વાગરા તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક યુવકનો હાથ-પગ બાંધેલો અને ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગેની પ્રાથમિક વિગતો અનુસાર, શંકાસ્પદ હાલતમાં મળેલા આ મૃતદેહની ઓળખ કોઈ સ્પા સંચાલક તરીકે થઈ છે, ત્યારે ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ અંગે હત્યાની શંકા વ્યક્ત કરી વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
વિગતે વાત કરીએ તો, ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહાડ ગામથી વછનાદ તરફ જતા નિર્જન માર્ગ પરથી ગઈ મોડી રાતે આ યુવકનો હાથ-પગ બાંધેલો અને ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. નિર્જન માર્ગ પર એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મૃત યુવકના હાથ-પગ બાંધેલી હાલતમાં હતા, તેમજ મૃતદેહની વધુ તપાસ કરતા તેના ગળાના ભાગે શંકાસ્પદ નિશાન દેખાઈ આવ્યા હતા. જેથી પ્રાથમિક દ્રષ્ટિએ આ સુનિયોજિત અને ક્રૂર હત્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ઘટનાની પ્રાપ્ત પ્રાથમિક તપાસ અનુસાર, શંકાસ્પદ હાલતમાં મળી આવેલો આ યુવક કોઈ સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ત્યારે ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે સ્થળ પર પંચનામું કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે હાલ આ સ્પા સંચાલક યુવકની કૂરતાપૂર્વક હત્યા પાછળનું કારણ, સંડોવાયેલા આરોપીઓ અને ઘટના સુધીની કડી જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે હાલ આ સનસનાટીભર્યા હત્યાકાંડના સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે અને આ હત્યાકાંડનો ભેદ ઉકેલવો પોલીસ માટે પણ મોટો પડકાર બન્યો છે.










































