“જેમ હાંકનારો, બળદિયા, પૈડાં, ધૂંસરી, ઊંધ, માંચડો એવાં ઘણાંક સામાન એક કરીને એક ગાડું કહેવાય છે, તેમ નિષ્કામી વ્રત દૃઢ રાખવાની પણ ઘણીક સામગ્રી જાઇએ છીએ. તેમાં એક તો મનને વશ કરવું. જે મનને વિષે અખંડ એવું મનન કરવું જે હું આત્મા છું, દેહ નથી અને ભગવાનની કથાશ્રવણાદિક જે નવધા ભક્તિ તેને વિષે મનને અખંડ જાડી મેલવું પણ ક્ષણમાત્ર મનને નવરું રહેવા દેવું નહિ.”
“બીજા ઉપાય એ છે જે, પ્રાણને નિયમમાં રાખવો. તે જેમ ભગવાને ગીતામાં કહ્યું છે જે, આહારવિહાર યુક્ત રાખવો પણ અતિશય ખાધાની લોલુપતા ન રાખવી.” “અને ત્રીજા ઉપાય એ છે જે, આ સત્સંગને વિષે જેને જેને જે જે નિયમ કહ્યા છે, તેમાં દેહને રાખીને દેહને નિયમમાં કરવો.”
“એવી રીતે એ ત્રણ ઉપાયને જે દૃઢ રાખે, તેને નિષ્કામી વર્તમાન અતિશય દૃઢ થાય છે.”( વચનામૃત ગ. મ.૩૩)
“મર્યાદાઓની સાથે વૈકલ્પિક વ્યવસ્થા”
ભગવાન શ્રીસ્વામિનારાયણે સ્ત્રી-પુરુષોના સંબંધોમાં પવિત્રતા જળવાય રહે, એટલા માટે ગૃહસ્થ બાઇઓ-ભાઇઓ વચ્ચે કેટલીક મર્યાદાઓ બાંધેલ છે. એ જ રીતે ત્યાગી સાધુઓ અને સ્ત્રીઓ વચ્ચે પણ પરસ્પરના સાનિધ્યથી ઉત્પન્ન થતાં અનિષ્ટોને નિવારવાને માટે કડક નિયમો બનાવ્યા છે, જે શિક્ષાપત્રી તેમજ ધર્મામૃતમાં પ્રસિદ્ધ છે. ઉપરાંત, સત્સંગીજીવનમાં પણ આ નિયમો વિસ્તારપૂર્વક
વર્ણવાયેલા છે. મહત્વની વાત એ છે કે, ભગવાન શ્રીસ્વામિનારાયણે મર્યાદાઓ બાંધીને બહેનોને એકલવાયે ખૂણે ધકેલી દીધાં નથી; એમના વ્યક્તિત્વને ખીલવવા માટે સુંદર વ્યવસ્થાઓ પણ આપી છે, જે ધર્મજગતમાં આગવી ભાત ધરાવે છે. ભગવાન શ્રીસ્વામિનારાયણે બાઇઓ-ભાઇઓની સભાઓ અલગ કરાવી.