શાશ્વત જીવનમાં અનેક પ્રકારના ચડાવ અને ઉતાર આવતા હોય છે. કર્મના સિદ્ધાંતની આંગળી પકડીને ફરજ પર નિષ્ઠા અને પ્રમાણિકતાથી કરેલું કાર્ય વટવૃક્ષ બને છે. શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં સાડા ત્રણ દાયકા સુધી સનિષ્ઠ સેવા બજાવી વય નિવૃત્ત થતા વિનયભાઈ એસ. પટેલ – રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક આચાર્યનો ૨૧ નવેમ્બરના રોજ તેમની સંસ્થામાં નિવૃત્તિ સમારંભ રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના સાનિધ્યમાં યોજવામાં આવ્યો.
ભાદરણથી શિક્ષણ યાત્રા શરૂ કરી અને વડદલા મુકામે પૂર્ણ કરી. ચાણક્યએ કહ્યું છે કે શિક્ષક સાધારણ હોતો નથી. સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરે છે અને એના જ કારણે આ દેશને ચંદ્રગુપ્ત મૌર્ય જેવા રાજા મળ્યા. વિનય એસ. પટેલ ટેકનોકેટ, પર્યાવરણવિદ્, શિક્ષણની સાધના કરીને અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. પોતાની ફરજ દરમિયાન નિષ્ઠા, સમયપાલન અને અસરકારક શિક્ષણના અલગારી બનીને સતત કાર્ય કરતા રહ્યા. શિક્ષણ વિભાગની તમામ કચેરીઓમાં તેમનું અનન્ય પ્રદાન રહ્યું છે. રચનાત્મક અને સર્જનશીલ વ્યક્તિત્વ હોવાથી વિજ્ઞાન જેવા વિષયને પ્રયોગાત્મક બનાવવાની તેમની નેમ મેં જોઈ છે. વડદલા ગામના બાળકોની ચિંતા અને ચિંતન કરનાર એક આચાર્યએ ગામને તપોભૂમિ બનાવીને શાળાની કાયાપલટ કરી બતાવી. ગામના દાતાઓ અને વિદેશમાં રહેતા ગામના નાગરિકો સાથે સ્નેહનું બંધન બાંધી આર્થિક અનુદાન પ્રાપ્ત કરીને શાળાને આધુનિક બનાવી લીધી. દાતાઓને પણ એટલો બધો ભરોસો કે તેમણે આપેલ દાનનો પૈસો ક્યારે પણ વ્યર્થ જશે નહીં.તેમણે ભરોસાને પોતાની ફરજ દરમિયાન સાકર અને આકાર કરી બતાવ્યો.
વડદલા હાઈસ્કૂલને નવા ઓરડા, અદ્યતન લાઇબ્રેરી, ટેકનોકેટ પુસ્તકાલય, સમગ્ર સ્કૂલ સીસીટીવી, ઔષધીય બાગ, સેનેટરી અને પાણીની આધુનિક વ્યવસ્થાને નિર્માણ કરવામાં તેમનો સિંહફાળો છે. દીકરીઓના શિક્ષણની ચિંતા કરીને ધોરણ ૧૨નો સામાન્ય પ્રવાહ વર્ગ શરૂ કર્યો. સમયને પરવા કર્યા વગર પોતે શ્રમ કરતા રહે અને શાળાને આધુનિકતા તરફ લઈ ગયા. પોતે અભ્યાસુ અને સાયન્સના જીવ હોવાથી ટેકનોલોજીનો પ્રવાહ ગ્રામ્ય બાળકમાં નિર્માણ થાય તેવી ભાવના થકી કાર્ય કરતા રહ્યા.
એન.સી.ઈ.આર.ટી.થી માડીને આણંદની ભૂમિ પર આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં તજજ્ઞ તરીકે ઉમદા સેવા પ્રદાન કરેલ છે. ૪૦ થી વધારે સંસ્થાઓએ તેમનું સન્માન કરેલ છે. તેમના સન્માનપત્રમાં કેટલું લખવું તે જ વિચારવા જેટલો વિષય છે.
નિવૃત્તિના પર્વે ટેકનોલોજીના માધ્યમથી કરાયેલ આયોજનમાં પટાંગણમાં વિશાળ મંડપ, જમણવાર અને અસરકારક કાર્યક્રમ જાઈ ઉપસ્થિત શ્રોતાઓએ જોયાનો નિજાનંદ વ્યક્ત કર્યો. આટલો ભવ્ય નિવૃત્તિ સમારંભ મેં પહેલી વખત જોયો. જેમાં આણંદ જિલ્લાના મોટાભાગના આચાર્યાે, રાજ્ય લેવલે કામ કરતા મિત્રો અને સૌથી વિશેષ વ્યસ્તતા વચ્ચે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈની ઉપસ્થિતિએ સોનામાં સુગંધ ભરી.
નિવૃત્તિના પર્વે આવેલા રાજકીય વ્યક્તિઓ અને વિદેશમાં રહેતા શુભચિંતકો હાજર રહ્યા. ગુજરાત સરકારના રાજયકક્ષા મંત્રી કમલેશભાઈ પટેલ (નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહરક્ષક દળ, ગ્રામ્ય રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી વિભાગ)એ વડદલામાં આવેલ આર.એફ. પટેલ હાઇસ્કૂલમાં આચાર્ય તરીકેની ફરજ બજાવતા અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા વિનયભાઈ એસ. પટેલ વયનિવૃત્ત થતાં તેઓના વિદાય સમારંભમાં ઉપસ્થિત રહી તેઓને શુભકામનાઓ પાઠવી તેઓના શિક્ષણ અને આદર્શ જીવનના અનુભવોને વર્ણવી સાથે તેઓના ધર્મપત્ની નિપુણાબેનને પણ અભિનંદન આપ્યા. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ હસમુખભાઈ પટેલ, તથા તેઓનો પરિવાર, પેટલાદ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ અને વડદલા ગામના સરપંચ રાજેશભાઈ ઠાકોર, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય જગદીશભાઈ ઠાકોર, તાલુકા દંડક અજયભાઇ ગઢવી, કેળવણી મંડળના મંત્રી રજનીકાંત પટેલ, ડ્ઢઈર્ં કચેરીના અધિકારી ડો. તેજેન્દ્ર સોલંકી સાહેબ, ડાયટના પ્રચાર્ય ગઢવી સાહેબે ઉપસ્થિત રહી નિવૃત્ત આચાર્ય વિનયભાઈને સન્માનિત કર્યા હતા. સાથે પ્રદેશ આચાર્ય સંઘના મહામંત્રી કેતનભાઇ પટેલ, આણંદ જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ નિલેશભાઈ પટેલ તેમજ તાલુકા જિલ્લાના આચાર્યો, શિક્ષકો, ગામના આગેવાનો, ભાઈઓ-બહેનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાડા ત્રણ દાયકાની તપસ્યાનો પર્વ એટલે નિવૃત્તિ. આવેલ તમામ મહેમાનો, આચાર્યો, શિક્ષક મિત્રો, ગ્રામજનો અને કેળવણી મંડળના સભ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. શાલ, મોમેન્ટો અને બુકે આપી વિનયભાઈ પટેલનું સન્માન કર્યું. વડદલા કેળવણી મંડળ દ્વારા સોનાનો સિક્કો આપી સન્માનિત કર્યા હતા. વિશેષ તો વડદલા ગામના રામભાઈ ફુલાભાઈ પટેલના પરિવાર દ્વારા વિનયભાઈની કામગીરીની સરાહના કરી નિવૃત્તિના પર્વે ગાડી ગિફ્ટમાં આપી હતી. વિનયભાઈએ સંસ્થાને રૂ. ૧,૧૧,૧૧૧ (એક લાખ અગિયાર હજાર એક સો અગિયાર)નો ચેક મંડળના પ્રમુખને, રવિયા મંત્રીને અર્પણ કરેલો. એટલે તો કહેવામાં આવે છે કે કરેલું કાર્ય ક્યારે પણ વ્યર્થ જતું નથી. વિનયભાઈએ ૧૭ વર્ષ સુધી વડદલાની શાળા માટે દોડ દોડ કર્યું તેની નોંધ મંડળ અને ગામના પ્રતિષ્ઠિત નાગરિકોએ લીધી. આટલો ભવ્ય વિદાય સમારંભ એ તેમના જીવનકાળ દરમિયાન કરેલો પુરુષાર્થ છે.
સમાજના શિક્ષણપ્રેમી આચાર્યો અને શિક્ષક મિત્રો બાળકને કેન્દ્રસ્થાને રાખીને જો તમે કર્મ કરશો તો ફળ તો અચૂક મળવાનું જ છે. વિનયભાઈના નિવૃત્તિના પર્વે ઓસ્ટ્રેલિયાથી દીકરી જુહી અને જમાઈ તેમજ દીકરો ઉપસ્થિત રહ્યા હતા. પિતાની કામગીરી જોઈને હર્ષના આંસુ સાથે પરિવાર ભાવુક બની ગયેલ. વિનયભાઈનું કાર્ય જ એવું હતું કે તેમનું સન્માન આવું થવું જોઈએ અને થયું. વિપુલ અને વિનયની જોડી રાજ્યમાં સાથે ચાલતી હતી. નિવૃત્તિ જીવનની ખુબ ખુબ શુભેચ્છા. આપનો કર્મયોગ ઉપસ્થિત આચાર્યો, શિક્ષક મિત્રો અને મહેમાનોને પ્રેરણા આપશે.
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨












































