ગયા વર્ષે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાં ભેળસેળના આરોપોને લઈને રાજ્ય અને સમગ્ર દેશમાં ઘણો હોબાળો થયો હતો. હવે ફરી એકવાર આ અંગે ચર્ચા શરૂ થઈ છે. હકીકતમાં,રાજ્યમાં શાસક પક્ષ ટીડીપીના નેતા કોમ્મરેડ્ડી પટ્ટાભી રામે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે તિરુપતિમાં ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરવામાં આવ્યું હતું અને સીબીઆઈના નેતૃત્વ હેઠળની એસઆઈટીએ પણ આ સ્પષ્ટ કર્યું છે.
ટીડીપી નેતા કોમ્મરેડ્ડી પટ્ટાભી રામે કહ્યું – “સીબીઆઈની આગેવાની હેઠળની એસઆઈટીએ સ્પષ્ટ કર્યું છે કે જગન રેડ્ડી સરકાર દરમિયાન એચઆર ફૂડ્‌સ અને વૈષ્ણવી ડેરી દ્વારા ટીટીડીને ઘી સપ્લાય કરતી ભોલે બાબા ડેરીએ ખરેખર ભેળસેળયુક્ત ઘી સપ્લાય કર્યું હતું. તે બિલકુલ શુદ્ધ ઘી નહોતું. આ ભેળસેળયુક્ત ઘી કેટલાક રસાયણો અને અન્ય ઘણા ઘટકોથી તૈયાર કરવામાં આવ્યું હતું. તે પ્રાણીની ચરબી હોઈ શકે છે, જેમ કે લેબ રિપોર્ટ કહી રહ્યો છે.” કોમ્મરેડ્ડી પટ્ટાભીએ વધુમાં કહ્યું- “આપણે અંતિમ તપાસ અહેવાલની રાહ જાવી પડશે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં આરોપીઓની જામીન અરજી પર ચર્ચા દરમિયાન,સીબીઆઇની આગેવાની હેઠળની એસઆઇટીએ સ્પષ્ટ કર્યું હતું કે આ ભેળસેળયુક્ત ઘી છે. આ સમાચાર સાંભળીને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખ થયું.” ભેળસેળનો આખો મામલો શું છે? ખરેખર, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ તેમના પુરોગામી જગન રેડ્ડી સરકાર પર તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળ કરવાનો આરોપ લગાવ્યો હતો. નાયડુએ કહ્યું હતું કે તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદ બનાવવામાં પશુ ચરબીવાળા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલે ઘણો રાજકીય હોબાળો થયો હતો. આ પછી, રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે નવ સભ્યોની એસઆઇટીની રચના કરી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો. સુપ્રીમ કોર્ટે શું નિર્દેશ આપ્યો? સુપ્રીમ કોર્ટે તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાં ભેળસેળના વિવાદની તપાસ માટે પાંચ સભ્યોની એસઆઇટીની રચના કરી હતી. આ એસઆઇટીમાં કેન્દ્રીય એજન્સીના બે અધિકારીઓ, આંધ્રપ્રદેશ પોલીસના બે અધિકારીઓ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્‌સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીનો સમાવેશ થતો હતો.