ભાવનગર શહેરમાં કંસારા પ્રોજેકટ ૧૫ વર્ષ પહેલાં શરૂ થયો અને અલગ-અલગ નામ સાથે કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી રહી છે. કંસારો બંધાયા બાદ સ્થાનિક લોકોને ડ્રેનેજનું પાણી વધુ અસરકર્તા બન્યું છે. પૂરું વર્ષ ગંદકીની દુર્ગંધમાં વીતી રહ્યું છે.
ભાવનગર શહેરમાંથી પસાર થતી કંસારા નદીમાં રિવરફ્રન્ટની કામગીરીના પ્રારંભ બાદ વર્ષો પછી પણ કંસારા પ્રોજેકટ અધૂરો છે. કંસારા કાંઠે વસેલા લોકોને વિકાસના નામે અગવડતા અને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે સ્થાનિક લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે. અધિકારીઓ પણ કામગીરી ચાલુ હોવાનું જણાવી રહ્યા છે.
શિવાજી સર્કલ નજીક પસાર થતી કંસારા નદીના સ્થળની મુલાકાત દરમિયાન અહીંના સ્થાનિક ધીરુભાઈએ ઈટીવી ભારતની ટીમને જણાવ્યું હતું કે, અહીં છેલ્લા પાંચ વર્ષથી કામ ચાલી રહ્યું છે. પવન ના હોય તો વાસ આવે છે અને પવન હોય ત્યારે રેહવાતું નથી. તાવ કે એવું નથી કઈ પણ મચ્છરનો ત્રાસ છે.
જ્યારે અંજુબેન નામના અહીંના સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, અમારે પાણીના હિસાબે મચ્છી-મચ્છરનો ત્રાસ ઘણો છે. અહીં રોડ બનાવે પણ રોડમાં કરોડો ખર્ચ્યા પણ સુવિધા નથી. અમારા મકાન પાડી દીધા તોય સારાવાટ નથી, એટલે ગંદુ પાણી આવે તો તેને બંધ કરવું પડે પરંતુ સ્થિતિ જેમની તેમ છે.
કંસારાના કાંઠે રહેતા હિરુબેને જણાવ્યું હતું કે, અમારે અહીં ગંદકી થાય, મચ્છર થાય, અમારા છોકરાઓને બહાર કઢાઈ નહીં, બહું દૂર્ગંધ આવે. ૨૪ કલાક અમારે કેમ બાળકોને રાખવા ? અમારે બારણા બંધ રાખવા પડે. નાના બાળકો હોય કેમ કરવું ?
જ્યારે વલ્લભભાઈ કટારીયા નામના સ્થાનિક જણાવ્યું હતું કે, પહેલા જે ગટરનું પાણી આવતું હતું તે એક નિકમાં જતું રહેતું હતું. આ કંસારો બાંધ્યો ત્યારથી અહીં ૧૨ માસ પાણી ભરાયેલું રહે છે. આના કરતાં નિકવાડી હતી તે સારી હતી. કરોડો રૂપિયા જનતાના ખર્ચી નાખ્યા આવી રીતે. તીવ્ર ગંધ આવવાથી આજુબાજુના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમારે ત્યાં મહેમાન આવતા નથી. વિકાસના નામે અમારી ઝુંપડી જાય અને વિકાસ નો થાય ત્યારે ખુબ દુઃખ થાય.
મહાનગરપાલિકાના યોજના વિભાગના અધિકારી એ.સી.પઢસાળાએ જણાવ્યું હતું કે, આપણે કંસારા પ્રોજકેટનો ફેજ ૧ છે એ ૫૨ કારોડના ખર્ચે શરૂ કરેલો છે, તેમાં ૯૬ ટકા કામ પૂરું થઈ ગયેલું છે. હાલમાં જમીન સંપાદન પ્રશ્નમાં પ્રોગ્રેસ ચાલુ છે. જે જમીન સંપાદન બાદ આગળ ચાલશે. ડ્રેનેજ વિભાગની કામગીરીમાં જ્યાં ઓવરફ્લો થઈ સ્ટોર્મ વોટર લાઇન મારફત આવતું હોય ડ્રેનેજ વિભાગ દ્વારા શિવાજી સર્કલ થી રુવાપરી સુધી એસટીપી સુધી કામ ચાલુ છે.
એ.સી.પઢસાળાએ આગળ જણાવ્યું હતું કે, કંસારામાં ફેજ-૨માં આપણા સ્ટાર્ટીગ પોઇન્ટ થી દોઢ કિલોમીટર લેન્ડમાં એક્સટન્ટ કરવાના છીએ. ઓજ ઇન્સ્ટીટ્યૂટ પાસેથી બોરતળાવ સુધી અને એન્ડમાં તિલકનગરથી નવાબંદર સુધી એક્સટેન્ડ કરવાના છીએ. આ ઉપરોક્ત બંને કાંઠે ૮ કિલોમીટરનો રોડ બનાવવાનું કામ પ્રગતિમાં છે.