આપણે આવા આચારની પાછળ રહેલા વૈજ્ઞાનિક તથ્યો જાણવાની પણ દરકાર કરતા નથી અને અજ્ઞાનને કારણે એને જૂના રીતરીવાજ કે અંધશ્રદ્ધા કે પછાતપણું ગણીએ છીએ અને આરોગ્યનું નુકસાન વેઠીએ છીએ.
મનોભાવોનો ભોજન ઉપર સુપ્રભાવ પડે છે?
જો પ્રેમથી ભોજન બનાવ્યું હોય તો જમનારનું મન પ્રસન્ન બને છે. ક્રોધ, કંટાળો અને શોક અનુભવતા ભોજન બનાવ્યું હોય તો ભોજન કરનારનું મન અસ્વસ્થ અને અશાંત બને છે દ્વેષ, ઈર્ષા અને દુષ્ટતાપૂર્ણ મનોભાવથી ભોજન બનાવ્યું હોય તો ભોજન કરનારના મનમાં પણ દ્વેષ, ઈર્ષા, દુશ્મનીના ભાવ પેદા થાય છે.
તે જ રીતે આવા મનોભાવો હોય અને ભોજન કર્યું હોય તો પણ મન ઉપર તેનો સારો-નરસો પ્રભાવ પડે છે તેથી જ કહેવત પડી છે જેનું અન્ન એવું મન.’
અન્ન વેંચાય નહીં એમ શા માટે કહેવાય છે?
અન્ન એ પ્રાણી માત્રને જીવિત રહેવા માટેની આવશ્યકતા છે. અન્નની જેમ જ હવા અને પાણી પણ જીવન માટે અનિવાર્ય બાબતો છે. પ્રકૃતિએ હવા, પાણી અને અન્નને બધા જ પ્રાણીઓના જીવન ટકાવી રાખવા માટે બનાવ્યા છે. પ્રકૃતિ આ બધું આપે છે એના બદલામાં કશું જ માગતી નથી. દરેકે દરેક પ્રાણીને, મનુષ્યને પોતાનું જીવન ટકાવવા માટે અન્ન મળવું જ જોઈએ એ એનો પ્રાકૃતિક અધિકાર છે. ગરીબ, નિર્ધન, અપંગ, બીમાર, લાચાર, દુર્બળ વ્યક્તિને અન્ન મળે એવી વ્યવસ્થા મનુષ્યએ કરવી જોઈએ. એની માણસ તરીકેની ફરજ છે.
જીવન ટકાવી રાખનાર કોઈપણ વ્યવસ્થા પૈસાની ગણતરીથી ચાલે એ અપ્રાકૃતિક ગણાય. એ પ્રકૃતિ પ્રત્યેનો અપરાધ ગણાય. તેથી સુસંસ્કૃત માનવ-સમાજે અન્નને ખરીદ વેચાણની પ્રક્રિયામાંથી બાકાત રાખ્યું એટલું જ નહીં અન્નદાનને મહાદાન ગણ્યું તથા ભૂખ્યાને, શ્રેષ્ઠોને, સંન્યાસીઓને, ગુરુને ભોજન કરાવવું એ મહાન પુણ્યનું કાર્ય ગણ્યું. અન્નની સાથે જ ઔષધ, વિદ્યા અને પાણી પણ ખરીદ વેચાણની પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા. આજે આપણે આ બધું જ વેચીએ છીએ એ આપણી સુસંસ્કૃત અવસ્થામાંથી પડતી છે.
પંચકોષમાં એક અન્નમય કોષ કહેવાય છે. અન્નમય કોષ એટલે શરીર એમ પણ કહે છે તો શરીરને અન્નમય કોષ શા માટે કહેવાય છે?
આ સૃષ્ટિમાં જેટલા ભૌતિક પદાર્થો છે તે બધા જ પંચમહાભૂતોના બનેલા છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચમહાભૂત છે, માણસનું શરીર પણ પંચમહાભૂતોનું બનેલું છે અને અન્ન તરીકે ઓળખાતા બધા જ પદાર્થો પણ પંચમહાભૂતોના જ બનેલા છે તેથી બધાના ગુણધર્મો સરખા જ છે તેને કારણે જ અન્ન શરીરનું પોષણ કરે છે. અન્નમાંથી જ શરીરની રસ, રક્ત, મેદ, અસ્થિમજા અને ઓજ એવી સાત ધાતુઓ બને છે. આ મૂળમાં બંધારણ એક જ હોવાથી શરીરને અન્નમય કોષ કહેવાય છે.
ખાતરથી અનાજનું પોષણતત્વ વધે છે, ગુણવત્તા વધે છે, પરંતુ ખાતર તો બધી જ ગંદી વસ્તુઓનું બનેલું હોય છે, તો તેનાથી પોષક તત્વ કઈ રીતે વધે છે?
આગળ કહેવાયુ એ પ્રમાણે બધા જ ભૌતિક પદાર્થો પંચમહાભૂતોના બનેલા હોય છે. ખાતરની પણ એમ જ આ
સૃષ્ટિમાં જબરદસ્ત પુનઃ નિર્માણની પ્રક્રિયા ચાલતી હોય છે. એક વસ્તુમાંથી બીજી વસ્તુ બનતી હોય છે. વળી સૃષ્ટિમાં ચક્રીયતા અને પરસ્પર પુરકતાનો ગુણ બહુ મોટો છે. એકની નિરુપયોગી વસ્તુ બીજાને માટે ખૂબ ઉપયોગી હોય છે. દાખલા તરીકે મનુષ્ય ઉચ્છવાસમાં અંગારવાયુ બહાર કાઢે છે. મનુષ્ય માટે અંગારવાયુ નિરૂપયોગી છે. નહીં તો હાનિકારક છે. પરંતુ એ જ અંગારવાયું વનસ્પતિ માટે ઉપયોગી છે. વનસ્પતિ એમાંથી પોતાનું ભોજન મેળવે છે.
સૃષ્ટિમાં અવિરત પણે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર થતું રહે છે. રૂપાંતરથી જ પદાર્થનું સ્વરૂપ અને ગુણ બદલાય છે પરંતુ મૂળ પંચમહાભૂતાત્મકતા તો એની જ રહે છે. મનુષ્યનો કે પશુઓનો મળ, હાડકા કે મૃતદેહ, માટી, મનુષ્યનું શરીર આ બધી જ પ્રક્રિયાઓમાંથી પસાર થતા રહે છે. જુદા જુદા સ્વરૂપે જુદી જુદી સ્થિતિમાં એકબીજાને માટે ઉપયોગી અને લાભકારક બનતા રહે છે સૃષ્ટિનું આ અદ્‌ભુત અને અત્યંત કાર્યક્ષમ એવું નેટવર્ક છે જે યુગો સુધી સ્વયં સંચાલિત અને સ્વયં પૂર્ણ રીતે ચાલ્યા કરે છે. (ક્રમશઃ)