હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા. ચંબામાં વહેલી સવારે બે ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપનો પહેલો આંચકો સવારે ૩.૨૭ વાગ્યે અનુભવાયો જ્યારે બીજા આંચકો સવારે ૪.૩૯ વાગ્યે આવ્યો. ભૂકંપના બંને આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩ થી ૪ ની વચ્ચે માપવામાં આવી હતી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, પહેલો ભૂકંપ સવારે ૩.૨૭ વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૩ માપવામાં આવી હતી, જ્યારે બીજા આંચકો સવારે ૪.૩૯ વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા ૪ માપવામાં આવી હતી. ભૂકંપના આંચકાથી લોકોમાં ભય ફેલાયો હતો અને લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, ભૂકંપના આ આંચકાઓને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
બીજી તરફ, હિમાચલમાં ભારે વરસાદને કારણે વિનાશનો સિલસિલો ચાલુ છે. કુલ્લુ જિલ્લાના કાનન ગામમાં વાદળ ફાટવાથી અચાનક આવેલા પૂરને કારણે એક પુલ અને ત્રણ દુકાનો ધોવાઈ ગઈ હતી. સતત વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે, જિલ્લા વહીવટીતંત્રે મંગળવારે કુલ્લુ અને બંજર સબ-ડિવિઝનમાં શાળાઓ, કોલેજા અને આંગણવાડી કેન્દ્રો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી હતી. કુલ્લુના ડેપ્યુટી કમિશનર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ તોરુ એસ. રવિશે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં એક સ્મશાનગૃહ ધોવાઈ ગયું હતું, ઉપરાંત એક ઘરને આંશિક નુકસાન થયું હતું. શિમલાના રામચંદ્ર ચોક પાસે ભૂસ્ખલન થયા બાદ સોમવારે મોડી રાત્રે એક મંત્રી, ધારાસભ્યો, તેમના સ્ટાફ અને અન્ય સરકારી કર્મચારીઓ સહિત લગભગ ૪૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી રાજેશ ધર્માણી, કોંગ્રેસના ધારાસભ્ય રામકુમાર ચૌધરી અને આશિષ બુટૈલે ભૂસ્ખલન બાદ શિમલામાં તેમના સત્તાવાર રહેઠાણો ખાલી કરી દીધા હતા. જાકે કોઈ જાનહાનિ થઈ નથી, આશિયાના રિજન્સી નજીક છોટા શિમલા વિસ્તારમાં એક ઇમારતની છતનો એક ભાગ નુકસાન પામ્યો હતો અને વૃક્ષો ઉખડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે કુલ્લુ અને બંજરના સબ-ડિવિઝનલ અધિકારીઓએ તેમના સંબંધિત વિસ્તારોમાં વાદળ ફાટવા, અચાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓની જાણ કરી હતી. આ ઘટનાઓને કારણે રસ્તાઓ અવરોધિત થયા હતા, ફૂટબ્રિજ ધોવાઈ ગયા હતા અને અન્ય નુકસાન પણ થયું હતું. મંડી જિલ્લાના પધાર વિસ્તારમાં આવેલા શિલ્હબુધાની અને તરસાવન ગ્રામ પંચાયતોમાં ભારે વરસાદને કારણે ખેતીની જમીન ઉપરાંત એક ફૂટબ્રિજ, એક દુકાન અને એક વાહનને નુકસાન થયું છે.
સતત ભારે વરસાદ, ભૂસ્ખલન અને ગાઢ ધુમ્મસને ધ્યાનમાં રાખીને કિન્નૌર જિલ્લા વહીવટીતંત્રે મંગળવારે કિન્નૌર કૈલાશ યાત્રા-૨૦૨૫ તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. કિન્નૌર ડેપ્યુટી કમિશનર (ડીસી) ડા. અમિત કુમાર શર્માએ જણાવ્યું હતું કે સતત ખરાબ હવામાન અને આગામી પાંચથી સાત દિવસમાં અતિશય વરસાદ અને વાદળછાયું વાતાવરણની આગાહીને ધ્યાનમાં રાખીને, જાહેર સલામતી માટે તાત્કાલિક સાવચેતીનાં પગલાં લેવા જરૂરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ ૩૪ હેઠળ સત્તાઓનો ઉપયોગ કરીને, શર્માએ આગામી આદેશો સુધી આ વર્ષ માટે યાત્રા બંધ જાહેર કરી છે. ડેપ્યુટી કમિશનરના આદેશો અનુસાર, યાત્રા રૂટ પરથી પસાર થનારા કોઈપણ યાત્રાળુને બેઝ કેમ્પમાં પાછા લઈ જવામાં આવશે અને ઉલ્લંઘન કરનારાઓ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.