હમણા બે દિવસ પહેલા જ પતંગનો ઉત્સવ એટલે ઊત્તરાયણ ઊજવાઈ ગયો. પતંગનો ઓચ્છવ ઓસરાઈ ગયો. ઊત્તરાયણ માટે અમરવેલીના કવિશ્રી રમેશ પારેખે સુંદર પંક્તિઓઓ લખી છે ઃ “પતંગનો ઉત્સવ એ બીજું કાંઇ નથી પણ મનુષ્યના ઉમળકાનો ઘૂઘવતો વૈભવ છે. નભની ઊંડી ઊંડી ઉદાસીઓને લૂછવા, નભની ભડભડતી એકલતા ભૂંસવા જુઓ, મનુષ્યો ઉમંગના રંગોમાં ઝબકોળી પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમા. ઉજ્જડ નભને નમણુ નજરાણુ ઉર્ફે પતંગ! હરેક જણના પતંગ પર લખ્યો છે આ સંદેશો કે હે નભ! તું નીચે આવ ને હળવું થા… આભ તને આ પતંગ રૂપે નિમંત્રણ છે, નીચે આવી ચાખ ઉમળકો, ચાખ જુવાની, ચાખ લાગણી, ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ. આભ તું જરાક નીચે આવ!” જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કવિનું કલ્પના જગત વાસ્તવિક જગતને આનંદ-ઉમંગના રંગોથી સજવા માટેનું સામર્થ્ય ધરાવે છે. જેમ મકરસંક્રાંતિ કે ઊત્તરાયણ એ એક ઋતુસંગતનો તહેવાર છે. એટલે માણસ પ્રકૃતિના આ સાનુકૂળ ફેરફારને ઉત્સવ સ્વરૂપે ઉજવે છે. જેમ પરિવર્તન એ સંસારનો નિયમ છે, પ્રકૃતિનો પણ નિયમ છે તેવી જ રીતે વર્ષ દરમિયાન આવતા તહેવારોની ઉજવણી પણ માનવજીવનમાં ચીલા-ચાલુ ક્રિયાઓમાં પરિવર્તન લાવીને કંઇક ચેન્જ, કૈંક હટકે, આનંદના ઉમળકા સાથે માણવાનું પરબ ગણાય છે. સૂર્યનો સંક્રાંત કે ઉત્તર તરફ પ્રયાણ એટલે મકરસંક્રાંત અને ઊત્તરાયણ ગણાય છે. તેની સાથે સાથે અહીં જીવનસંક્રાંતની વાતો મર્મ સ્વરૂપે આલેખવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. દરેક પતંગ જાણે જ છે કે અંતમાં કચરામાં જવાનું છે, પરંતુ એ પહેલા આસમાનમાં ઊડી લેવાનું છે! દરેક ઇન્સાન જાણે છે કે
મૃત્યુ બધાનું થવાનું છે, પરંતુ એ પહેલા મોજથી જીવી લેવાનું છે. કેટલો પ્રાસ મળે છે મકરસંક્રાંત અને જીવનસંક્રાંતનો! પતંગના ત્રણ અક્ષરોને જીવનમાં ઉતારવા જેવા છે. (૧) પવિત્ર બનો, (ર) તંદુરસ્ત રહો અને (૩) ગગન જેવા વિશાળ બનો. જ્યાં પવિત્રતા છે ત્યાં જ પરમતત્વ નિવાસ કરે છે. જીવનના તમામ ક્ષેત્રોમાં પવિત્રતા હશે ત્યાં જ પ્રેમની અનુભૂતિ થાય છે. બીજા શબ્દ તંદુરસ્તી જાળવવાની વાત છે. તો પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે તંદુરસ્ત તન હોય તો જ તંદુરસ્ત મન રહે છે. તન-મનની તંદુરસ્તી જ જીવનની સુખ-શાંતિનું પહેલું પગથિયુ છે અને ત્રીજા અક્ષર જેની સાથે જાડાયેલો છે તે પણ જીવનસંક્રાંત માટે કે જીવનની ઉન્નતિ માટે ખૂબ જ મહત્વની અને પાયાની બાબત છે. ગગન જેવા વિશાળ બનો! અહીં જીવનમાં હૃદયની વિશાળતાની વાત કરેલી છે. સંકુચિતતા છોડીને સર્વના સમાવેશીકરણ સાથે વિચારોની વિશાળતા આકાશ જેવી રાખીએ, જ્યાં બધાનો સમાલાપ થાય. સાથી મિત્રોને ઊગવાની, ઉડવાની અને વિકસવાની પૂરતી તક વિશાળ ગગનના પ્લેટફોર્મની જેમ પૂરી પાડો તો સંબંધોનું વિશાળ વર્તુળ તમને કેન્દ્રબિંદુ જેટલું મહત્વ અને માન-પાન આપે જ. આપણા હૃદય-આકાશમાં કરૂણા, પ્રેમ, દયા, સદ્‌ભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર રૂપી સદ્‌ગુણોના પતંગ ચગવા જાઇએ. ઇર્ષા, લોભ, અહંકાર રૂપી પતંગ કાપવા જાઇએ.