ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં ૧-૨ થી પાછળ છે. જા તેઓ પાંચમી ટેસ્ટ મેચ જીતી જાય, તો તેમની પાસે ટેસ્ટ શ્રેણી બરાબર કરવાની સુવર્ણ તક છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ૩૧ જુલાઈથી ઓવલ મેદાન પર રમાશે. આ મેચ પહેલા જ ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઈજાના કારણે આખી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને એન જગદીસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ટીમ પાસે પહેલાથી જ કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલના રૂપમાં બે વિકેટકીપર છે.
કેએલ રાહુલે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ચાર ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ માટે ઓપનિંગની ભૂમિકા ભજવી છે અને આ દરમિયાન તેમના બેટમાંથી કુલ ૫૧૧ રન આવ્યા છે. તેમણે પ્રવાસ પર ધીરજપૂર્વક બેટિંગ કરી છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ક્રીઝ પર રહેવાની ભાવના દર્શાવી છે. જરૂર પડ્યે તે ભારતીય ટીમ માટે વિકેટકીપિંગ પણ કરી શકે છે. અગાઉ, તેમણે ભારત માટે બે ટેસ્ટ મેચમાં વિકેટકીપરની ભૂમિકા ભજવી છે, જેમાં તેમના બેટમાંથી એક સદી પણ આવી છે.
બીજી બાજુ, જ્યારે ઋષભ પંત ટેસ્ટ શ્રેણીની વચ્ચે ઘાયલ થયો હતો, ત્યારે ધ્રુવ જુરેલ અવેજી વિકેટકીપર તરીકે મેદાન પર આવ્યો હતો અને પોતાની વિકેટકીપિંગ કુશળતાથી બધાનું દિલ જીતવામાં સફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં, પંતની જગ્યાએ તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળે તેવી પ્રબળ શક્યતા છે. તેણે અત્યાર સુધી ભારતીય ટીમ માટે ચાર ટેસ્ટ મેચમાં ૨૦૨ રન બનાવ્યા છે, જેમાં તેણે એક અડધી સદી ફટકારી છે.
એન જગદીસન એક ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં પ્રવેશ કર્યો છે. તેણે હજુ સુધી ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું નથી અને ટીમ માટે ૫૨ ફર્સ્ટ ક્લાસ મેચમાં કુલ ૩૩૭૮ રન બનાવ્યા છે, જેમાં ૧૦ સદી અને ૧૪ અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેણે ૬૪ લિસ્ટ-એ મેચમાં ૨૭૨૮ રન બનાવ્યા છે અને ૯ સદી ફટકારી છે.
ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ વિકેટકીપિંગ નહીં કરી શકે. પરંતુ યશસ્વી જયસ્વાલ સાથે તેની શરૂઆત લગભગ નિશ્ચિત છે. બીજી તરફ, ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન શુભમન ગિલ ધ્રુવ જુરેલને વિકેટકીપર તરીકે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે. જગદીશન હમણાં જ ટીમમાં જાડાયો છે અને તેણે ભારતીય ટીમ માટે એક પણ ટેસ્ટ મેચ રમી નથી. આવી સ્થિતિમાં, તેને પાંચમી ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખી શકાય છે.