ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મહુવાના માઢીયા ગામ પાસે આવેલા બ્રિજમાં મોટી તિરાડો જોવા મળતા હાઈવે ઓથોરિટીની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ હાઈવે ગણતરીના વર્ષોમાં જ બિસ્માર હાલતમાં જોવા મળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે આ બ્રિજમાં તિરાડો પડ્યા બાદ હાઈવે ઓથોરિટી દ્વારા તેને સાંધવા માટે અનેક જગ્યાએ ‘સ્ટેપલિંગ’ (લોખંડના સળિયાથી મજબૂતી આપવી) કરવામાં આવ્યું હતું. જોકે, આ દેશી જુગાડ કામ આવ્યો નથી અને તિરાડો સતત વધી રહી છે. બ્રિજની નબળી હાલતને કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું કામ વર્ષ ૨૦૧૬માં ત્રણ તબક્કામાં શરૂ કરવામાં આવ્યું હતું અને અંદાજે ૨૦૦૦ કરોડથી વધુના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો. પરંતુ, નબળા કામને કારણે હજુ તો આ પ્રોજેક્ટને પૂરા ૧૦ વર્ષ પણ નથી થયા ત્યાં જ હાઈવે અને બ્રિજમાં તિરાડો પડવી એ કામની ગુણવત્તા સામે સીધી આંગળી ચીંધે છે. આ પરિસ્થિતિ જોઈને લોકોમાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે, આટલા મોટા બજેટના કામમાં શું કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી લોટપાણીને લાકડા જેવું કામ થયું છે?
માઢીયા ગામ પાસેનો આ બ્રિજ ભાવનગર અને સોમનાથને જોડતો મુખ્ય માર્ગ છે, જ્યાંથી દિવસ-રાત હજારો વાહનો પસાર થાય છે. જો હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે આ બ્રિજનું સમારકામ અથવા યોગ્ય તપાસ કરવામાં નહીં આવે, તો મોરબી જેવી કોઈ મોટી દુર્ઘટના અહીં પણ સર્જાઈ શકે છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોની એક જ માંગ છે કે, હાઈવેના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ થાય અને મુસાફરોની સુરક્ષા સાથે બાંધછોડ કર્યા વગર બ્રિજનું નવેસરથી મજબૂતીકરણ કરવામાં આવે.










































