આપણે ભિખારીઓને વાસી અન્ન આપીએ છીએ. તો એમને કંઈ નહીં થતું હોય ?
વાસી અન્ન ખાવાથી ખાનારને જે નુકસાન થવાનું હોય તે થાય જ છે પરંતુ ભિખારીઓ પોતે લાચાર હોય છે. તેમને કંઈ પસંદગી કરવાની હોતી નથી, જે મળે તે ખાવાનું હોય છે. તેથી વાસી અન્ન તેઓ ખાય છે. આવું અન્ન ખાઈને તેમની વૃત્તિ દૂષિત થાય છે. જડતા, પ્રમાદ, તમસ તેમના બધા જ વિચાર અને વ્યવહારમાં પ્રગટ થાય છે. દીનતા અને એનું જ નકારાત્મક રૂપ એટલે ઉશ્રૃંખલતા પણ તેમનામાં જોવા મળે છે. આ બધાં ભોજનનાં માનસિક દુષ્પરિણામો છે.
ભોજન બનાવવાની આટલી અટપટી પદ્ધતિઓ કોણે શોધી કાઢી હશે ? શા માટે ?
સમાજના હિતચિંતકો, આયુર્વેદના જાણકારો, સૌંદર્યશાસ્ત્રીઓ, રસજ્ઞો અને રસિકો, કુશળ કારીગરો વગેરે બધાએ મળીને ભોજન બનાવવાની અટપટી પદ્ધતિઓ શોધી કાઢી છે. માત્ર શોધી જ નથી કાઢી, એનો એટલો પ્રભાવી રીતે પ્રચાર કર્યો કે સર્વજનસમાજે એને સ્વીકારી પણ લીધી છે. લોકોનું સ્વાસ્થ્ય જળવાય, સ્વાદ સંતોષાય, ભોજનમાં રસ આવે એ માટે વિદ્વાનોએ આ બધુ કર્યું છે.
ભારતની સ્ત્રીઓનો મોટાભાગનો સમય ૨સોડામાં જ વીતે છે. એ બાબતે ઘણા લોકો આપણી ટીકા કરે છે. એ બાબતે સાચું શું સમજવું ?
આખું ગૃહજીવન રસોડા કેન્દ્રી હોય છે. ગૃહજીવન જ શા માટે આપણી અર્થઉપાર્જનની પ્રવૃત્તિ પણ ભોજનની આસપાસ જ ઘૂમે છે. અંગ્રેજીમાં કહેવત છે‘everything revolves round the belly.’ ગુજરાતીમાં પણ કહેવત છે, ‘પાપી પેટનો ખાડો પૂરવા માટે તો આ બધું કરીએ છીએ.’
તેથી રસોડું એ કેન્દ્રબિન્દુ તો છે જ. હવે ભારતની સ્ત્રી એ મૂળરૂપે ગૃહિણી છે. ઘર એ ગૃહિણીકેન્દ્રી પણ છે. તેથી
ગૃહિણીનો મોટા ભાગનો સમય રસોઈ અને એનાં આનુષાંગિક કામો પાછળ જાય એ સ્વાભાવિક છે.
સ્ત્રીને રસોઈ કરવામાં રસ પણ આવે છે. એ ભાવપૂર્વક રસોઈ બનાવે છે એ ઘરના લોકો માટે ભાગ્યની બાબત ગણાય કારણ કે એથી જ બધાંનો અરસપરસ પ્રેમભાવ જળવાઈ રહે છે.
કેટલાક લોકોનો મોટાભાગનો સમય કારકુની કરવામાં જાય છે, કેટલાકનો દુકાનદારી કરવામાં જાય છે, કેટલાકનો નકામી પંચાતો કરવામાં જાય છે, કેટલાકનો ટી.વી. જોવામાં જાય છે. આ બધી પ્રવૃત્તિઓ કરતાં રસોઈ બનાવવાની પ્રવૃત્તિ ચઢિયાતી ગણાય. હા, સમાજસેવા કરવા માટે, ધ્યાનસાધના કરવા માટે, જ્ઞાન મેળવવા માટે સમય ગાળવો હોય તો રસોઈમાંથી મોકળાશ મળે એ યોગ્ય ગણાય.
પણ રસોડાના કામને હલકું અથવા સામાન્ય ગણીને તેમાં સમય વીતાવવો એ સમય બગાડવા બરાબર છે એ પૂર્વગ્રહમાંથી આપણે મુક્ત થવાની જરૂર છે.
સંન્યાસી પોતાની ૨સોઈ પોતે શા માટે ન બનાવે ?
સંન્યાસીએ બધી જ દુન્યવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનો હોય. સંન્યાસીએ કોઈ પણ એક સ્થાન ઉપર રહેવાનું ન હોય. એણે હંમેશાં ભ્રમણ કરવાનું હોય. એ તદ્દન અપરિગ્રહી હોય. એણે માત્ર કમંડલ અને દંડ સિવાય બીજી કોઈ વસ્તુ પોતાની પાસે રાખવાની ન હોય. પછી એ કઈ રીતે રસોઈ બનાવે ?
બીજી બાબત એ છે કે એણે સ્વાદને જીતવાનો હોય. ભોજન વિશેની આસક્તિ છોડવાની હોય. તેથી જે મળે તે, જ્યાંથી મળે ત્યાંથી લઈને જમવાનું હોય. આવી અસ્વાદ
વૃત્તિ કેળવવા માટે એણે ભિક્ષા જ માગવાની હોય.
સંન્યાસી જો પોતાની રસોઈ પોતે બનાવવાનું રાખે તો રસોઈની આસપાસ આખો સંસાર ઊભો થઈ જાય. આમાંથી બચવા માટે સંન્યાસી પોતાની રસોઈ પોતે ન બનાવે.
સ્વયંપાકી એટલે શું ?
પોતાની રસોઈ પોતે જ બનાવીને જમે એને સ્વયંપાકી કહેવાય. (ક્રમશઃ)