કરવા અમે તૈયાર છીએ. જો ૩૦ કિલો ૮૦૦ ગ્રામની ભરતી ન થતી હોય તો તે લોકોએ પણ અમારી ચેલેન્જને સ્વીકારી હતી અને કહ્યું હતું કે ૩૦ કિલો ૮૦૦ની ભરતી નહીં થતી હોય તો અમે ગુલામ બનીશું. ત્યારે ભાવનાબેન ગોંડલીયાએ કહ્યું કે હું ૧૦ થી ૧૫ ગામના ખેડૂતો સાથે વિસાવદર પહોંચી હતી અને ત્યાં ખેડૂતોને સાથે રાખીને ત્યાં રૂબરૂ વિઝિટ કરતા સમગ્ર હકીકત બહાર આવી અને તમામ ખેડૂતોએ આવી ખોટી અફવાઓથી સાવચેત રહેવું.