બોસ રસ્તા વચ્ચે કેટલીય વારથી ઉભાં હતાં. એક કરતાં એકેય એસ.ટી.બસ આવી રહી નથી. અને વારે વારે એસ.ટી.બસની આગળ આગળ હાલતાં પ્રાઈવેટ વાહનો પણ આજ દેખા દેતાં નથી.
‘ સરકારનો જાહેર કાર્યક્રમ હોય એટલે ગમે ત્યારે, ગમે ઈ રૂટ કેન્સલ કરી દેવાનો પરવાનો આ સરકારી માણસોને કોણે આપ્યો હશે ?’
બોસ મનમાં ને મનમાં ધૂંઆપૂંઆ થતાં હતાં. કહે તો કોને કહે ? ‘આ બકો ‘ ય કેટલાં દિવસથી દેખાતો નથી. કોણ જાણે કોણ શું કરી રહ્યું છે. હવે તો એકાદ છકડો આવે તોય ઘરભેગા થઈ જઈએ.’
બોસને હજી તો છકડાનો વિચાર આવ્યો ત્યાં, એક નવી નક્કોર ગાડી આવીને ઊભી રહી ગઈ. બોસ બે ડગલાં પાછળ હટી ગયાં. ‘આજકાલનાં બી.પી.એલ. છોકરાઓનું કાંઈ નક્કી નહીં. ગમે એને ગમે એમ ઉડાડી મૂકે છે અને પછી પૈસાનાં જોરે કલાકોમાં છૂટીય જાય છે. વાંક વગરનાનો વાંહો બાવળો થઈ જાય છે.’
કાળાં કલરનો કાચ ધીમેધીમે ખૂલ્યો. બોસની આંખો ચાર થઈ ગઈ.
“બકા , તું..ઉ.ઉ..??”
“હા હા હું ! હવે કાંઈ લપછપ કર્યા વગર બેસી જાવ ગાડીમાં. નહીંતર ટ્રાફિક થઈ જશે.” “હા પણ, આ બધું શું છે ? કેવી રીતે??” “તમે પેલાં ગાડીમાં બેસો. હું રસ્તામાં બધું જ કઉં છું.” ગાડી રસ્તાને ચૂમી ભરી ના ભરી સડસડાટ આગળ વધી રહી હતી. “બકા, હવે તો કે, કાંઈ નવો ધંધો ચાલુ કર્યો છે? કે પછી લોટરી બોટરી લાગી છે??” “ના બોસ. અમારી જેવાં અભણ માણસ ધંધોય શું કરે ? ” “તો પછી આ મોંઘીદાટ ગાડી !? તારી પાંહે તો કેરોસીનથી હાલતું ફટફટીયું માંડ હતું. કોઈ સરકારી કામ રાખ્યું છે??”
“નારે ના બોસ. આ બધી ઉપરવાળાની મહેરબાની છે.” “ઉપરવાળો એટલે કોણ ? ભગવાન !??” “ના હવે !! ભગવાનની આમાં ક્યાંય જગ્યા જ નથી.” “તો પછી ચોરી કરી !??” “નારે ના, ચોરી કરે ઉપરવાળો. આપણે શું ?” “હવે ગાડીના સ્ટિયરીંગની જેમ ગોળ ગોળ ફેરવીશ કે મૂળ મુદ્દાની વાત કરીશ.” “જૂઓ.., આપણે મત આપી આપીને થાકી ગયાં. પણ કોઈ ‘દિ બે પાંદડે ના થયાં. ઉલ્ટાના મત માંગવાવાળા બે શું હજાર પાંદડે થઈ ગયાં. એટલે મને મનમાં થયું લેન ફેરવવી પડશે.”
“એટલે તું કારણ વગરનાં રાજકારણમાં ગયો ?”
“હા બોસ. આનાં વગર છૂટકો જ નહોતો.”
“પણ તારું ન્યા હાલ્યું કેવી રીતે?”
“બોસ, કોઈ ક્યાંય ના હાલેને ઈ રાજકારણમાં જલ્દી હાલે. બસ, આપડે ઈ રાજકારણની ટ્રેનમાં ચડી ગયાં.”
“હા પણ, તને એમાં જગ્યા મળી ગઈ ?”
“બોસ આપડી સામાન્ય ટ્રેનમાં ‘ ય જગ્યા મળતી નથી. તો આ તો રાજકારણની ટ્રેન. પણ, જગ્યા કરી લેવાની હોય. એક પછી એક ચૂંટણી. મતલબ સ્ટેશન આવતાં જાય અને આપણને ગમે ઈ લેતું જાવાનું.”
“એટલે ઉમેદવારને અંધારામાં રાખીને કટકી કરી લેવાની ?”
“ના ના ના બોસ, ના. આને કટકી ના કહેવાય! વળતર કહેવાય. એ મોટી સેવા કરે તો આપણે નાની સેવા કરવાની.”
“ઓ હો હો ..! સેવા કરવાનો તો રાફડો ફાટયો છે. તો પછી આટલી બધી સેવાઓ જાય છે ક્યાં ?”
“સૌ સૌના ઘરે.”
“હજી મને એક વાત નથી હમજાતી કે, સેવાથી સૌનાં ઘર ભરાઈ જાય છે તો પછી આટલી બધી સેવા આવે છે ક્યાંથી?”
“સરકાર સંસદસભ્યો, ધારાસભ્યો પાસે આ સેવા કરાવે છે. અને આ બચાડા ચૂંથાયેલા. સોરી..સોરી.. !! ચૂંટાયેલા સેવાનાં મહારથીઓ એક પછી એક સેવા કર્યે જ જાય છે.”
“તો પછી આ સેવાનો રેલો તમારાં સુધી કેવી રીતે પહોંચે છે ? કે, તમારે કેરોસીનના ફટફટીયામાંથી સીધી જ ફોરવ્હીલ બની જાય છે.”
“બોસ બોસ , તમે મને આવાં અઘરાં સવાલો ના પુછો. અને હંધૂય મારે જ કેવાનું? અમારે પણ ઘણીવાર ન બોલવામાં નવ ગુણ ગ્રહણ કરવાનાં હોય છે. અને અમે જ હંધૂય કરીશું તો મતદારો શું કરશે ?? શું કહેશે ?? અને આવાં અઘરાં સવાલો તમે વિધાનસભા અને સંસદસભા માટે રાખી મૂકો. કારણ કે, વિપક્ષને પ્રશ્નો જડતાં નથી.”
“તો હાલો અભણ અમથાલાલ પાંહે જઈએ.”
અભણ અમથાલાલે હંધીય પરિસ્થિતિ પામીને પ્રશ્નોનો પરપોટો ફોડી નાખ્યો.
“જૂઓ.., એક ધારાસભ્ય એક ચૂંટણીમાં બે પાંચ દસ કરોડનો ખર્ચ કરી નાંખે છે.
એક સંસદસભ્ય ચૂંટણી જીતવા પચ્ચીસ પચાસ કરોડનો ખર્ચ કરે છે. આવી લોક વાયકા છે. હાસુ ખોટું રામ જાણે. હવે આ થયું એમનું રોકાણ..!!
હવે રોકાણ પરનું વળતર તો મળવું જોઈએ ને ??
એટલે એ કામ માટે વચેટિયા રાખે છે. અને કેટલાંક વહીવટદારો બનીય જાય છે. સરકારી કામમાં દસ ટકા વીસ ટકા કમિશન માંગે છે.
અને જાણકારો કહે છે કે, આવું કમિશન એમને મળે પણ છે.”
“તો પછી બકા તારે ગાડી થઈ કેવી રીતે ??” “કમિશનમાંય કમ – કમિશન.
હવે તમે કોઈને કે ‘તા નઈ.”