(1) આ કોલમ હવે જામી ગઈ છે. તમને નથી લાગતું કે શ્રેષ્ઠ સવાલ પૂછનારને ઈનામ આપવું જોઈએ?

જયદીપ પટેલ (અમરેલી)

મેં સંજોગ ન્યૂઝમાં વાત કરી છે કે શ્રેષ્ઠ સવાલ પૂછનારને એક સો રૂપિયા ઇનામ આપો અને (આવા)ફાલતુ સવાલ પૂછનારને બસો રૂપિયા દંડ કરો.

(2)પશ્ચિમી દેશોની જેમ આપણે ત્યાં ઉનાળામાં પણ બરફ પડતો હોત તો..?

કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ)

તમારે ગોલાવાળા સાથે માથાકૂટ થઈ છે કે ફ્રિજ બગડ્યું છે?

(3)યુવાનો આજકાલ ‘ઝુકતા નહિ’ વાળો ડાયલોગ બહુ બોલે છે. શું કહેશો?

ધવલભાઈ પાનવાળા (રાજકોટ)

દેશને અત્યારે  ‘મૈં ઝુકતા નહિ’ એ ડાયલોગ કરતા ‘મૈં ગમે ત્યાં થૂંકતા નહિ’ એવો ડાયલોગ બોલતા યુવાનોની વધુ જરૂર છે.

(4)મનદુઃખ એટલે શું?

રામભાઈ પટેલ(સુરત)

મનસુખને ખબર !

(5)આપ ડોકટર છો, હાસ્ય  લેખક છો, કોલમના નામ પરથી લાગે છે કે આપ કર્મકાંડ કરતા હશો, આપના જવાબ પરથી આપ શિક્ષક હો તેવું લાગે છે. હવે રાજકારણમાં નસીબ અજમાવી જોવો.

મહેશ શિવલાલભાઈ દવે “દીપ” (રાજકોટ)

રાજકારણમાં નિષ્ફળતા મળી પછી જ આ બધું શરૂ કર્યું છે.

(6)એકલતાના મહેલમાં વૃદ્ધોને આ સંસારમા દુ:ખી માનવ તરીકે  જોવામાં  સૌ મનમાં ખૂબ ખુશ  કેમ થાય છે ?

ડાહ્યાભાઈ ઝ. આદ્ગૉજા (લિલિયા મોટા)

કઈક સમજફેર છે સાહેબ… કોઈ મનમાં ખુશ થતા હોય તો બહાર ખબર કેમ પડે?!.. તમને મનમાં હસવું આવ્યુને?!

(7) દૂધ ફાટી જાય તો સંધાવવા માટે કયા દરજી પાસે જવું જોઈએ ? લેડીઝ ટેઈલર કે જેન્ટ્સ ટેઈલર ?

જીગર યાદવ (કરજણ)

ઘેર જ ટેભા ભરવાનું શીખી લો.ફાટેલું દૂધ લઈને  ગમે તે પ્રકારના દરજી પાસે જશો એટલે એનો મગજ ફાટી જશે.

(8)તમે મામાના ખભે બેસી વરરાજા બન્યા હશોને?!

અનિરુદ્ધસિંહ રાઠોડ (નવા વાઘણીયા)

હાલીને ગ્યો તો..!

(9) ભેંસના બચ્ચાંને ડોબું કેમ કહેવાય છે?

ભાર્ગવ ભટ્ટ (જામનગર)

આપણામાં જેમ મુન્નો, કાનો, લાલો, બચુડીયો, મુકુચુકુ, દીકુ, ચીકુ,  ચકુડી એવું બધું કહેવાય છે એમ ભેંસ લોકોમાં ડોબું કહે છે…. એ અલગ વાત છે કે આપણાંમાંથી પણ ઘણાને ડોબું શબ્દ પસંદ પડી જાય છે એટલે યથાવકાશ ઉપયોગ કરી લે છે.

(10) ઉનાળો આવ્યો એટલે સ્ત્રીઓ આખો ચહેરો ઢાંકીને ગામમાં વસ્તુ લેવા જશે તો શું પુરૂષોએ એવું કરવું જોઈએ?

પરમાર સુભાષ ઘનશ્યામભાઈ  (મોટાલીલીયા)

સ્ત્રીઓએ આ આઇડિયા પુરુષો પાસેથી જ લીધો છે. ચોર લોકો ચોરી કરતા ઓળખાય ન જાય એ માટે બુકાની બાંધતા. સ્ત્રીઓએ ચોર પાસેથી આ આઇડિયા ચોરી લીધો છે.

(11)અર્થી સાથે સ્ત્રીઓ સ્મશાને કેમ નહી જતા હોય, અને જાય તો શું થાય?

મનદીપ ભુવા (ગળકોટડી)

લગ્નમાં ચાકડો વધાવવા પુરુષો જવા માંડે તો સ્ત્રીઓ પણ અર્થી સાથે સ્મશાને જાય !

(12)શાળામાં અભ્યાસ કરતા ત્યારે એક પ્રતિજ્ઞા ભણવામાં આવતી હતી કે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે તો પછી લગ્ન કોની સાથે કરવા એ મૂંઝવણ છે!

હરપાલસિંહ જે.ઝાલા (ભોયકા લીંબડી)

જો ભાઈ, કોઈપણ પ્રતિજ્ઞા લઈએ ત્યારે બે વાર વિચાર કરાય..અને હવે પ્રતિજ્ઞા કરી જ છે તો ભારત બહાર ટ્રાઇ કરો.

(13) સ્ત્રીને ઉંચાઈથી માપી શકાય તો મનથી કેમ નહિ?

શંભુ ખાંટ ‘અનિકેત’ (પાટયો-અરવલ્લી)

મનથી માપ્યા પછી માપ મનમાં રાખજો.

(14)રશિયા અને યુક્રેનનું યુદ્ધ હવે કેટલા દિવસ સુધી ચાલશે?

ચાન્સી પંડ્યા (ભાવનગર)

છોકરાં છે, ઘરમાં ફટાકડા પડ્યા હોય ત્યાં સુધી જંપીને બેસે નહિ!

(15)મન મોર બની થનગનાટ કરે ગીત ગવાય છે, તમારું મન ક્યારે થનગનાટ કરે??

ભાવેશ ડાંગર (રાજકોટ)

અત્યારે થનગનાટ ચાલું જ છે.