‘‘બોસ, સરકારી ઓફિસોમાં ધક્કા ખાઈ ખાઈને થાકી ગયો છું. મારું એક કામ થતું નથી. આપણે ભરેલાં ટેક્સમાંથી પગાર ખાઈ ખાઈને જામી પડેલાં અધિકારીઓ મારું એક કામ કરવાં તૈયાર નથી.’’
‘‘અરે..અરે બકા, તારે શા માટે ધક્કા ખાવા જોઈએ! સરકાર તમારા દ્વારે આવે છે. તમારે જ્યાં ત્યાં ધક્કા ખાવાની જરૂર જ નથી.’’
‘‘સરકાર તમારા દ્વારે આવે છે. પણ, વ્હારે નથી આવતી. એનું શું? આવાં તો કેટ -કેટલાંય દ્વાર ખખડાવ્યા. પણ કોઈ સાંભળતું જ નથી. અને સાંભળે છે તો કરવું નથી.’’
‘‘અરે પણ, તારે કામ શું છે?’’
‘‘મારે જાતિના પ્રમાણપત્રમાં સુધારો કરવો છે. એમણે ઈંગ્લિશમાં જીટ્ઠખ્તટ્ઠિ લખ્યું છે. મારે ગુજરાતીમાં સગર કરાવવું છે. પણ એ લોકો કરી આપવા તૈયાર જ નથી. કામ ધંધો છોડીને લાઈનમાં ઊભો રહું છું. વારો આવે એટલે નનૈયો ભણી દે છે.’’
‘‘તો પછી, નવા ધારાસભ્યને કહેવાય ને !!’’
‘‘એ પણ કરી જોયું બોસ. એ રાજીનામું રાજીનામું રમે છે. એમાં દાખલો દાખલો કયારે રમે !?? અને આપણું વગર પૈસાનું કામ કરે ‘ય કોણ ? ડેમ બાંધવા હોય, રોડ કરવાં હોય કે થીંગડા મારવાં હોય તો આગળ આવે. આપણી હામે કોણ જૂએ !??’’
‘‘બકા, એક કામ કર. તારું કામ હવે ગુજરાતમાં નહીં થાય. તું બિહાર ચાલ્યો જા. તારું કામ ફડાકામાં થઈ જાહે.’’
‘‘બિહારમાં? અને હું?? બોસ, જથ્થાબંધ બિહારીઓ ગુજરાતમાં આવે છે અને હું બિહારમાં જાઉં? તો તો મોદી સાહેબનું મતલબ! અત્યારે દાદાનું નાક કપાય ને.’’
‘‘અરે, તારે ક્યાં મજૂરી કરવાં જાવું છે. તારે તો પ્રમાણપત્ર સુધારવા જાવું છે ને.’’
‘‘ન્યાં આવું બધું કામ થઈ જાહે !?’’
‘‘અરે, તું ભુલે છે બકા, ન્યાં નિતીશકુમારનાય નકલી પ્રમાણપત્રો બન્યા છે અને આપણાં હનુમાનજીનાય પ્રમાણપત્રો બન્યા છે. અને ન્યાં હારી સાયકલ જોવા ના મળે ત્યાં આખીને આખી ટ્રેન, પાટા સહિત નવે નવી હાલતી કરી છે. આ બિહાર છે ભાઈ. અને એટલું જ નહીં, તું ગમે ત્યાંની ટ્રેન જૂએ. પણ, મોટે ભાગે કર્મચારી બિહારનાં જ હશે. કેમ ? સવાલ થાય છે તને ? ઘણાંયને થાય છે. પણ, આમાં ‘ય હાથ બિહારીનો જ છે.’’
‘‘ના ના ના બોસ, હાવ એવું ના હોય!! આવડી મોટી કેન્દ્ર સરકારની નોકરી કરતાં હોય તો ડિગ્રી તો હોય ને. વિદ્યાર્થી હોંશિયાર તો હોય ને.’’
‘‘બકા, તારી જાણ માટે કહીં દઉં કે, ત્યાંની પરીક્ષા પધ્ધત્તિ જ વિદ્યાર્થીઓને હોંશિયાર ?(કાગળ ઉપર) બનાવે છે.’’
‘‘તો પછી, આપણે ગુજરાતવાળાઓ આવું કેમ નથી કરતાં? ’’
‘‘આપણે ત્યાં સીસીટીવી સામે પરીક્ષા લેવાય છે. અને ત્યાં સીસીટીવીથી કેમ બચવું ? એ પરીક્ષા દેવાય છે.
આપણે ત્યાં ચિઠ્ઠી ચપાટી પકડાય તો સુપરવિઝન કરતાં કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાય છે. અને ત્યાં ચોરી કરાવવાં બીજે ત્રીજે માળે ય બારીમાં મધમાખીની જેમ માણસો લટકતાં હોય છે.
અને આવી પરીક્ષા આપ્યાં પછીય ’’ જમીન દો, નોકરી લો.‘‘ વાળી જાત જાતની સ્કિમો હાલતી હોય છે.’’
‘‘ઓ..હો..હો. આવી જાત જાતની અને ભાત ભાતની સ્કિમ હાલતી હોય એમાં હું જઈને શું કરું? ’’
‘‘તું સમજ્યો નહીં બકા. ન્યાં કાગળીયા કોઈ જોતું જ નથી. કાગળીયા એટલે પૈસા. આ એનો માપદંડ છે.
આવી એકાદ સ્કિમમાં તારે જોડાઈ જવાનું.’’
‘‘તમેય તે બોસ શું, આવી હાવ ધકેલપંચા દોઢસો જેવી વાત કરો છો. સાવ આવું ક્યાંય હાલતું હશે ?’’
‘‘તું નઈ જ માને બકા, મને ખાતરી હતી. એટલે આ વખતે હું સબૂતનું લાવ લશ્કર લઇને આવ્યો છું.
આ..આ. તું જો, ફોટો બરોબર દેખાય છે? શાનો ફોટો છે?’’
‘‘હવે આ તો ટ્રેક્ટરનો ફોટો છે. ભલે, કંપની ઓળખાતી નથી. પણ, છે ટ્રેક્ટર જ.’’
‘‘હવે તું કહે.., આવાં ટ્રેક્ટરને આપણે ત્યાં શું હોય?’’
‘‘એમની આર.સી. બુક હોય.’’
‘‘હવે તું આ પ્રમાણપત્ર વાંચ.’’
રાજયઃ- બિહાર, સદરઃ- મુંગેર પ્રાંતીય કાર્યાલય.
નામઃ- સોનાલીકા ચૌધરી. પિતાનું નામઃ- બેગુસરાય ચૌધરી. માતાનું નામઃ- લલિયા દેવી. સરનામુઃ- ટ્રેક્ટર પુર, દિયારા. ‘‘અરે પણ, આ છે શું?? આમાં તો મોટી ગડમથલ છે.’’ ‘‘આ ટ્રેક્ટરનું નિવાસ પ્રમાણપત્ર છે. કોઈકે નિવાસ પ્રમાણપત્ર બનાવવા અરજી કરી હતી. તો પ્રમાણપત્ર બનાવનારે આવું પ્રમાણપત્ર બનાવી પણ નાંખ્યું.હવે મને લાગે છે કે, આ જ ટ્રેક્ટરનું આધારકાર્ડ, રાશનકાર્ડ અને ચૂંટણીકાર્ડ પણ બની જાય તો નવાઈ નહીં..!!’’
‘‘બોસ, તો તો હવે મારો આવો નાનકડો સુધારો થઈ જ જાય ને !?? હવે મને ઈ કહો કે બિહારની બસ ક્યાંથી ઉપડે છે?’’
‘‘ગાંડાભાઈ! બિહાર બસ ના જાય. ત્યાં ટ્રેનમાં જાવું પડે. ’’
‘‘તો મને જલ્દી ટ્રેનની ટિકિટ કરાવી આપો.’’
‘‘બે મહિનાનું બુકિંગ ફુલ છે.’’
‘‘એક કામ કરોને બોસ.’’
‘‘શું કરું??’’
‘‘બિહાર છે. તો નકલી ટ્રેનની ટિકિટ કરાવી દો ને. એટલાં બધાંમાં કોણ ભાવ પુછવાનું છે.’’ kalubhaibhad123@gmail.com