આઇસીસી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે. આ ટુર્નામેન્ટમાં કુલ ૨૦ ટીમો ભાગ લેશે. ભારત અને શ્રીલંકા, યજમાન હોવાને કારણે, પહેલાથી જ ક્વોલિફાય થઈ ચૂક્યા છે. તે જ સમયે, ઇટાલી અને નેધરલેન્ડ્‌સ પણ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ક્વોલિફાય થયા છે. ઇટાલિયન ટીમે પહેલીવાર આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા છે. નેધરલેન્ડ્‌સ અને ઇટાલી બંને ટીમોએ આઇસીસી  મેન્સ ટી ૨૦ વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયર ૨૦૨૫ ના પોઈન્ટ ટેબલમાં ટોપ-૨ સ્થાન મેળવીને ટી ૨૦ વર્લ્ડ કપની ટિકિટ મેળવી છે.

નેધરલેન્ડ્‌સ ૬ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહ્યું. તેણે કુલ ચાર મેચ રમી હતી, જેમાંથી તેણે ત્રણ જીતી હતી અને એક મેચ હારી હતી. ઇટાલિયન ટીમ ૫ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી. ટીમે ચારમાંથી ૨ મેચ જીતી હતી જ્યારે તેને એક મેચમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. તે જ સમયે, એક મેચનું પરિણામ આવ્યું ન હતું.

નેધરલેન્ડ્‌સ અને ઇટાલીના ક્વોલિફાય સાથે, ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે અત્યાર સુધીમાં ૧૫ ટીમોનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફક્ત ૫ ટીમોનો નિર્ણય લેવાનો બાકી છે. આ ટીમોનો નિર્ણય આફ્રિકા ક્વોલિફાયર અને એશિયા-પૂર્વ એશિયા-પેસિફિક ક્વોલિફાયર દ્વારા કરવામાં આવશે.

ઓમાન આ વર્ષે ઓક્ટોબરમાં આઇસીસી મેન્સ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ એશિયા અને પૂર્વ એશિયા-પેસિફિક ક્વોલિફાયરનું સંયુક્ત આયોજન કરશે, જેમાં ૯ ટીમો ભાગ લેશે. આમાંથી ટોચની ત્રણ ટીમોને ટુર્નામેન્ટ રમવાની તક મળશે. ૨ ટીમો આફ્રિકા ક્વોલિફાયર દ્વારા નક્કી કરવામાં આવશે. આફ્રિકા ક્વોલિફાયર ૧૯ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર દરમિયાન ઝિમ્બાબ્વેમાં યોજાશે. આમાં, ૮ ટીમો ટી ૨૦ વર્લ્ડ કપ માટે ટિકિટ મેળવવાનો પ્રયાસ કરશે.

અત્યાર સુધી ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ક્વોલિફાય થયેલી ટીમોઃ ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્‌સ, વેસ્ટ ઇન્ડીઝ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, કેનેડા, ઇટાલી, નેધરલેન્ડ.