બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને બિટકોઈન કૌભાંડ કેસમાં જામીન મળ્યા છે. મુંબઈની ખાસ પીએમએલએ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. બિટકોઈન સંબંધિત આ કેસમાં ૧૫૦ કરોડનો સમાવેશ થાય છે. મુંબઈની ખાસ કોર્ટે એક દિવસ પહેલા રાજ કુન્દ્રા સામે સમન્સ જારી કર્યા હતા. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટની નોંધ લીધી હતી. આ કેસમાં દુબઈ સ્થિત ઉદ્યોગપતિ રાજેશ સતીજાને પણ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. બંને આરોપીઓને ૧૯ જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૫માં, ઈડીએ પીએમએલએ હેઠળ નોંધાયેલા કેસોમાં ખાસ કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં રાજ કુન્દ્રા અને રાજેશ સતીજાનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું હતું.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, રાજ કુન્દ્રાએ યુક્રેનમાં બિટકોઇન માઇનિંગ ફાર્મ સ્થાપવા માટે કુખ્યાત “ગેઇન બિટકોઇન પોન્ઝી કૌભાંડ” ના માસ્ટરમાઇન્ડ અને પ્રમોટર અમિત ભારદ્વાજ પાસેથી ૨૮૫ બિટકોઇન મેળવ્યા હતા . જાકે આ સોદો સફળ થયો ન હતો, ઈડીનો દાવો છે કે રાજ કુન્દ્રા પાસે હજુ પણ ૨૮૫ બિટકોઇન છે, જેની વર્તમાન કિંમત ?૧૫૦ કરોડથી વધુ હોવાનો અંદાજ છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ વ્યવહારમાં ફક્ત મધ્યસ્થી હોવાનો દાવો કર્યો હતો પરંતુ તેમના દાવાને સમર્થન આપવા માટે કોઈ નક્કર દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
ઈડીના જણાવ્યા અનુસાર, રાજ કુન્દ્રા અને મહેન્દ્ર ભારદ્વાજ વચ્ચે “ટર્મ શીટ” નામનો કરાર થયો હતો, જે સ્પષ્ટ કરે છે કે વાસ્તવિક કરાર રાજ કુન્દ્રા અને અમિત ભારદ્વાજ (મહેન્દ્ર ભારદ્વાજ દ્વારા) વચ્ચે હતો. ચાર્જશીટમાં જણાવાયું છે કે કુન્દ્રાનો દાવો કે તેમણે ફક્ત મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું તે સ્વીકાર્ય નથી. તપાસ એજન્સીએ એવો પણ દાવો કર્યો હતો કે રાજ કુન્દ્રાને પાંચ અલગ-અલગ હપ્તામાં મળેલા બિટકોઇનની ચોક્કસ સંખ્યા યાદ છે, જાકે વ્યવહારને સાત વર્ષથી વધુ સમય વીતી ગયો છે, જે સાબિત કરે છે કે તે બિટકોઇનનો વાસ્તવિક લાભાર્થી હતો અને માત્ર મધ્યસ્થી નહોતો.











































