લાઠી તાલુકાના ભુરખીયા ગામે, જ્યાં સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજી મંદિર આવેલું છે, ત્યાં જાનકી ગાર્ડનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભારતભાઇ સુતરીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભુરખીયા ગામના લોકો માટે આ ગાર્ડન એક મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે. આ ગાર્ડનમાં બાળકો માટે રમવાના સાધનો, વડીલો માટે બેસવાની વ્યવસ્થા અને સુંદર ફૂલછોડ પણ છે. લોકાર્પણ સમારોહમાં નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, ‘આ ગાર્ડન ગામના લોકો માટે એક અમૂલ્ય ભેટ છે. તે માત્ર એક ગાર્ડન નથી, પરંતુ તે ગામના લોકો માટે એક મિલન સ્થળ પણ છે.’ સાંસદ ભરતભાઇ સુતરીયાએ પણ આ ગાર્ડનના નિર્માણ માટે ગામના લોકો અને સરકારના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.