ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશના રાજકારણમાં પાછા ફરવાની શક્યતાને નકારી કાઢી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે રાજ્યના રાજકારણમાં પાછા ફરવાનો તેમનો કોઈ ઇરાદો નથી. નડ્ડા હાલમાં દેશના આરોગ્ય મંત્રી તેમજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. ગયા વર્ષની લોકસભા ચૂંટણીથી ભાજપ નવા પ્રમુખની શોધમાં છે. પાર્ટીને નવો પ્રમુખ ન મળે ત્યાં સુધી નડ્ડા આ પદ પર રહેશે.
તેમના ગૃહ રાજ્ય પહોંચેલા જેપી નડ્ડાને જ્યારે પત્રકારોએ રાજ્યના રાજકારણમાં પાછા ફરવા વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, ‘હું એક જવાબદાર પદ પર છું અને રાજ્યમાં પાછા ફરવાની કોઈ શક્યતા નથી’. નડ્ડા ફેબ્રુઆરી ૨૦૨૦ માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયા પછી તેમને એક્સટેન્શન મળી રહ્યું છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ આગામી દિવસોમાં અનેક રાજ્ય એકમોના વડાઓની પસંદગી કરવાની પ્રક્રિયામાં છે જેથી તેના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનો માર્ગ મોકળો થાય. પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે કેટલાક રાજ્યોમાં નિમણૂકો થયા પછી, રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. રવિવારે એક પ્રશ્નના જવાબમાં નડ્ડાએ કહ્યું કે રાજ્ય ભાજપ પ્રમુખની ચૂંટણી ટૂંક સમયમાં યોજાશે.
આ સાથે તેમણે કોંગ્રેસ સરકારોમાં હિમાચલ સરકારને સૌથી ભ્રષ્ટ ગણાવી. ધર્મશાલામાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે દાવો કર્યો હતો કે રાજ્યની કોંગ્રેસ સરકારે નેશનલ હેરાલ્ડને કરોડો રૂપિયાની જાહેરાતો આપી છે, જે પ્રકાશિત પણ થઈ રહી નથી. તેમણે આરોપ લગાવ્યો કે હિમાચલ સરકાર દેશની કોંગ્રેસ સરકારોમાં સૌથી ભ્રષ્ટ છે અને નાણાકીય ગેરવહીવટમાં ટોચ પર છે.
નડ્ડાએ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર રાજ્યમાં ખોટી વાર્તા બનાવવાનો પ્રયાસ કરી રહી છે કે કેન્દ્ર તેમને પૈસા આપી રહ્યું નથી અને તેમને હિમાચલની કોઈ ચિંતા નથી. તેમણે કહ્યું કે જા મુખ્યમંત્રી સરકાર ચલાવી શકતા નથી તો તેમણે રાજીનામું આપી દેવું જાઈએ પરંતુ બીજા પર દોષ ન મૂકવો જાઈએ.
તેમણે રાજ્ય માટે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારો દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલો તરફ ધ્યાન દોર્યું, જેમાં અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે ઔદ્યોગિક પેકેજનો પણ સમાવેશ થાય છે. નડ્ડાએ કહ્યું કે રાજ્યના વિકાસમાં કોંગ્રેસની કોઈ ભૂમિકા નથી.એમ્સ,આઇઆઇએમ,આઇઆઇઆઇટી અને હાઇડ્રો એન્જીનિયરિંગ સહિતના તમામ પ્રોજેક્ટ્‌સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યા છે.