વકફ કાયદા વિરુદ્ધ શેરીઓથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ ચાલી રહી છે. મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળમાં સૌથી મોટો સંઘર્ષ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વકફ એક્ટ સામે મોરચો ખોલ્યો છે. સીએમ મમતા આજે કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા જ્યાં તેમણે મુસ્લિમ ધાર્મિક નેતાઓ અને ઇમામોને મળ્યા. આ દરમિયાન તેમણે વકફ કાયદા અંગે ઇમામોને પણ સંબોધન કર્યું. મમતાએ કહ્યું કે બંગાળને બદનામ કરવામાં આવી રહ્યું છે. જ્યાં હિંસા થઈ, ત્યાં કોંગ્રેસની બેઠક છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સત્તા પરથી હટતાંની સાથે જ વકફ સુધારો કાયદો રદ કરવામાં આવશે.
મમતા બેનર્જીએ કહ્યું કે યુપી અને બિહારના વીડિયો બતાવીને બંગાળને બદનામ કરવામાં આવી રહ્યું છે. ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. ભાજપ ખોટા વીડિયો બતાવીને બદનામ કરી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે સરહદ સુરક્ષા બીએસએફની જવાબદારી છે. જા તમારે બંગાળ વિશે વાત કરવી હોય તો મારી સામે બોલો. બંગાળને બદનામ કરવા માટે બનાવટી મીડિયા રિપોર્ટ્સ અમે પકડી પાડ્યા છે. હું બધા ઇમામો અને પાદરીઓનો આદર કરું છું. અમે રવીન્દ્રનાથ ટાગોરની વિચારધારામાં માનીએ છીએ. બંગાળમાં હિંસા ભડકાવવાના ભાજપના કાવતરામાં ન પડો.
મમતાએ વક્ફ કાયદા અંગે ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે ઇમામો સાથે બેઠક યોજી હતી, જેમાં ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ સૈફુલ્લાહ રહેમાની,એઆઇએમપીએલબીના મહાસચિવ ફઝલુર રહીમ મુજદ્દીદી અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમ સહિત ઘણા મુસ્લિમ ધાર્મિક નેતાઓ અને ઇમામો હાજર રહ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ અંગે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હકીકતમાં, મુસ્લિમ સમુદાય વક્ફને શરિયાનો ભાગ ગણાવી રહ્યો છે અને તેથી તેમાં કોઈ દખલગીરી સ્વીકારી રહ્યો નથી. અહીં, અમે તમને એ પણ જણાવી દઈએ કે મમતા બેનર્જીની પાર્ટીએ સંસદમાં પણ આ બિલનો વિરોધ કર્યો હતો અને જ્યારે બિલ પસાર થયું અને રાષ્ટ્રપતિની મંજૂરી મળી, ત્યારે મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ આ કાયદાને પશ્ચિમ બંગાળમાં લાગુ થવા દેશે નહીં. મમતા બેનર્જીની પાર્ટીના સાંસદ મહુઆ મોઇત્રાએ નવા કાયદા સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
વક્ફ સુધારા કાયદાના વિરોધમાં ઇમામો સાથેની બેઠકમાં, તેમણે મુર્શિદાબાદમાં તાજેતરમાં થયેલી સાંપ્રદાયિક હિંસાને “પૂર્વયોજિત” ગણાવી. તેમણે બીએસએફ, ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રીય એજન્સીઓના એક વર્ગ પર બાંગ્લાદેશથી સરહદ પારથી ઘૂસણખોરીને સરળ બનાવીને તણાવ વધારવાનો આરોપ લગાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે પાડોશી દેશ બાંગ્લાદેશમાં અસ્થિર પરિસ્થિતિ હોવા છતાં, કેન્દ્ર સરકારે સરહદ પારથી ગેરકાયદેસર પ્રવેશને મંજૂરી આપી.
મમતા બેનર્જીએ કહ્યું, “હું વડા પ્રધાનને વિનંતી કરીશ કે તેઓ અમિત શાહ પર નજર રાખે, તેઓ પોતાના રાજકીય એજન્ડા માટે દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.” બેનર્જીએ કહ્યું, “મને મુર્શિદાબાદમાં થયેલી અશાંતિ પાછળ સરહદ પારથી આવેલા તત્વોની ભૂમિકા હોવાના અહેવાલો મળ્યા છે. શું બીએસએફની સરહદ સુરક્ષામાં કોઈ ભૂમિકા નથી? રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય સરહદની રક્ષા કરતી નથી. કેન્દ્ર સરકારે આની જવાબદારી લેવી જાઈએ.” મુખ્યમંત્રીએ હિંસા દરમિયાન માર્યા ગયેલા ત્રણ લોકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી અને રાજ્યના મુખ્ય સચિવને બીએસએફની ભૂમિકાની તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો.
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે બીએસએફએ ગોળીબાર કર્યો જેના કારણે એક વ્યક્તિનું મોત થયું. મમતા બેનર્જીએ ભાજપ સાથે સંકળાયેલા બહારના લોકો પર રાજ્યમાં ઘૂસણખોરી કરીને હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “તેઓએ બહારથી ભાજપના ગુંડાઓને અરાજકતા ફેલાવવા કેમ દીધા? જવાબદારી નક્કી થવી જાઈએ. તેઓ હિન્દુઓ અને મુસ્લિમોને વિભાજીત કરવા અને ધ્રુવીકરણ કરવા માંગે છે. તેઓ તેમની જુમલા સરકાર ઇચ્છે છે. દેશને વિભાજીત ન કરો પરંતુ બધાને એક કરો.