વાલિયા તાલુકામાંથી ઘર કંકાસને કારણે એક પતિએ મેટ્રિમોનિયલ સાઈટ પરથી મળેલી પત્નીની હત્યા કર્યાનો હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. આટલું જ નહીં આ પતિએ હત્યા બાદ અંતરિયાળ વિસ્તારમાં જઈ એક નાળામાં તેના મૃતદેહને ફેંકી દીધો હતો. જે મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરાઈ હતી અને સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો છે.

ઘટનાની વિગતો અનુસાર, ગુરુવારે સાંજના સમયે વાલિયા તાલુકાના કોંઢ ગામ નજીક દોડવાડા-કોંઢ રોડ પર એક નાળામાં એક અજાણી મહિલાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પર ધારદાર હથિયારથી ગળા પર હુમલો કરાયો હોવાના નિશાન જોવા મળ્યા હતા. જે ઘટનાની જાણ થતાં વાલિયા પોલીસ અને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.

પોલીસ સમક્ષ સૌથી મોટો પડકાર હતો મૃતક મહિલાની ઓળખ સ્થાપિત કરવાનો. આ માટે પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લઈ મહિલાનો ફોટો શેર કર્યો હતો, જેના પરથી મૃતકની ઓળખ અંકલેશ્વર શિવકૃપા બંગલોઝમાં રહેતી અને મૂળ લખનઉની રુચિ અવસ્થિ તરીકે થઈ હતી. તપાસને આગળ વધારતાં પોલીસને જાણવા મળ્યું કે, રુચિના પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવે આ હત્યા આચરી હતી.

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, ૨૦૧૯માં મેટ્રિમોનિયલ સાઈટ મારફતે રાજેન્દ્ર શ્રીવાસ્તવ અને રુચિ અવસ્થિની મુલાકાત થઈ હતી અને બાદમાં તેઓએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દંપતી વચ્ચે વારંવાર ઘરેલું કંકાસ થતો હતો, જેના કારણે ઉશ્કેરાઈને રાજેન્દ્રએ ધારદાર હથિયાર વડે રુચિનું ગળું કાપી તેની હત્યા કરી હતી. હત્યા બાદ તેણે મૃતદેહને ચાદરમાં લપેટી અંકલેશ્વરથી અંદાજીત ૮ કિમી દૂર કોંઢ ગામ નજીક નાળામાં ફેંકી દીધો અને ફરાર થઈ ગયો હતો.

જોકે, હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વાલિયા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાજેન્દ્ર શ્રીવાસ્તવની ધરપકડ કરી લીધી છે અને તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. ત્યારે ઘર કંકાસનું ગંભીર પરિણામ દેખાડતો આ આઘાતજનક કિસ્સો હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.