અમેરિકામાં સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ ખાતે ઇન્ડીયા અને ઇમ‹જગ એશિયા ઇકોનોમિક્સના ચેરમેન રિચાર્ડ રોસોએ કહ્યું છે કે ભારત અને અમેરિકા બંને સમજે છે કે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન સૌથી મોટો ખતરો છે. તે જ સમયે, બંને દેશો ચિંતિત છે કે નવી અને મહત્વપૂર્ણ ટેકનોલોજી માટે ચીન પર વધુ પડતી નિર્ભરતા ખતરનાક બની શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત પહેલા, રિચાર્ડ રોસોએ કહ્યું કે બંને દેશોની ચિંતાઓનું મુખ્ય કેન્દ્ર થોડું અલગ છે – ભારત માટે મુખ્ય ચિંતા તેની સરહદ અને હિંદ મહાસાગર ક્ષેત્ર છે, જ્યારે અમેરિકા માટે તાઇવાન સ્ટ્રેટ, દક્ષિણ ચીન સમુદ્ર અને પૂર્વ ચીન સમુદ્ર વધુ મહત્વપૂર્ણ છે.
રિચાર્ડ રોસોએ એમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતમાં ઉત્પાદન રોકાણ વધારવામાં મદદ કરશે કે અમેરિકામાં જ રોકાણ લાવવાનો આગ્રહ રાખશે તે જાવાનું મહત્વપૂર્ણ રહેશે. અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર સંબંધો અંગે તેમણે કહ્યું કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે સારા સંબંધો છે, પરંતુ ટ્રમ્પના પાછલા કાર્યકાળ દરમિયાન વેપારને લઈને કેટલાક તણાવ હતા. તેમણે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્રે ઘણા દેશો પર ટેરિફ (આયાત ડ્યુટી) વધારવાની ધમકી આપી હતી, પરંતુ ભારતને અત્યાર સુધી આનાથી થોડી રાહત મળી છે.
રાષ્ટ્રીપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પહેલા તેમણે ફ્રાન્સની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ કરી. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન પીએમ મોદીનો આ પહેલો અમેરિકા પ્રવાસ હશે. તમને જણાવી દઈએ કે, તેમના અમેરિકા પ્રવાસ માટે રવાના થતા પહેલા, પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન, અમે ભારત-અમેરિકા સંબંધોને ‘વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી’ ના સ્તરે લઈ ગયા હતા.’ હવે આ મુલાકાત દરમિયાન અમે આ સહયોગને વધુ આગળ વધારવા પર કામ કરીશું. આ મુલાકાત દરમિયાન, ટેકનોલોજી, વેપાર, સંરક્ષણ, ઉર્જા અને સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ પહેલા, ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી અને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોને મળ્યા હતા. જે પછી તેમણે ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લીધો.