એફઆઇડીઇ ચેસ વર્લ્ડ કપ ૩૦ ઓક્ટોબરથી ૨૭ નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાશે. આ સ્પર્ધામાં, આવતા વર્ષના ઉમેદવારો ટુર્નામેન્ટ માટે ત્રણ સ્થાનો અને ૨ મિલિયનની ઇનામી રકમ દાવ પર લગાવવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશ, મેગ્નસ કાર્લસન, ફેબિયાનો કારુઆના અને આર પ્રજ્ઞાનંધ સહિત ૨૦૬ ખેલાડીઓ ભાગ લેશે.
હાલના વિશ્વ ચેમ્પિયન ગુકેશ ઉમેદવારોની લાયકાતની દોડનો ભાગ નથી તેથી તે ઇનામ રકમ અને રેટિંગ પોઈન્ટ માટે સ્પર્ધા કરે છે કે કેમ તે જાવાનું બાકી છે. યજમાન ભારતના ૨૧ ખેલાડીઓએ એન્ટ્રી લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે, જેમાં પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદનો પણ સમાવેશ થાય છે. આનંદે જૂન ૨૦૨૫ ની એફઆઇડીઇ રેટિંગ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. આનંદે છેલ્લા કેટલાક સમયથી ક્લાસિકલ ચેસ રમ્યો નથી, જેના કારણે તેની ભાગીદારી પણ અનિશ્ચિત છે.
આ ટુર્નામેન્ટ ૨૩ વર્ષ પછી ભારતમાં પરત ફરી રહી છે. છેલ્લી વખત ભારતે આ સ્પર્ધાનું આયોજન ૨૦૦૨ માં હૈદરાબાદમાં કર્યું હતું અને ત્યારબાદ આનંદે ટાઇટલ જીત્યું હતું. ત્યારથી ભારતીય ચેસમાં ઘણી પ્રગતિ થઈ છે અને આ વખતે પ્રજ્ઞાનંધ, અર્જુન એરિગેસી અને નિહાલ સરીન જેવા ખેલાડીઓની હાજરીમાં ભારતનો દાવો વધુ મજબૂત બનશે. આ ટુર્નામેન્ટ આઠ રાઉન્ડમાં બે-ગેમ નોકઆઉટ ફોર્મેટમાં રમાશે. બે ક્લાસિકલ ગેમ્સ હશે, ત્યારબાદ ટાઇ થવાના કિસ્સામાં રેપિડ અને બ્લિટ્ઝ પ્લેઓફ હશે. ટોચના ૫૦ ક્રમાંકિત ખેલાડીઓ બીજા રાઉન્ડથી સીધા પ્રવેશ કરશે કારણ કે તેમને પ્રથમ રાઉન્ડમાં બાય મળશે.
એફઆઇડીઇએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે દરેક રાઉન્ડ જીતો અથવા ઘરે જાઓ, જે આ વર્લ્ડ કપને કેલેન્ડરની સૌથી નાટકીય ટુર્નામેન્ટમાંની એક બનાવે છે.એફઆઇડીઇના પ્રમુખ આર્કાડી ડ્વોરકોવિચે જણાવ્યું હતું કે ભારત ઉત્તમ ખેલાડીઓ અને ઉત્સાહી ચાહકો સાથે સૌથી મજબૂત ચેસ રમતા દેશોમાંનો એક બની ગયો છે. આ વર્ષની શરૂઆતમાં જ્યોર્જિયામાં એફઆઇડીઇ મહિલા વર્લ્ડ કપની સફળતા પછી, અમને ગોવામાં એફઆઇડીઇ વર્લ્ડ કપ લાવવાનો ગર્વ છે.
તેમણે કહ્યું કે તે ચેસનો ઉત્સવ અને વિશ્વભરના ખેલાડીઓ અને દર્શકો માટે એક અનોખો અનુભવ હશે. ૯૦ થી વધુ દેશોના પ્રતિનિધિઓ તેમાં ભાગ લે તેવી અપેક્ષા છે અને તે ચેસના ઇતિહાસમાં સૌથી વધુ જાવાયેલી સ્પર્ધાઓમાંની એક હશે.