ફિલ્મ વિવેચક કમાલ રશીદ ખાને, જેને કેઆરકે તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તેમની નકલી સોશિયલ મીડિયા પોસ્ટ માટે માફી માંગી છે. કેઆરકે એ તેમના એકસ એકાઉન્ટમાંથી નકલી પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે, હાથ જોડીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માફી માંગી છે.કેઆરકે એ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા સાથેનો નકલી સ્ક્રીનશોટ શેર કર્યો હતો.
લખનૌ પોલીસે એફઆઇઆર નોંધાવ્યા પછી, કેઆરકેએ પોસ્ટ હટાવી અને માફી માંગી.મુખ્યમંત્રી યોગી અને યુપી પોલીસને ટેગ કરીને કેઆરકે એ લખ્યું, “હું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માફી માંગુ છું. જ્યારે મને ખબર પડી કે આ સમાચાર ખોટા છે, ત્યારે મેં તરત જ તેને હટાવી દીધું. હું ભવિષ્યમાં ખૂબ કાળજી રાખીશ.” કેઆરકેએ પોતાની પોસ્ટમાં યુપી સરકાર અને યુપી પોલીસને પણ ટેગ કર્યા.
એ નોંધવું જાઈએ કે કેઆરકે એ પોતાના એકસ એકાઉન્ટ પર જે નિવેદન શેર કર્યું છે તે ક્યારેય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું ન હતું. પોસ્ટ કરેલો સ્ક્રીનશોટ સંપૂર્ણપણે નકલી હતો.કેઆરકેએ પોસ્ટમાં લખ્યું, “સાહેબ, ભલે કોઈ તમને મત ન આપે, તમે હજુ પણ જીતી જશો, બધા આ જાણે છે. ઝિંદાબાદ.” આ સાથે, તેમણે મુખ્યમંત્રી યોગીના ફોટા સાથે એક અખબારનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું હતું, “જો અમને મુસ્લીમ, દલિત કે યાદવના મત ન મળે, તો પણ અમે સરકાર બનાવીશું.”
આ પછી, લખનૌના નરહી વિસ્તારના રાજકુમાર તિવારીએ આ પોસ્ટ અંગે પોલીસમાં ફરિયાદ કરી. તેમણે કહ્યું કે આ નકલી પોસ્ટથી હિન્દુ સમુદાયમાં રોષ ફેલાયો છે અને સરકારની છબી ખરાબ કરવાનું ઇરાદાપૂર્વકનું કાવતરું છે. રાજકુમાર તિવારીએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, “મેં મારા પડોશમાં કોઈના મોબાઇલ ફોન પર એક ટીવટ જોયું, જે ટીવટર હેન્ડલ કેઆરકે એકસ પરથી પોસ્ટ કરવામાં આવ્યું હતું. આદરણીય મહારાજજીના ફોટાનો ઉપયોગ કરીને, ખોટું અને બનાવટી નિવેદન ઉમેરીને, એક મુખ્ય અખબારના નામનો સ્ક્રીનશોટ લઈને અને સોશિયલ મીડિયા પર નકલી વાર્તા ફેલાવીને, તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ નિંદનીય છે.” ખોટા તથ્યો પર આધારિત આવી પોસ્ટ જાઈને આપણા હિન્દુ સમુદાયમાં વ્યાપક ગુસ્સો છે.
ફરિયાદ મળ્યા બાદ, હઝરતગંજ પોલીસ સ્ટેશને આઇટી એક્ટ અને સમાજમાં નફરત ફેલાવવા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. સાયબર સેલ હાલમાં આ નકલી ફોટો ક્યાં બનાવવામાં આવ્યો તેની તપાસ કરી રહ્યું છે.







































