અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સાથેના જાહેર કરાયેલા વેપાર કરારથી વિશાળ ભારતીય બજારમાં અમેરિકી કૃષિ ઉત્પાદનોની નિકાસ વધશે અને રશિયન આક્રમણનો સામનો કરવામાં પણ મદદ મળશે, એમ યુએસ કાયદા નિર્માતાઓએ જણાવ્યું હતું. સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના ચેરમેન સેનેટર જીમ રિશે એકસ પર પોસ્ટ કર્યું, “ભારત સાથેના વેપાર કરારની આજની નોંધપાત્ર સિદ્ધિ બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અભિનંદન.” ભારતને અમેરિકાનો ગાઢ ભાગીદાર ગણાવતા સેનેટર જીમ રિશે કહ્યું, “આ નવા કરાર હેઠળ, ભારતે અમેરિકન માલ ખરીદવાનું વચન આપ્યું છે. આનાથી અમેરિકાને રશિયન આક્રમણનો સામનો કરવામાં મદદ મળશે અને રશિયન ઉર્જા ક્ષેત્ર માટે ભારતનો ટેકો ઘટાડીને યુક્રેન સામે રશિયાના યુદ્ધનો અંત લાવવામાં મદદ મળશે.”
યુએસ કૃષિ સચિવ બ્રુક રોલિન્સે ટ્રમ્પનો ફરી એકવાર અમેરિકન ખેડૂતો માટે કામ કરવા બદલ આભાર માન્યો. તેમણે ઠ પર પોસ્ટ કર્યું, “નવો યુએસ-ભારત કરાર ભારતના વિશાળ બજારમાં વધુ યુએસ કૃષિ ઉત્પાદનો નિકાસ કરવાની મંજૂરી આપશે, કિંમતો વધારશે અને ગ્રામીણ અમેરિકામાં રોકડ પ્રવાહ લાવશે.”
યુએસ રાષ્ટ્રપતિ એ સોમવારે ભારત સાથે વેપાર સોદાની જાહેરાત કરી, ટેરિફ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાની પણ જાહેરાત કરી. ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા પછી આ જાહેરાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે પીએમ મોદી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા છે. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને વેનેઝુએલા પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ ખરીદવા પણ સંમત થયા છે.
નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ફક્ત ૨૫ ટકા પારસ્પરિક ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કર્યો છે, જ્યારે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે ભારત પર લાદવામાં આવેલ વધારાનો ૨૫ ટકા ટેરિફ અમલમાં છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર લાદવામાં આવેલ ૨૫ ટકા ટેરિફ પણ દૂર કરશે કારણ કે ભારતે રશિયા પાસેથી તેની તેલ ખરીદી ઘટાડી છે. જાકે, તેમણે ઉમેર્યું હતું કે વધારાના ૨૫ ટકા ટેરિફ દૂર કરવા માટે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કરવું પડશે.








































