“બોસ બોસ, આજકાલ મરણ બહું મોંઘા થઈ ગયા છે. એક તો ગરીબી ભરડો લઈ ગઈ હોય, અને ઉપરથી ગરીબીની માસીયાઈ બેન બીમારી આવે. એટલે દુકાળમાં અધિક માસ જેવું થાય. અને હમણા હમણા તો દવાખાના ‘ય હોટલને ટક્કર મારે એવા એવા બને છે. દવા સહિત ડોક્ટરો ‘ય મોંઘા થયા છે.
માણસને મરવું હોય તોય સસ્તું નથી.”
“અરે અરે બકા, કેમ અચાનક મરવા બરવાની વાતુ કરવા લાગ્યો. જીવન જીવવા માટે છે. મરવા માટે થોડું જ છે.”
“તમારી વાત હાચી છે. પણ, જીવવા માટે ‘ય મોંઘવારી તો નડે છે અને મરવું હોય તોય મોંઘવારુ નડે છે. મોંઘવારીએ માઝા મૂકી છે. ય્જી્ ઘટાડવાથી સામાન્ય માણસને શું ફેર પડ્યો ? ઈ કોઈ જૂએ છે? જાત-જાતના નવા-નવા રોગ આવી ગયા છે. નવા નવા નામે શરીરમાં પ્રવેશ કરે છે અને ખિસ્સા ખાલી કરે છે.”
“પણ, તું તો રાતડી રાણ જેવો છો. તને ક્યાંય પાણાં ’ય પડ્યા નથી. પછી મોંઘવારી તને શું નડે !??”
“મને નડે કે હાઢુભાઈને નડે. મોંઘવારી છે, તો નડવાની જ છે. મોંઘવારીની આદત છે નડવાની.
પણ, મને ઈ કહો કે બીજા રાજ્યોમાં મરણ સસ્તું છે. ફાયદાકારક છે. એવું મરણ આપણે ત્યાં કેમ નથી ?”
“તું કોની વાત કરે છે? મરણ ક્યાંય સસ્તું ના હોય. યમરાજનો પાડો હંધીય જગ્યાએ સરખો જ ભાવ કરે.”
“ના ના ના, હું આ વાત નથી માનતો. યમરાજનો પાડો લાગવગ વાળાને હારા વાહનમાં બેહાડીને લઈ જાય છે અને લાગવગ ના હોય એને ગમે તેવા વાહનમાં લઈ જાય છે. અને ઉપાડતી વખતે ય ખર્ચો બહું કરાવે છે. એક તો ઘર ખાલી થઈ ગયું હોય છે ઉપરથી માથે દેણું ’ય કરાવે છે. અને કેટલાંકને જલ્દી ઉપાડે છે અને ઘર ભરતા જાય છે. હવે તમે જ કહો. આ લાગવગ નથી તો બીજું શું છે?”
“બકા, તું ફોડ પાડીને વાત કર તો વાતમાં હુજકો પડે.”
“આ હમણાં જ તમે જુઓ. તમિલનાડુમાં એક્ટર કમ રાજકારણી વિજયની રેલીમાં એકતાલીસ માણસોને યમરાજના પાડાએ એક સાથે જ ઉપાડ્યા. સરકારે તો સહાય આપી જ પણ, વિજયે ’ય લાખો રૂપિયા આપ્યા. માણસ તો ગયું પણ, ઘર ભરતું ગયું. આવું આપણે ગુજરાતીમાં કેમ નથી થાતું? વડવાઓએ કાશીનું મરણ હારું કીધું છે. પણ, અહીં તો તમિલનાડુનું મરણ હારું લાગે છે.”
“બકા, તારી વાત હારે હું પુરેપુરો તો સંમત નથી. પણ તું કહે છે, ઈ ખોટું ‘ય નથી. છતાંય, મરવાં માટે તમિલનાડુ તો જવાતું નથી.અને આપણે ગુજરાતમાં એવો કોઈ એક્ટર/ રાજકારણી (ટી.વી.કે.ના વડા જેવો) નથી કે આપણને આવો લાભ મળે. વિજય એક ફિલ્મ કરવાના સો કરોડથી ૨૭૫ કરોડ ફી લે છે અને આવી એમણે અત્યાર સુધીમાં ૬૮ ફિલ્મો કરી છે. અહીં તો એક રૂપિયાનાં ત્રણ આઠઆના ગોતવા વાળા ઝાઝા છે. અને આપણે ત્યાં મરવા માટે હોસ્પિટલ માંડ માંડ પહોંચાય છે. બાકીનું કામ ઈ હંભાળી લે છે.’
‘આપણે ત્યાં એવા ’ય ડોક્ટરો પડ્યા છે કે હાજા હારા માણસને ય કહે. સારું થયું તમે પાંચ મિનિટ વહેલાં આવી ગયાં. બાકી…”
“બસ બસ, બોસ બસ… મારે તમને આ જ વાત કરવી છે. આપણે ત્યાં મરણ મોંઘુ થઇ ગયુ છે.
હમણાંની જ વાત કરું. મોરબી પાસેનું ગામ વનાળિયા. સતીષભાઈનો અકસ્માત થયો. પ્રથમ ગયા મોરબી સિવિલ હોસ્પિટલ. એમણે હાથ ખંખેરી નાખ્યા. ગયા સિવિલ હોસ્પિટલ રાજકોટ. એમણે એમની બનતી કોશિશ કરી પણ, યમરાજ હાવી થઈ ગયા.
સ્વજનો એમ હાર થોડા જ માને. યમરાજને હારે લઈને સૌ પહોંચ્યા રાજકોટની (હોસ્પિટલ કે રૂપિયા બનાવવાનું કારખાનું?) વોકહાર્ટમાં. ઘણા ’યને હોસ્પિટલ ઓછી પણ…..વધારે લાગે છે. લાગે છે કે, આ હોસ્પિટલને અઢી લાખ હારે હારી લેણાંદેવી છે. થોડા સમય પહેલા જ એક છોકરાને સાત (માત્ર સાત) ટાંકા લેવાનું બિલ આપ્યું હતું અઢી લાખ. એમ અહીં પણ કહેવામાં આવ્યું. અઢી લાખ જમા કરાવો. ઓપરેશન કરવું પડશે. ટોટલ ખર્ચ પંદર લાખ થશે.(એમણે કદાચ યમરાજના પાડા હારે સેટીંગ કર્યું હશે? કે રાતનાં ત્રણ વાગ્યે પાડો ઊંઘમાં હશે ?)
સ્વજનો મુંજવણમાં મૂકાયા. રાતે ત્રણ વાગ્યે રૂપિયા અઢી લાખ ગોતવા ક્યાંથી?
મોરબી સિવિલ અને વોકહાર્ટ અઢી લાખની વચ્ચે સાત થી આઠ કલાકનો સમય ગયો હતો એટલે એક બહું ભણેલા સ્વજને ડોક્ટરને પૂછ્યું. ‘સાહેબ! અત્યારે અઢી લાખ અને ટોટલ પંદર લાખ જમા કરાવ્યા પછી, અમારો દર્દી બચી તો જાહે ને !!?’
‘જો ભાઈ ! અત્યારે યમરાજ ઉપર જ બેઠા છે. એમની પાસેથી દોરી છોડાવીને પ્રભુ દોરી પકડે એટલે દર્દી તમારું સાજું. બાકી હંધૂય ભગવાનના હાથમાં છે.’
બે ચાર જણા વધારે ખાત્રી કરવા ફરી રાજકોટ સિવિલ હોસ્પિટલ આવ્યા.
“ડોક્ટર! અમારાં દર્દીની ખરેખર હાલત શું ગણાય ?”
“ભાઈ ! સતીષભાઈ ગુજરી ગયા ને પાંચ કલાક થઈ ગઈ છે. કોઈ ડોક્ટરને લક્ષ્મી વધારે વ્હાલી હોય તો અમે શું કરીએ!??”
“સ્વજનોએ યમરાજ અને પાડાની હાજરીમાં જ આખી હોસ્પિટલ માથે લીધી. પણ, કોઈ ‘સુ કે સા’ ન બોલ્યું.
હવે તમે જ કહો બોસ, આના કરતાં તો વિજયની રેલીમાં જઈને ચાલીસ લાખ લઈ લેવા હારા કે નઈ !??”