ભાવનગર જિલ્લામાં એલસીબી પોલીસે રાજકોટ હાઇવે પરથી દારૂની ખેપ ઘુસાડનાર કારને ઝડપી લીધી છે. કારમાંથી ૨૩૦૪ દારૂની બોટલો પકડાય છે. બે શખ્સો પણ પકડાઈ ગયા છે.
ભાવનગર શહેરમાં દારૂ પ્રવેશવા માટેનો મુખ્ય માર્ગ ભાવનગર-અમદાવાદ હાઈવે મોટાભાગે હોય છે. પરંતુ હવે ભાવનગર એલસીબી પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં ભાવનગર રાજકોટ હાઇવે ઉપરથી પણ દારૂ શહેરમાં પ્રવેશતો હોવાને પગલે બાતમીના આધારે દારૂ ઝડપી લીધો હતો. એલસીબી પોલીસે લાખો રૂપિયાનો દારૂ સહિત મુદ્દામાલ કબ્જે લઈને બે શખ્સોને ઝડપી લીધા છે. ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ભાવનગર જિલ્લામાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર એક કાર પ્રવેશવા જઈ રહી છે. એલસીબી પોલીસ રાજકોટ હાઇવે ઉપર રાજપરા ખોડીયાર મંદિર ચોકડી પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. પોલીસે બાતમી વાળી કાર આવતા તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કાર ચાલકે કારને ભગાવી હતી જેથી એલસીબી પોલીસે પીછો કર્યો અને શિહોર સુધી પીછો કરીને અંતે ઝડપી લીધી હતી. સિહોર સર્વોત્તમ ડેરી પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ નજીક બળ વાપરીને પોલીસે કાર ઉભી રખાવી અને તપાસી લેતા દારૂ મળી આવ્યો હતો.
નાયરા પેટ્રોલ પંપ નજીક એલસીબી પોલીસે કાર ઉભી રખાવ્યા બાદ તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો કુલ ૨૩૦૪ જેટલી મળી આવી હતી. આ ૨૩૦૪ બોટલની કિંમત ૪,૬૧,૧૩૬ થવા જાય છે. પોલીસે આ સાથે દારૂ, મોબાઈલ અને કાર મળી કુલ ૧૨,૭૧,૩૩૦ નો મુદ્દામાલ કબજામાં લીધો હતો. કારમાં સવાર પરપ્રાંતિય બે શખ્સ ઝાલારામ બાબુલાલ બીશ્નોઈ અને જયરામ ભાગીરથરામ પવારો (બીશ્નોઈ) પકડાઈ ગયા હતા. એલસીબી પોલીસે મુદ્દામાલ બે શખ્સો સહિત કુલ ૫ સામે સિહોર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો દાખલ કર્યો હતો.
ભાવનગર એલસીબી પોલીસે કારમાંથી ઝાલારામ બાબુલાલ બીશ્નોઈ અને જયરામ ભાગીરથરામ પવારો (બીશ્નોઈ)ને ઝડપી લીધા બાદ આ ગુનામાં વધુ કોણ સામેલ છે? તેને લઈને તેની પૂછતાછ કરતા અન્ય ત્રણ નામો ખુલ્યા હતા. જેથી પોલીસે પકડવાના બાકી રહેતા વિકાસ સોહન ખીચડ, મનોહર ઉર્ફે મનુ બીશ્નોઈ અને ઘનશ્યામ બોઘા બારૈયા કુલ પાંચ શખ્સો વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી સોંપી છે.






































