ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા લોંગડી ગામની પ્રાથમિક શાળામાં આજે હનુમાન જયંતિના પવિત્ર પર્વે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. મહાવીર સમાજ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે શાળાના બાળકો માટે પાઉંભાજી અને પુલાવના નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાકે, આ નાસ્તો કર્યાના થોડા જ સમયમાં વિદ્યાર્થીઓને ઉલટી-ઉબકા અને પેટમાં દુખાવા જેવી ખોરાકી ઝેરની (ફૂડ પોઈઝનિંગ) અસરો થવા લાગી હતી.
જાતજાતામાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓની તબિયત બગડતા ગ્રામજનો અને આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. ગંભીર હાલત ધરાવતા ૨૫ જેટલા વિદ્યાર્થીઓને તાત્કાલિક મહુવાની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૬૦થી વધુ બાળકોને લોંગડી ગામમાં જ સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જાવા મળી રહી છે. નાસ્તો બનાવવામાં વપરાયેલી સામગ્રીમાં કોઈ ગરબડ હતી કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ખોરાકના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સદનસીબે હાલ તમામ બાળકોની હાલત સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે.











































