(ગયા અંકથી ચાલુ..)
બોસ ઘરવાળીને લઈને ઘરની બહાર નીકળ્યાં.
બન્ને ખુશ હતાં. આ જોઈને બોસના ઘર પાસે લાઈનમાં ઊભા રહેલાં પોણા ગામે હસતાં હસતાં કહ્યું. “તમ-તમારે ખુશીથી જાવ. હારા હમાચાર લઈને જલ્દી પાછાં આવજો.” હંધાયે બે હાથે ટાટા બાય -બાય કર્યું. બોસ તો હંધૂય હમજી ગયાં. એ મનમાં ને મનમાં ખુશ હતાં. પણ, ઘરવાળીને વિચિત્ર લાગ્યું. “કેમ ? કેમ ? હારા હમાચાર?? આ ઉંમરે હવે તમને એવું કાંઈ લાગે છે? ‌‌શું અમારે બેય માણહને બહારેય ના જાવું?”
“ના ના ના. એવું નથી. તમ- તમારે ખુશીથી જાવ.(પણ ! લગભગ પાછાં નહીં આવો) આ શબ્દો સૌ ગળી ગયાં.” બોસનું ઘર ગામને છેવાડે. અવરજવર ઓછી. એટલે હંધાયની ઘરે જલ્દી ખબર ના પડી. ચા પાણીના રસીયાને હવે કોટો ઉતરી રહ્યો હતો. તો કેટલાક વારામાં રૂમાલ રાખીને કોટો ચડાવી આવ્યાં. માવા ફાકીના બંધાણીનેય પાનના ગલ્લે જવું પડ્‌યું. હારે હારે પાંચ સાત ફાકીય બંધાવતા આવ્યાં.
બોસ જ્યાં સુધી નવી ભાભીને લઈને ના આવે ત્યાં સુધી સમય તો કાઢવો જ પડશે. એક જણે કહ્યું. “મને તો લાગે છે કે, વિદેશમાંથી આ હંધૂય આવ્યું હશે. દુનિયામાં અત્યારે અંદરોઅંદર કેટલાં ‘ય દેશો યુધ્ધે ચડ્‌યા છે. જીવ કોને વ્હાલો ના હોય!? બે ચાર કન્ટેનર ભરીને આવી ચડ્‌યા હશે. પછી આવી જ ચડ્‌યા હોય તો નિકાલ તો કરવો જ પડે ને.” તો બીજાએ દલીલ કરી. “જૂના હામે નવી આવશે ઈ આપણી ભાષા હમજશે? ” તો કોઈકે કહ્યું. “આ તમે એમ.પી. અને મહારાષ્ટ્ર બાજુથી બાયું લઈ આવો છો. મતલબ ખરીદી કરી આવો છો, એ તમારી ભાષા હમજે છે?? છતાંય તમે લઈ આવો છો કે નહીં?? છોકરીવાળાને તો પૈસા આપો જ છો. એજન્ટનેય પૈસા નથી આપતાં?” “એજન્ટ તો અહીંયાય છે જ ને.” “બોસ આપણી પાંહેથી થોડાં પૈસા લેહે..!!”
જાત -જાતની અને ભાત -ભાતની વાતો ચાલી રહી હતી. તો વળી કોઈક હળંગ ડાયાએ બાજુંના ગામમાં આખેઆખી વાત ફોનમાં કરી દીધી. તો કેટ -કેટલા ‘ય રહના ઘોયા આ બધુ જોવાં જાણવાં આવી ચડ્‌યા. ગામમાં ધીમે ધીમે ખબર પડવાં લાગી કે, ગામમાં કંઈક નવાજૂની છે. બપોર થયા, ઘરવાળા જમવા ના આવ્યાં એટલે ઉતાવળી ઘરવાળી શેરીમાં નીકળી. “હેં..હમજુબેન! બપોર થયાં તમારાં ભાઈ જમવા નથી આવ્યાં. મારાં ભાઈ જમી ગયાં??”
“નારે ના. જોને તારાં ભાઈએ ‘ય ક્યાં દેખાણાં છે.
મને લાગેશ ક્યાંક બિયારણ હારું ભટકતાં હશે. બીચારા ખાધાં પીધાં વગરનાં ક્યાંક પાટકતા હશે. બિયારણ તો છે, પણ જૂનું છે. હંધાય કહે નવું જોઈએ. નવું હારું ઉગે. એટલે આમથી તેમ આંટાફેરા કરતાં હશે.”
“હાચી વાત છે બેન. અમારે એનું તો હાવ ભગત જેવું ખાતું. કોક કહે આમ કરો તો એમ કરે. કોક કહે તેમ કરો. તો તેમ કરે. હાવ ભગવાનનું માણસ. મને લાગેશે કે, ઈ’ય નવાં બિયારણ હારું જ ગ્યા હશે. આ તો મને થોડી ચંત્યા થઈ. એટલે આ બાજું હાલી આવી. બૈરાની જાત છે. ચંત્યા તો થાય ને ઘરવાળાની.”
આ વાતચીત હાંભળીને કોઈક અટકચાળા છોકરાએ કહ્યું. “તંઈ વાત હાચી. ગામનાં છેવાડે બોસના ઘર પાંહે ગામનાં હંધાય નવું નવું કાંઈક બોલતાં ’તા. મને લાગે છે કે ઈ હારું જ હંધાય લાઈનમાં ઊભા હશે.”
“જોને હમજુ! બચાડા નવા બિયારણ હારું ઈવડા ઈ હવારના ખાધા પીધા વગરનાં લાઈનમાં ઊભા છે. અને આપણે અહીં ખાટે હિંચકીએ છીએ.
બચાડાને કેટલી ચિંતા છે..!!
આ સરકારેય હાવ ગેલહાગરી છે. ખાતરમાં લાઈન, બિયારણમાં લાઈન અને જણસ વેચવા જાવ તો ન્યાં’ય લાઈન.
હું ય તે મૂઈ કેટ-કેટલું આડું અવળું વિચારવા લાગી. હવે આ ઉંમરે બચાડા કીધાં કારવ્યા વગર થોડાં કાંઈ કરે. હાલ તંઈ ઈવડા ઈનું તો કાંઈ નક્કી નહીં. આપણે તો પેટનો ખાડો પૂરવો પડશે.”
બોસ ઘરવાળીને લઈને બહાર નીકળ્યા. સાથે સાથે એમને’ય અંદરખાને ડર હતો કે, ‘આવું કેવી રીતે બની શકે? જૂની બૈરીના બદલામાં કોઈ નવી બૈરી કેવી રીતે આપી શકે? પણ, અખતરો કરવામાં શું જાય છે? લાગે તો તીર.. નહીંતર થોથું. અને આ નવી દુનિયામાં કાંઈ નક્કી નહીં. હોય તો હોય પણ ખરું. હા પણ, ઝોખમ તો છે. ‘
એટલે બોસે પહેલાંથી જ અમથાલાલને હારે આવવાનું કહી દીધું હતું. ‘તમારે પાછળ પાછળ રહેવાનું. વધારે કાંઈ ગરબડ ગોટાળો લાગે તો તરત જ આવી જવાનું. ‘
અમથાલાલ બધી જ તૈયારીઓ કરીને પગલે પગલું દબાવીને જઈ રહ્યા હતાં.
બોસ જેવાં ધમાકા ઓફર વાળી જગ્યાએ ગયાં. એમણે એમની પોઝિશન લઈ લીધી.
બોસે અંદર જઈને ખર્ચ બાબત ચર્ચા કરી લીધી. પણ, એક શંકા જણાવી.
“મારે છે, એનાં કરતાં મોડલ ખરાબ આવે તો??”
“એવું નહીં બને સાહેબ! પહેલાં તમને ફોટો બતાવવામાં આવશે. તમે હા પાડો પછી જ તમને સોંપવામાં આવશે. “દુકાનદારે હૈયાધારણ આપી.
ચાર પાંચ કલાક પછી બોસને એક ફોટો બતાવ્યો.
બોસ તો રાજી રાજી થઈ ગયાં. અમથાલાલને બે અંગુઠાનું નિશાન પણ બતાવી દીધું.
બીલ ચૂકવતી વખતે બોસે કહ્યું
“ભાઈ! થોડુંક વ્યાજબી તો કરો. ત્યારે ફોટાવાળી બાઈ બોલી. “હા હા ભાઈ! બ્યુટીપાર્લરના આટલાં બધાં રૂપિયા હોય!??”
બોસે લમણે હાથ મૂક્યો.” હો હો, આ તો આપણું જ પાર્સલ છે. વાટા પ્લાસ્ટર વાળું.”
ઘરે આવીને બોસે જાહેરાતના બેનર સામે જોઈને કહ્યું.
“ભાઈઓ, આમાં મારે એજન્ટ બનવું નથી. આ બ્યુટીપાર્લરની જાહેરાત છે. આઠ દસ હજાર ખર્ચ કરવો હોય ઈ સીધાં જ જઈ આવજો.”
ફોન માહ્યલી “ધમાકા ઓફરની” જાહેરાત હંધાયે ડિલીટ કરી નાખી.