પરમાત્મા દ્વારા આપવામાં આવેલું ભોજન જે તેમને સમર્પિત કર્યા સિવાય ખાય છે તે ચોર છે. અર્થાત્ ભગવાનને સમર્પિત કરીને જ પ્રસાદના રૂપમાં અન્ન ગ્રહણ કરવું જોઈએ. ભોજન કરાયેલું અન્ન ત્રણ ભાગમાં વહેંચાય છે.
(૧) સ્થૂળ અને અસારથી મળ, (ર) મધ્યમ અંશથી શરીરમાં માંસ બને છે (૩) સૂક્ષ્મ અને દિવ્ય અંશથી મનને તૃપ્તિ થાય છે.
કઈ વસ્તુ, કઈ ઋતુમાં, કયા પ્રકારના શરીર માટે, કયા પ્રકારે સેવન કરી શકાય જેનાથી શરીર, મનના સ્વાસ્થ્યમાં વૃધ્ધિ થાય? આ વિજ્ઞાન પશ્ચિમી ચિકિત્સાશાસ્ત્રના તજજ્ઞો પાસે નથી. પશ્ચિમના દેશોમાં ઠંડી વધુ છે તેથી એક જ પ્રકારનો ખોરાક બારે માસ ખાવાથી તેમનું કામ ચાલે છે. પરંતુ પૂર્વના દેશોમાં છ એ ઋતુ પૂર્ણ માત્રામાં પોતાનો પ્રભાવ બતાવે છે. ઋતુભેદથી વાયુ, પિત્ત અને કફની વધતી-ઓછી માત્રા શરીરમાં થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણએ ભોજનને સાત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ ભાગમાં વિભક્ત કરેલું છે. જેમાં (૧) સરસ, સારવાન અને હૃદયગ્રાહી આહાર સાત્વિક હોય છે, (ર) વધુ કડવું, ખાટું ખારું, ગરમ, તીખું, રૂક્ષ ભોજન રાજસિક છે (૩) વાસી, રસહીન, દુગંધયુક્ત, એંઠો અને અપવિત્ર આહાર તામસિક છે.
સાત્વિક આહારથી આયુષ્ય, બળ, ઉત્સાહ, આરોગ્ય સુખ અને પ્રીતિની વૃદ્ધિ થાય છે અને ચિત્તમાં સત્વગુણની વૃધ્ધિ તથા આધ્યાત્મિક ઉન્નતિ પણ થાય છે.
રાજસિક આહારથી દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન થાય છે અને તામસિક આહારથી જડતા, અજ્ઞાન, કુરોગ તથા પશુભાવ વધે છે. તત્વતઃ રાજસિક અને તામસિક ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરી સાત્વિક આહાર જ કરવો જોઈએ.
આધુનિક ચિકિત્સાશાસ્ત્ર કહે છે કે કોરોનાના દર્દીનો સ્પર્શ કરવાથી તે રોગ સ્પર્શ કરનાર વ્યક્તિમાં સંક્રમિત થાય છે. મિસ હેલને યંત્ર દ્વારા સ્પષ્ટ પ્રમાણિત કરીને બતાવ્યું છે કે રોગીના હાથનો સ્પર્શ થવાથી રોગના બીજ બીજા વ્યક્તિમાં સંક્રમિત થઈ જાય છે તેવી જ રીતે કેવળ રોગ જ નહિ સ્પર્શથી શારીરિક અને માનસિક વૃત્તિઓની પણ હેર-ફેર થાય છે. પ્રત્યેક મનુષ્યની એક પ્રકારની વિદ્યુત શક્તિ છે. તેથી રસોઈ કરનારની જેવી પ્રકૃતિ હોય, જેવા તેના વિહારો હોય, જેવું તેનું ચારિત્ર હોય, જેવું તેનું સ્વાસ્થ્ય હોય તેની અસર ભોજન કરનારમાં સંક્રમિત થાય છે.
તે કઈ શક્તિ છે જે હાથની નસો દ્વારા આંગળીઓના ટેરવા સુધી જાય છે તેને વૈજ્ઞાનિકો આકાશી શક્તિ કહે છે, તે મગજમાંથી ઉત્પન્ન થઈને મનોવૃત્તિઓ સાથે મળે છે અને સ્નાયુ પથ દ્વારા પ્રવાહિત થઈને હાથ, આંખ અને પગની એડી સુધી પહોંચે છે. આ ત્રણેય દ્વારા તે પોતાનો પ્રભાવ બીજાઓ ઉપર બતાવે છે. પરંતુ તેનો સૌથી વધારે પ્રભાવ હાથની આંગળીઓ દ્વારા જ પ્રકટ થાય છે.
ભારતીય શાસ્ત્રોમાં કહેવાયું છે કે પિતા, માતા, મિત્ર, વૈદ્ય, પુણ્યાત્મા, હંસ, મથુર અને ચકવાની દષ્ટિભોજન પર પડે તો શુભ છે. મત્સ્ય પુરાણમાં જણાવ્યું છે કે જો કોઈએ અન્નમાં વિષ ભેળવેલું હોય અને તેના પર ચકવા નામના પંખીની દ્રષ્ટિ પડે તો તે આંખો બંધ કરી દે છે જેનાથી ખબર પડી જાય છે કે ભોજનમાં ઝેર ભેળવેલું છે.
દરિદ્ર, ભૂખ્યો, પાખંડી, સ્ત્રૈણ, રોગી કુકડો, સર્પ અને કૂતરાની દ્રષ્ટિ ભોજન પર પડે તો તે અશુભ ગણાય છે. તેની ઝેરી નજર અનાજમાં સંક્રમિત થવાથી અપચાનો રોગ થાય છે અર્થાત્ બરાબર પાચન થતું નથી.
માથા પર કપડું બાંધીને, બુટ કે ચપ્પલ પહેરીને અનુચિત દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું તે આસુરી પ્રકૃતિનું લક્ષણ છે. રાત્રે હળવું ભોજન કરવું જોઈએ. સંધ્યા સમયે ભોજન ન કરવું જોઈએ કારણ કે સંધ્યા સમયે ભોજન કરવાથી ભૂત પ્રેતોની દ્રષ્ટિ અન્ન પર રહે છે. તેમજ રાત્રિના બાર વાગ્યા પછી ભોજન ન કરવું જોઈએ તે આસુરી ભોજન ગણાય છે અને આરોગ્યને માટે હાનિકારક છે. પાણીના વિષયમાં મહર્ષિ યમને કહ્યું છે કે ‘‘દિવસમાં સૂર્યકિરણ, રાત્રીએ ચંદ્રના કિરણો પડેલું જળ ઉત્તમ જળ છે જે પાણી પર સૂર્યના કિરણો પડતા નથી અને પવન જેને શોષતો નથી તે જળ સ્વચ્છ હોય તો પણ કફ ઉત્પન્ન કરે છે. તેવા પાણીને પ્રથમ ગરમ કરી ત્યારબાદ તે ઠંડુ થયા પછી પીવું જોઈએ, તે આરોગ્ય માટે હિતકારી છે તેથી જ જૈન મૂનિઓ ઉકાળ્યા બાદ ઠંડુ થયેલું પાણી જ પીએ છે. નારિયેળનું પાણી પીવાથી પિત્તનું શમન થાય છે. ભોજન કર્યા બાદ મુખને પાણીથી બરાબર કોગળા કરીને સાફ કરવું જોઈએ. ભોજન કર્યા બાદ સો ડગલા ચાલવું જોઈએ, બેસી શકાય તો વીરાસનમાં બેસવું જોઈએ. સો ડગલા ચાલ્યા બાદ ડાબે પડખે સુવું જોઈએ જેથી પાચન સરળતાથી થાય. ભોજન કર્યા બાદ બેસી રહેવાથી શરીરમાં ભારેપણું અને ઈન્દ્રિયોમાં શિથિલતા આવે છે. ભોજન કર્યા બાદ તુરંતુ દોડવું ન જોઈએ. રેફ્રીજરેટર દ્વારા ઠંડુ થયેલ પાણી હરગીઝ પીવું ન જોઈએ. તેનાથી ખોરાક પચતો નથી અને આરોગ્યની હાનિ થાય છે. અન્ન બ્રહ્મા સ્વરૂપ છે, અન્નનો રસ વિષ્ણુ સ્વરૂપ છે અને ભોક્તા મહેશ્વર છે. આ પ્રકારે હમેશાં વિચારવું અને ચિંતન કરવું જોઈએ. બરાબર ભૂખ લાગે ત્યારે જમવું જોઈએ. આમ કરવાથી પૂરતા પ્રમાણમાં પાચક રસો જઠરમાં જાય છે અને ભોજન શક્તિદાયક બને છે. તેમજ મન અને શરીરને માટે કલ્યાણકારી બને છે. સંદર્ભગ્રંથ -આરોગ્ય અંક લેખક – સ્વામી દયાનંદના લેખના આધારે (પાના નં. ૮૦)
hemangidmehta@gmail.com