જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. હરીપરા પ્લોટ, ભેંસાણના નિવાસી ગોપાલભાઈ મગનભાઈ ભેંસાણીયા દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જૂનાગઢને લખેલા પત્રમાં ભેંસાણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તાત્કાલિક ધોરણે ઝ્રઝ્ર્‌ફ કેમેરા અને બાયોમેટ્રિક સિસ્ટમ ચાલુ કરવા તેમજ ઘટતા શિક્ષકોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે, તાજેતરમાં ભેંસાણ તાલુકાની અમર શૈક્ષણિક સંસ્થામાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને, શાળાઓના તમામ રૂમ, મેદાન, મધ્યાહન ભોજન વ્યવસ્થા અને ઓફિસ સહિતના વિસ્તારોમાં સ્પષ્ટ દેખાય તે રીતે ઝ્રઝ્ર્‌ફ કેમેરા અને બાયોમેટ્રિક સિસ્ટમ તત્કાલ ચાલુ કરાવી જોઈએ. આનાથી બાળકોના અપહરણ અને શોષણ જેવી ઘટનાઓને રોકી શકાશે તેમજ શૈક્ષણિક ગુણવત્તા અને વહીવટી પારદર્શિતા જાળવી શકાશે. આ સુવિધાઓ માટે જરૂરી ભંડોળ અને તકનીકી સહાય પૂરી પાડવા પણ વિનંતી કરવામાં આવી છે. વધુમાં, પત્રમાં ભેંસાણ તાલુકાની અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આ ઘટને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. તેથી, આ ખામી દૂર કરવા માટે શિક્ષકોની તાત્કાલિક નિમણૂક અથવા વૈકલ્પિક વ્યવસ્થા, જેમ કે કાયમી શિક્ષકોની ભરતી કરવા તાકીદ કરવામાં આવી છે. ગોપાલભાઈ ભેંસાણીયાએ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપવા વિનંતી કરી છે.