અંકલેશ્વરમાં પાકા મકાનો ધરાવતા લોકોના નામે શૌચાલય સહાય! હા, તમે સાચું સાંભળ્યું. પાલિકા રાજના સમયમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. શહેરના પોશ વિસ્તારમાં રહેતા પરિવારોના ડોક્યુમેન્ટનો દુરઉપયોગ કરીને શૌચાલય બનાવી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે.

અંકલેશ્વરનાં સૌથી પોશ વિસ્તાર ગણાતા આદર્શ સોસાયટીમાં રહેતા બે પટેલ ભાઈઓના નામે શૌચાલય બાંધવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે તેઓએ આ લિસ્ટ જોયું, ત્યારે ચોંકી ગયા. કારણ કે એ બંગલામાં શૌચાલયની જરૂરત જ નહોતી. તેઓનો આક્ષેપ છે કે મેરેજ સર્ટિફિકેટની નોંધણી માટે આપવામાં આવેલા આધાર કાર્ડનો દુરુપયોગ કરીને તેમના નામે સહાય લેવાઈ ગઈ છે. માત્ર એટલું જ નહીં શહેરના અન્ય વિસ્તારોમાં પણ અનેક પરિવારોના આધાર કાર્ડનો ઉપયોગ કરીને લિસ્ટમાં નામ દાખલ કરાયા છે.  આવી જ ઘટનાઓ ચર્ચ પાસેના પિરામણ વિસ્તારમાં પણ સામે આવી છે, જ્યાં ત્રણ માળના બંગલામાં રહેતા છાગર રોમિનભાઈએ જણાવ્યું હતું કે તેમના અને તેમની પત્નીના નામે પણ શૌચાલય સહાય દર્શાવાઈ છે. પરંતુ હકીકતમાં તેમણે ક્યારેય શૌચાલય સહાય લીધી જ નથી!

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જયારે જાગૃત નાગરિક પ્રવીણભાઈ મોદીએ આરટીઆઈ દાખલ કરી અને ૧૯૦૬ શૌચાલયના ડેટા જાહેર કર્યો. પ્રવીણભાઈએ જણાવ્યું કે એક જ પરિવારના ચાર સભ્યોના નામે શૌચાલય દર્શાવાયા છે. કોઈકના નામે જાતિ બદલાયેલી છે, તો ક્યાંક એક સરનામે બે જુદા પરિવારના શૌચાલય નોંધાયેલા છે.

આ મામલામાં વધુ પડતા સંબંધો છે. શહેરના જાણીતા વ્યક્તિના પુત્રના નામે પણ બે શૌચાલય દર્શાવાયા છે, જ્યાં તેઓ ક્યારેય શૌચાલય માટે અરજી નથી કરી.”

તથાકથિત શૌચાલય કૌભાંડ હવે ન્યાયિક તપાસ સુધી પહોંચી રહ્યું છે. અંકલેશ્વરમાં જ્યાં પોશ વિસ્તારમાં રહેવાવાળા લોકોના નામે સહાય લઈ લેવાઈ, ત્યાં સત્યે આકરો પ્રશ્ન ઉભો થાય છે – ‘શું આ છે વિકાસ? કે પછી ભ્રષ્ટાચારની ખોટી ઇમારત?’