બનાસકાંઠા જિલ્લાની અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે અહીં ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે, જેમાં ભારતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી મા અંબાના દર્શન માટે આવે છે. આ વર્ષે ૧થી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૫માં યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓનું આયોજન શરૂ કરાયું છે. આ મેળા દરમિયાન અરવલ્લીની ગિરિમાળાઓ “બોલ મારી અંબે, જય જય અંબે”ના નાદથી ગુંજી ઉઠશે.
અંબાજી ખાતે કાલિદાસ મિસ્ત્રી ભવનમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મિહિર પટેલે જણાવ્યું કે, આ વર્ષે મહામેળાનું સુચારુ આયોજન કરવા માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે. “સ્વચ્છતા એ જ સેવા”ના સૂત્રને ચરિતાર્થ કરવા સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. કચરાના નિકાલ માટે ટ્રેક્ટરોની સંખ્યામાં વધારો કરાશે, અને ફૂડ વેસ્ટના નિકાલ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાશે. ટ્રાફિક સમસ્યાઓ ન સર્જાય તે માટે વિશેષ આયોજન કરાશે, અને યાત્રાળુઓના વિસામા માટે વધુ સ્થળો ઉપલબ્ધ કરાશે. સેવા કેમ્પ આયોજકોને મંદિર ટ્રસ્ટની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ જણાવ્યું કે, મેળા પૂર્વે સમગ્ર અંબાજીમાં સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરાશે. દરેક ટ્રેક્ટરમાં સફાઈ કર્મચારીઓ ફરજ બજાવશે, અને પદયાત્રીઓ તથા સેવા કેમ્પ આયોજકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે. અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું કે, યાત્રાળુઓની સુવિધા માટે વધુ પ્રસાદ કેન્દ્રો ઊભા કરાશે. સીસીટીવી કેમેરા, એલઇડી લાઇવ કવરેજ, પાર્કિંગ, લાઇટિંગ, આરોગ્ય સેવાઓ, ઈ-રિક્ષા, પાણી, વિનામૂલ્યે ભોજન અને લગેજ-પગરખાં કેન્દ્રોની વ્યવસ્થા રહેશે. ૧૫૦૦થી વધુ સફાઈ કામદારો રાઉન્ડ-ધ-ક્લોક સફાઈમાં જાડાશે.
સેવા કેમ્પોની નોંધણી માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરાશે, જેથી મંજૂરીઓ સરળતાથી મળી શકે. સેવા કેમ્પો રોડની ડાબી બાજુએ લગાવવામાં આવશે, અને સ્વયંસેવકોની નોંધણી તથા આઇડેન્ટી કાર્ડ ફરજિયાત રહેશે. સેવા કેમ્પોમાં સીસીટીવી કેમેરા અને પગરખાં મૂકવા માટે સ્ટેન્ડ ફરજિયાત રહેશે. મેળો પૂર્ણ થયા બાદ શ્રેષ્ઠ સેવા કેમ્પોને નિરીક્ષણના આધારે પ્રોત્સાહન રૂપે એવોર્ડ પણ આપવામાં આવશે.
ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫માં શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર દ્વારા વ્યાપક આયોજન કરાશે. સેવા કેમ્પ આયોજકોના સહયોગથી આ મેળો શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવાશે. આ મેળો મા અંબાના ભક્તો માટે આધ્યાત્મીક અનુભવનો અનોખો સંગમ બની રહેશે.