સુપ્રીમ કોર્ટ હાલમાં મધ્યપ્રદેશમાં ભોજશાળા વિરુદ્ધ કમાલ મૌલા મસ્જિદવિવાદની સુનાવણી કરી રહી છે. કોર્ટે હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને રોકવાની મુસ્લીમ પક્ષની અરજીને નકારી કાઢી હતી. કોર્ટે કહ્યું કે જા કોઈ પક્ષને કોઈ વાંધો હોય, તો તેમણે હાઈકોર્ટ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરવા જાઈએ. આ મામલે હાઈકોર્ટની સુનાવણી ૨ એપ્રિલથી શરૂ થવાની છે.
મુસ્લીમ પક્ષે મધ્યપ્રદેશ હાઈકોર્ટના ૧૬ માર્ચના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ૧૬ માર્ચના હાઈકોર્ટના આદેશમાં, ન્યાયાધીશોએ વિવાદિત સ્થળનું વ્યકિતગત રીતે નિરીક્ષણ કરવાનો નિર્ણય લીધો અને ૨ એપ્રિલથી નિયમિત સુનાવણી શરૂ કરવાનો આદેશ આપ્યો. મુસ્લીમ પક્ષનો એવો પણ દાવો છે કે તેમને એએસઆઇ રિપોર્ટ પર વાંધો નોંધાવવા માટે પૂરતી તક આપવામાં આવી નથી.
મુસ્લીમ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વકીલ સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે તેમણે કેટલાક વાંધાઓ ઉઠાવ્યા છે. “અમારા વાંધાઓને સમર્થન આપવા માટે અમને સર્વેક્ષણની વિડિઓગ્રાફી અને રંગીન ચિત્રો પ્રદાન કરવા જાઈએ,” તેમણે કહ્યું. હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું હતું કે હાઈકોર્ટે વિનંતીને નકારી કાઢી નથી. હાઈકોર્ટે ફક્ત એટલું જ કહ્યું કે તે અંતિમ સુનાવણી દરમિયાન આ બાબત પર વિચાર કરશે. સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો કે તેણે યોગ્યતા પર કોઈ અભિપ્રાય આપ્યો નથી. કોઈપણ ફરિયાદ ધરાવતો પક્ષ હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે.










































