કાળા માથાનો માનવી મહેનત કરે રોજ તોય માંડ વીઘો પવાય, પણ રઘુવીર રીઝે રાજડા તો નવખંડ લીલો થાય. ખેતીમાં કુદરતની મહેર હોય તો વર્ષ સારૂ જાય અને કુદરત જો રૂઠે તો ખેડૂતના મોઢા સુખી આવેલો કોળીયો પણ ઝુંટવાય જાય છે.
તાજેતરમાં વરસાદ રૂપી આવેલા માવઠાએ ખેતીમાં વ્યાપક નુકસાન કર્યુ છે. જેમ એક બાપ પોતાના વહાલસોયા દીકરાને આંગળી પકડીને ચાલતા શિખવે, મોટો કરે અને સપનાઓ સજાવી રાખ્યા હોય અને ૧૨ વર્ષનો થાય ત્યાં અચાનક તેનુ અવસાન થાય ત્યારે બાપને જે પીડા અને વેદના થાય એ વેદના માવઠારૂપી વરસાદમાં જેનો પાક ધોવાયો, બગડી ગયો, તણાઈ ગયો એવા મારા ખેડૂતોને થઈ રહી છે.
આવા કપરા સમયે રાજ્ય સરકાર ખેડૂતોની વહારે જરૂર આવી છે રૂ.૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ અને ૧૫,૦૦૦ કરોડના મૂલ્ય સાથે એમ.એસ.પી.ના ધોરણે ખરીદી કરવાની ઇચ્છાશક્તિથી ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર લાવવાનો પ્રયત્ન છે.
આજે વાત કરવી છે એક ભણેલા ગણેલા યુવાનની. ગામ સેથા તા.માંગરોળ, જી.જૂનાગઢનો યુવા ખેડૂત એટલે પરમાર વિજયભાઇ વીરાભાઇ જેની ઉપર ૩૭ વર્ષ છે, જેનો અભ્યાસ એમ.એ. બી.એડ. સુધીનો છે. પોતાના બાપ-દાદાની ૩૩ વિઘા જમીન છે. વિજયભાઇ કહે છે, “જીવનમાં નક્કી કર્યું છે કે જા શિક્ષક્ની નોકરી મળે તો જ નોકરી કરવી છે બાકી બાપ-દાદાની જે જમીન છે તેમાં ખેતી કરીને આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી છે. મોંઘા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ખર્ચ ઘટાડીને લોકોને ઝેરમુક્ત ખાવાનું આપવું એવા વિચાર સાથે ૨૦૧૫-૨૦૧૬માં ઓર્ગેનિક્સ ખેતીની શરૂઆત કરી જેને આગળ વધારીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ સુભાષ પાલેકરના વિવિધ તાલીમ અને અભ્યાસ કરીને પોતાની ૧પ વિઘા જમીનમાં ર૦૧૯ થી પ્રકૃતિક ખેતીની શરૂઆત કરી છે.” ચોમાસા દરમ્યાન મગફળીનું વાવેતર કરીને શીંગતેલ અને શીંગદાણાનું વેચાણ કરે છે. જ્યારે વાવેતરમાં મિશ્ર પાક પધ્ધતિ અપનાવે છે. જેમાં શીંગ સાથે તુવેર, મકાઈનું વાવેતર કરે છે. જેના હિસાબે રોગ જીવાત નિયંત્રણ અને મિત્ર કિટકો રહી શકે. જ્યારે હળદરના પાકમાં પણ તુવેર અને મકાઈનું વાવેતર કરે છે. જ્યારે ઘઉંના પાકમાં રાય, રાજગરા જેવા પાકોનું મિશ્ર પાક તરીકે વાવેતર કરે છે. પોતાના તમામ ખેત ઉત્પાદનોનું ગ્રેડિંગ શોર્ટિંગ કરીને મૂલ્યવર્ધન કરે છે. હળદરમાંથી હળદર પાવડર, તુવેરમાંથી તુવેરદાળ, ઘઉંની સેવ આમ, વાવતેર પ્રમાણે તેનું વેલ્યુએડીશન કરે છે. જ્યારે ઘીમાંથી પણ અલગ અલગ નશ્ય બનાવે છે. પોતાની પાસે ૮ ગીર ગાયો છે. જેમાંથી ગૌમૂત્ર અને છાણનો પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગ કરે છે. ઘી સારા ભાવથી વેચે છે. આ ઉપરાંત સાબુ, શેમ્પુ, ધુપબત્તી, વિવિધ મસાલા બનાવીને પોતાના ફાર્મ ઉપરથી વેચાણ કરે છે.
મહેનતકશ યુવા ખેડૂત વિજયભાઈ વસવસો કરતા કહે છે, “પ્રાકૃતિક ખેતીના નામે કેટલાક ખોટા ખેડૂતો બનાવટ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરવી એ જેવા તેવા વ્યક્તિઓનું કામ નથી. વૈજ્ઞાનિક અભિગમ અને વેલ્યુએડીશન કરીને માર્કેટીંગ કરવાની આવડત જ સફળતા અપાવી શકે છે.”
વિજયભાઈને તાલુકા અને જિલ્લા કક્ષાનો બેસ્ટ ફાર્મર એવોર્ડ મળ્યો છે. ઉપરાંત વિવિધ પરિસંવાદમાં પણ જવાનું થયું છે. દેશના સહકારીતા અને ગૃહમંત્રી સાથે પ્રગતિશીલ ખેડૂત તરીકે પ્રાકૃતિક ખેતિ પરિસંવાદમાં વાત રજૂ કરવાની તક મળી છે. ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાથે પણ પરિસંવાદમાં ભાગ લીધો હતો. વિજયભાઈનો સંપર્ક નં. ૯રર૮૭ ૦૮૩૮ર છે.











































