કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ સાંસદ ઉદિત રાજે શનિવારે એક નિવેદનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તુલના બંધારણ ઘડવૈયા ડા. ભીમરાવ આંબેડકર સાથે કરી. ઉદિત રાજે કહ્યું કે જો અન્ય પછાત વર્ગો ભાગીદારી ન્યાય સંમેલન દરમિયાન રાહુલ ગાંધીએ જે કહ્યું તે સાંભળે, તો રાહુલ ગાંધી સાબિત કરશે કે તેઓ  ઓબીસી વર્ગના બીજા આંબેડકર છે.

કોંગ્રેસના નેતા ઉદિત રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ‘તેલંગાણામાં થયેલી જાતિ વસ્તી ગણતરી સમાજનો એક્સ-રે છે. રાહુલ ગાંધીનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં તેને કરાવવાનો છે. તેમના વિચારો દૂરંદેશી છે. જો દલિત અને પછાત વર્ગના લોકો આગળ આવે, તો આપણી અર્થવ્યવસ્થા મજબૂત થશે. સમાજમાં અસમાનતા ઓછી થશે. જો પછાત વર્ગના લોકો રાહુલ ગાંધી શું કહી રહ્યા છે તે સમજવાનો પ્રયાસ કરે, તો રાહુલ ગાંધી સાબિત કરશે કે તેઓ તેમના માટે બીજા આંબેડકર છે.’

ઉદિત રાજે લખ્યું કે ‘પછાત વર્ગને વિચારવું પડશે કે ઇતિહાસ તેમને વારંવાર વિકાસની તક આપશે નહીં. તેમણે તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત સંમેલનમાં રાહુલ ગાંધીએ જે કહ્યું તે સ્વીકારવું જોઈએ અને તેનું સમર્થન કરવું જોઈએ. જો તેઓ આમ કરશે, તો રાહુલ ગાંધી તેમના માટે બીજા આંબેડકર સાબિત થશે.’

શુક્રવારે કોંગ્રેસે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ‘ઓબીસી લીડરશીપ પાર્ટનરશીપ જસ્ટીસ કોન્ફરન્સ’નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે ‘રાજકારણ શરૂ કર્યાને ૨૧ વર્ષ થઈ ગયા છે. જ્યારે હું પાછળ ફરીને આત્મનિરીક્ષણ કરું છું. મેં ક્યાં સાચું કામ કર્યું અને ક્યાં ઓછું પડ્યું, તો બે-ત્રણ મોટા મુદ્દા દેખાય છે. મેં જમીન સંપાદન કાયદો બનાવ્યો, મનરેગા લાવ્યો અને નિયમગીરી માટે લડ્યા. મેં આ કામો સારી રીતે કર્યા… ભલે તે આદિવાસીઓ, દલિતો અને લઘુમતીઓ વિશે હોય, મને સારા માર્ક્‌સ મળવા જોઈએ, મને મહિલાઓના મુદ્દા પર સારા માર્ક્‌સ મળવા જોઈએ.’

રાહુલ ગાંધીએ પછાત વર્ગ વિશે કહ્યું કે ‘જો હું મારી ખામીઓ વિશે વાત કરું છું, તો મેં ભૂલ કરી છે, મેં ઓબીસી વર્ગનું રક્ષણ તે રીતે કર્યું નથી જે રીતે મારે કરવું જોઈએ.’ આનું કારણ એ હતું કે તે સમયે મને તમારા મુદ્દાઓ ઊંડાણપૂર્વક સમજાયા ન હતા. ૧૦-૧૫ વર્ષ પહેલાં હું દલિતો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ સમજી ગયો હતો. આદિવાસીઓના મુદ્દાઓ પણ સરળતાથી સમજી શકાય છે, પરંતુ ઓબીસીના મુદ્દાઓ સરળતાથી દેખાતા નથી, તે છુપાયેલા રહે છે. જો મને તમારી સમસ્યાઓ વિશે થોડી પણ ખબર હોત, તો મેં તે સમયે જાતિ વસ્તી ગણતરી કરાવી હોત. આ કોંગ્રેસની ભૂલ નથી પણ મારી ભૂલ છે. તે મારી ભૂલ છે, જેને હું સુધારવા જઈ રહ્યો છું. એક રીતે, તે સારું હતું, કારણ કે જો મેં તે સમયે જાતિ વસ્તી ગણતરી કરાવી હોત, તો આજે જેવી સ્થિતિ ન હોત.’

રાહુલ ગાંધીએ કહ્યું કે ‘દેશમાં દલિત, પછાત, આદિવાસી, લઘુમતી વર્ગની વસ્તી લગભગ ૯૦ ટકા છે. પરંતુ જ્યારે બજેટ તૈયાર થયા પછી હલવો વહેંચવામાં આવી રહ્યો હતો, ત્યારે ત્યાં ૯૦ ટકા વસ્તીમાંથી કોઈ નહોતું. દેશની ૯૦ ટકા વસ્તી ઉત્પાદક શક્તિ છે. તમે હલવો બનાવનારા છો, પણ તેઓ તેને ખાઈ રહ્યા છે. અમે એમ નથી કહેતા કે તેમણે હલવો ન ખાવો જાઈએ, પણ ઓછામાં ઓછું તમારે પણ તે ખાવો જોઈએ.