ભાજપમાં ‘નબીન પ્રયોગ’ બાદ નવા વર્ષના પ્રથમ મહિનામાં મોટા પરિવર્તનની તૈયારી ચાલી રહી છે. હાં, આવનારા કેટલાક દિવસોમાં ભાજપ રાષ્ટ્રીય સ્તર પર પોતાના સંગઠમાં ધરમૂળથી ફેરફારની તૈયારીમાં છે. તેની શરૂઆત નવનિર્વાચિત ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન (૪૫) ને ઔપચારિક રૂપથી પાર્ટી પ્રમુખ ચૂંટવાથી થઈ શકે છે અને આ બધુ જાન્યુઆરીના મધ્યમાં થવાની સંભાવના છે.
રિપોર્ટ પ્રમાણે ભાજપના સૌથી મોટા સંગઠનાત્મક પદ પર બિરાજમાન થનાર સૌથી યુવા નેતા નબીન હવે ઔપચારિક રૂપથી જેપી નડ્ડાની જગ્યા લઈ શકે છે. નડ્ડા જાન્યુઆરી ૨૦૨૦થી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યાં છે. નબીન પાંચ વખત બિહારના ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે. પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે નબીનની પસંદગીને ભાજપની રાષ્ટ્રીય પરિષદ પોતાની બેઠકમાં મંજૂરી આપશે. તે આ મહિનાના અંત સુધી યોજાવાની આશા છે.
પાર્ટી સૂત્રો પ્રમાણે ભાજપનું પ્રમુખ પદ સંભાળ્યા બાદ નબીન પોતાની ટીમ બનાવવા માટે સંગઠનમાં મોટા ફેરફાર કરશે. આ એક સમાવિષ્ટ પ્રક્રિયા હોઈ શકે છે. ભાજપના એક આંતરિક સૂત્રએ કહ્યું- નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ટીમમાં ભાજપ અને સંઘ પરિવાર વચ્ચે તાલમેલ અને સમન્વય જાવા મળવાની આશા છે. પાર્ટીના સૂત્રએ એક્સપ્રેસને તે પણ જણાવ્યું કે ભાજપના સંગઠનમાં થનારા ફેરફારની અસર કેન્દ્રીય કેબિનેટ પર પણ થઈ શકે છે. જૂન ૨૦૨૪ બાદ કેબિનેટમાં કોઈ ફેરફાર થયો નથી.
સૂત્રોએ જણાવ્યું કે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના કામકાજની સમીક્ષા કરી રહી છે. જલ્દી કેબિનેટમાં ફેરફારની સંભાવના છે. તેમાં યુવા કે બીજી હરોળને નેતૃત્વની સાથે-સાથે જાટ સમુદાયના ચહેરાને પણ સામેલ કરવામાં આવી શકે છે. જાટ સમુદાયના સરકાર અને સંગઠનમાં ઓછા પ્રતિનિધિત્વને લઈને કેન્દ્રીય નેતૃત્વ વિચાર કરી રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે ભાજપ અને સંઘ, પાર્ટી શાસિત રાજ્ય સરકારોના કામકાજની સમીક્ષા કરી રહ્યાં છે અને સંગઠન, સરકાર કે અર્ધ-સરકારી નિગમોમાં કેટલીક નવી નિમણૂંક પર વાત ચાલી રહી છે. એક પાર્ટી નેતાએ કહ્યું- તેનાથી ઘણા રાજ્યોના વરિષ્ઠ નેતાઓ માટે કેન્દ્રીય સ્તર પર સંગઠન કે સરકારી ભૂમિકામાં આવવાનો માર્ગ મોકળો થશે, ખાસ કરી તે લોકો માટે જે લાંબા સમયથી સંઘ સાથે જાડાયેલા છે.
ભાજપ નેતાએ કહ્યું કે આવા ઘણા નેતાઓને બિહાર જેવા રાજ્યોની સાથે-સાથે તે રાજ્યોમાં પણ જગ્યા આપવામાં આવશે, જ્યાં આગામી સમયમાં ચૂંટણી થવાની છે, જેમાં પશ્ચિમ બંગાળ, અસમ, કેરળ અને ઉત્તર પ્રદેશ સામેલ છે. તેમાં એવા લોકો સામેલ છે જે લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે.
સૂત્રએ જણાવ્યું કે ભાજપ અને આરએસએસની તાજેતરની બેઠક દરમિયાન તે વાત પર ભાર આપવામાં આવ્યો કે જે નેતાઓએ ત્રણ-ચાર દાયકાથી સંઘ પરિવાર સાથે કામ કર્યું છે, પરંતુ તેને સંગઠન, સરકાર કે કોઈ બીજી જાહેર સંસ્થાઓમાં જગ્યા મળી નથી, તેની ઓળખ કરી સામેલ કરવા જોઈએ. નવીન આ કામને કોઓર્ડિનેટ કનાર સીનિયર ભાજપ નેતાઓના ગ્રુપમાંથી એક છે.
ભાજપ સૂત્રએ કહ્યું- અમારૂ ધ્યાન તે લોકોને મહત્વની ભૂમિકા આપવા પર છે, જેણે ભાજપ અને સંઘ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આ કામ જારી છે પરંતુ જાહેરાત માટે થોડી તક હશે. સૂત્રએ કહ્યું- મોટા ભાગની નિમણૂંક મકર સંક્રાંતિ બાદથી લઈને બજેટ સત્ર સુધી થવાની આશા છે, જે ફેબ્રુઆરીમાં શરૂ થશે. આ પ્રક્રિયા માટે સમયમર્યાદા આવનાર રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત પહેલા થવાની સંભાવના છે.








































