શિયાળાના સમયમાં દારૂની માંગ રહેતી હોય છે અને બુટલેગરો દારૂ ઘુસાડવા માટે દરેક રીસ્ક લેતા હોય છે, ત્યારે ભાવનગર પોલીસ પણ પુરી તાકાત સાથે રોકવા કાર્યવાહી કરે છે. ભાવનગર એલસીબી પોલીસે ટ્રકમાંથી ચોરખાનું શોધીને દારૂનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે.ભાવનગરમાં દારૂ ઘુસાડનારા ઉપર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે, ત્યારે ભાવનગર એલસીબી પોલોસે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેતા બાતમી વાળો ટ્રક રોકીને પૂછતાછ કરી સંતાડેલા દારૂના જથ્થાની સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. એલસીબી પોલીસે વલભીપુર પોલીસ સ્ટેશનમાં કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી છે.ભાવનગરની એલસીબી પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે વલભીપુરના અયોધ્યાપુરમ નજીક મળેલી બાતમીને પગલે વોચમાં રહેતા બાતમીવાળો ટ્રક આવી પહોંચ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે ટ્રકમાં એક ચોરખાનું છે. જેમાં દારૂ સંતાડવામાં આવ્યો છે. આથી ટ્રક ઉભો રાખીને તપાસ કરતા દારૂનો જથ્થો ચોરખાનામાંથી મળી આવ્યો હતો.અયોધ્યાપુરમ નવાગામના ઢાળ પાસે ટ્રક જીજે ૦૬ એકસએકસ૫૩૨૬ બરવાળા તરફથી આવ્યો હતો. બાતમી હતી કે ટ્રકના ડાગળામાં ચોરખાનું બનાવવામાં આવ્યું છે જેમાં દારૂ છે. આથી એલસીબી પોલીસે ચોરખાનું શોધીને તેમાંથી કુલ ૨૨૮૨ જેટલી દારૂની બોટલ ૧૦,૪૬,૩૨૦ ની કિંમતની શોધી લીધી હતી અને ટ્રક ચાલક સહિત એક શખ્સ મળી બે લોકોની ધરપકડ કરી હતી.એલસીબી પોલીસે ટ્રકમાંથી ભગીરથસિંહ ગજુભા ગોહિલ વલભીપુરવાળો અને વિરેન્દ્રસિંહ ઉર્ફે ભોલો વનરાજસિંહ ગોહિલ પચ્છેગામવાળો ઝડપાઈ ગયા હતા. જ્યારે ગુનામાં વધુ બે શખ્સ અનિલભાઈ સેલવાસના રહેવાસી અને જીતુભાઈ નેસડાના રહેવાસીને ઝડપવાના બાકી છે. પોલીસે દારૂ, ટ્રક મળી કુલ ૧૫,૫૬,૩૨૦ નો મુદ્દામાલ કબ્જે લઇ કુલ ચાર શખ્સો સામે વલભીપુર પોલીસ સ્ટેશન ધોરણસર ગુન્હો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી.










































