ચીનની તમામ ધમકીઓ છતાં અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસી તાઈવાનના પ્રવાસે ગયા. ૧૯ કલાક સુધી પેલોસી તાઈવાનના રાષ્ટ્રપતિ અને ત્યાંના અધિકારીઓને મળતા રહ્યા અને જ્યાં સુધી આ મુલાકાતોનો દોર ચાલ્યો ત્યાં સુધી ચીનને મરચા લાગતા રહ્યા. ધમકીઓ વચ્ચે પણ પેલોસીએ કરેલો આ પ્રવાસ એ વાતનો પુરાવો છે કે અમેરિકાને ચીનની ચેતવણીઓથી કોઈ ફરક પડતો નથી. પેલોસીએ તાઈવાનને ભરોસો અપાવ્યો કે અમેરિકા તેની સાથે છે. પેલોસીના આ પ્રવાસથી અકળાયેલા ચીને તાઈવાનમાં અનેક જગ્યાઓ પર પોતાના ફાઈટર જેટ અને યુદ્ધ જહાજો તૈનાત કરી લીધા છે.
ભૌગોલિક રીતે જોઈએ તો ચીન દુનિયાના સૌથી મોટા દેશોમાંથી એક છે અને તાઈવાનની ગણતરી દુનિયાના નાનકડા દેશોમાં થાય છે. અર્થવ્યવસ્થા પ્રમાણે પણ બંને દેશોની સરખામણી થઈ શકે નહીં. પરંતુ આમ છતાં આ બંને દેશો વચ્ચે જ્યારે હવે યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે તો દુનિયા એક અલગ જ તણાવમાં છે. પહેલેથી ઓટોથી લઈને સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રી ચિપ શોર્ટેજથી પરેશાન છે. તાઈવાનમાં સ્થિતિ બગડશે તો સંકટ વધુ ગાઢ બનશે કારણ કે નાનકડો દેશ તાઈવાન સેમીકન્ડક્ટર મામલે દુનિયાની ફેક્ટરી છે.
નેન્સી પેલોસીના પ્રવાસ બાદ જે સ્થિતિ ઊભી થઈ છે તે સ્થિતિ જો આમ જ રહી અને તાઈવાન પર હુમલો થયો તો ઈલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, સ્માર્ટફોન, કારોના ભાવ ચોક્કસપણે વધશે. બની શકે કે બજોરમાંથી ઈલેક્ટ્રોનિક સામાન પણ ગાયબ બની જોય. કોરોના મહામારી સમયે જ્યારે તાઈવાન સાથે સપ્લાય ચેઈન તૂટી ગઈ હતી ત્યારે દુનિયાને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે તાઈવાનનું બજોરમાં ન હોવાનો શો અર્થ છે.
દુનિયામાં સેમીકન્ડક્ટરથી થનારી કુલ કમાણીનો ૫૪ ટકા હિસ્સો તાઈવાનની કંપનીઓ પાસે છે. જેમાંથી સૌથી વધુ યોગદાન તાઈવાનની કંપની TSMC નું જ છે. TSMC હજુ પણ દુનિયાની સૌથી મોટી સેમીકન્ડક્ટર કંપની છે. Apple, Qualcomm, Nvidia, Microsoft, Sony, Asus, Yamaha, Panasonic જેવી દિગ્ગજ કંપનીઓ તેના ગ્રાહક છે. તાઈવાન સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની દુનિયાની ૯૨ ટકા એડવાન્સ સેમીકન્ડક્ટરનું ઉત્પાદન કરે છે.
ચીન સેમીકન્ડક્ટર મામલે તાઈવાનથી ઘણું પાછળ છે. સેમીકન્ડક્ટરના બજોરને અમેરિકા પણ સમજે છે અને ચીન પણ. આથી બંને દેશ આ નાનકડા દેશ માટે આમને સામને છે. જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો દુનિયા માટે ચિપનું બજોર સંપૂર્ણપણે ઠપ જશે અને પહેલેથી મોંઘવારી સામે ઝઝૂમી રહેલી દુનિયા સામે નવું સંકટ ઊભું થઈ જશે.