ભાવનગરમાં એસએમસીની ટીમે ૩.૪૭ લાખના સીરપના જથ્થા સાથે ૪.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ રેડમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને ત્રણ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમને માહિતી મળી હતી કે ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં વૃષા સુવર્ણા ફ્લેટમાં નશીલા સીરપનો જથ્થો રાખવામાં આવ્યો છે. જેને આધારે પોલીસે આ ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ.૩,૪૭,૪૨૬ ની કિંમતની ૧૭૯૮ બોટલો કબજે કરી હતી. તે સિવાય પોલીસે ૩ મોબાઈલ, રૂ.૨૫,૫૦૦ રોકડા મળીને કુલ રૂ. ૪,૩૭,૯૨૬નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ભાવનગરમાં રહેતા નિશાંત એચ. સંઘવી, તોફિક આર. શેખ અને રહીમ એફ. વિરાણીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ત્રણ ફરાર શખ્સોની પોલીસે શોધ હાથ ધરી છે.










































