સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ગીર સોમનાથ જિલ્લા દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં બ્રહ્મસમાજની સતત થતી અવગણના સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમારને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં સમાજની લાગણીઓ અને માંગણીઓને વાચા આપવામાં આવી છે. આવેદનપત્રમાં મુખ્યત્વે ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનામાં બ્રહ્મસમાજના પ્રતિનિધિઓને યોગ્ય સ્થાન ન મળવા બદલ ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. સમાજે આક્ષેપ કર્યો છે કે, પક્ષના સંગઠનમાં પણ બ્રહ્મસમાજના સભ્યોને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને અત્યાર સુધી ભાજપ દ્વારા બ્રહ્મસમાજની સતત અવગણના થઇ છે. આ સમાજ પાર્ટી સાથે વફાદાર રહ્યો હોવા છતાં તેની અવગણના થઈ રહી છે, જેનાથી સમગ્ર બ્રહ્મસમાજની લાગણીઓ દુભાઈ છે. સમાજના જિલ્લા પ્રમુખ તુષારભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં વેરાવળના પ્રમુખ સુજલભાઈ પાઠક, કોડીનારના પ્રમુખ મુકેશભાઈ મહેતા, તાલાળાના પ્રમુખ રાજેન્દ્રભાઈ વ્યાસ, સુત્રાપાડાના પ્રમુખ પરેશભાઈ પંડ્યા સહિત જિલ્લાભરના બ્રહ્મ અગ્રણીઓ અને પ્રતિનિધિઓએ ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે કે તેઓ આ ગંભીર મુદ્દાને પક્ષના કેન્દ્રીય નેતૃત્વ સુધી પહોંચાડે.





































