ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાનો ૨૭ ફેબ્રુઆરીના રોજ શુભારંભ થઈ રહ્યો છે. બોર્ડ પરીક્ષા એ વિદ્યાર્થીઓ માટે કારકિર્દીનું પ્રથમ કદમ છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ સૌ પ્રથમ બોર્ડ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે તેમના માનસમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક સર્જાયા હશે. સોશિયલ મીડિયાના માધ્યમ થકી એવો મેસેજ વિદ્યાર્થીઓને સતત આપવામાં આવે છે કે બોર્ડ પરીક્ષા સ્કૂલ પરીક્ષાની જેમ જ લેવાય છે. તેમ છતાં વિદ્યાર્થીઓમાં ઘણી વખતે ડર અને ભય જોવા મળતો હોય છે. વિદ્યાર્થીઓ તનાવ મુક્ત પરીક્ષા આપે તે માટે જડબેસલાક આયોજન હોય છે. ટાઈમ ટેબલ પ્રમાણે બોર્ડ દ્વારા જે તે જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ઉપર માઈક્રો પ્લાનિંગથી વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેવું દીર્ઘ આયોજન બોર્ડ દ્વારા થયેલું હોય છે. પ્રથમ દિવસે પેપર આપતી વખતે વિદ્યાર્થીઓને મો મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ તો આ દેશનું ભવિષ્ય છે. તેમની સુષુપ્ત શક્તિઓને લેખન કૌશલ્યથી મુલવવા માટે પરીક્ષા અનિવાર્ય છે. વિદ્યાર્થીઓમાં હકારાત્મક ભાવ અને પરીક્ષા તનાવમુક્ત વાતાવરણમાં લેવાય એ માટે શિક્ષણવિદ અને મનોચિકિત્સકો દ્વારા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે. નાના નાના ભૂલકા જ્યારે બોર્ડ પરીક્ષા આપવા જાય તે સમયની તેમની ઉર્મીઓ અને લાગણીઓ સમજવાની જરૂર છે. જીવનના ટર્નિંગ પોઇન્ટ સમી ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માથે આવી ઉભી છે ત્યારે આ પરીક્ષા જંગમાં ફતેહ મેળવવા વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ચિંતા સાથે થનગનાટ જોવા મળી રહ્યો છે. પરીક્ષા આડે હવે એક દિવસ બાકી છે. આ લેખ વાચક, વિદ્યાર્થી અને માતા- પિતાને સંજીવની સમાન પુરવાર થશે. પેપરના સમયે વાંચન કરતાં રિવિઝન અને લેખન ઉપર વધુ ભાર આપવાનું તેમજ જરૂરી મુદ્દાઓની નોટ્‌સ જોઈ લેવી જોઈએ.
બોર્ડ પરીક્ષા વખતે નીચેની બાબતોની કાળજી રાખીએ..
*પ્રશ્નોના નંબર લખીને જ જવાબ લખવો જોઇએ. નંબર લખવાથી તપાસમાં સહેલાઇ રહે છે.
*બોર્ડ પેપર હાથમાં આવે ત્યારે શાંતિથી એકાગ્ર મને વાંચન કરવું.
*ઘણી વખતે પહેલો જ પ્રશ્ન અઘરો લાગે તે સમયે ડરી જવાની જગ્યાએ બીજા પ્રશ્ન તરફ ધ્યાન કેન્દ્રિત કરવું.
*જે વિભાગ અથવા તો પ્રશ્ન સારી રીતે આવડતો હોય તે લખવાની કોશિશ કરવી જોઈએ. મુદ્દાસર લેખન કાર્ય કરવું જોઈએ. પોઈન્ટ ટુ પોઈન્ટ, સપ્લીમેન્ટરીમાં સરસ અક્ષરે લેખન કાર્ય કરવા માટે વિદ્યાર્થીએ પ્રયાસ કરવો જોઈએ. *જે પ્રશ્નના જરૂરી હોય એટલા જ મુદ્દાનું લેખન કાર્ય કરવું જોઈએ. બિનજરૂરી લખાણ લખવાની જરૂર નથી. *ડાયરેક્ટ જવાબ લખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જેથી સમય મર્યાદા જાળવી શકાય. *પ્રશ્નને બરાબર સમજીને મુદ્દાસર લખાણ લખીએ. જરૂર જણાય ત્યાં અન્ડરલાઇન કરીએ. *બિનજરૂરી સપ્લીમેન્ટરીમાં જગ્યા ના રોકીએ.
*સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરે લખવાની કોશિશ કરીએ.
*નવો વિભાગ નવા પાને લખીએ. માગ્યા હોય તેટલા જ પ્રશ્નોના જવાબ લખીએ. *જરૂર જણાય ત્યાં પેન્સિલથી આકૃતિ દોરીએ.
*પરીક્ષા ખંડમાં બિનજરૂરી ડાફોળિયા ના માળીએ. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને જવાબ લખવાની કોશિશ કરીએ.
*રીસીપ્ટમાં બારકોડ સ્ટીકર નંબર અને ખંડ નિરીક્ષકની સહી કરાવવાની કાળજી રાખીએ.
*ખંડ નિરીક્ષક સહી કરીને આપે ત્યારે રીસીપ્ટ તમારી જોડે જે પાકીટ અથવા તો ખીસ્સામાં મૂકી દેવી જોઈએ.
*પ્રથમ દિવસથી શરૂ કરી બોર્ડ પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી ખંડ નિરીક્ષકે સપ્લીમેન્ટરીની અંદર બધી જ વિગત વિદ્યાર્થીને ભરી આપવી જોઈએ. તેમજ બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકર ખંડ નિરીક્ષકે લગાવવા જોઈએ.
*પહેલા જે બધું આવડે છે તે તરત લખી દઈએ. નથી આવડતું તે યાદ કરીને લખવા કોશિશ કરીએ. બાકી મૂકવાની કોશિશ ના કરીએ.
*ઘેર ગયા પછી પેપરનું સોલ્યુશન ક્યારેય પણ ના કરીએ.
*આગલા દિવસના પેપરની તૈયારી માટે થોડો આરામ કરીને લાગી જઈએ.
*માતા પિતા દ્વારા પેપર કેવું ગયું ? કેમ છૂટી ગયું આવી કોઈ દલીલ પરીક્ષા સમયે ન થાય તે અપેક્ષિત છે.
*વિદ્યાર્થીને પૌષ્ટિક ખોરાક અને જ્યુસ સારા પ્રમાણમાં આપીએ. બહારનું જંક ફૂડ આપીએ નહીં.
*બિનજરૂરી ઉજાગરા ના કરાવીએ.
*કદાચ એકાદ પેપર ખરાબ ગયું હોય તેમ છતાં વિદ્યાર્થીઓનું મોરલ અને આત્મવિશ્વાસ વધે તેવું ભાવાવરણ અને વાતાવરણ માતા-પિતા દ્વારા નિર્માણ થવું જોઈએ.
*વિદ્યાર્થીઓ સાથે આત્મીયભાવે વર્તન કરીએ.
*પરીક્ષા આપવા ઘરેથી નીકળીએ ત્યારે રીસીપ્ટ, પેન, પેન્સિલ જેવી જરૂરી બોર્ડ પરીક્ષાની સામગ્રી અચૂક જોઈ લેવી અને તે પ્રમાણે લઈને જવી.
*બેન્ચીસની આજુબાજુ કોઈક જગ્યાએ ચિઠ્ઠી, ચબરખી નથી પડી ને તેની કાળજી રાખીએ.
*બિલ્ડીંગ કંડક્ટરોએ પરીક્ષા પૂર્ણ થયા પછી સેવકો પાસે ક્લાસ એકદમ સ્વચ્છ કરાવી દેવા જોઈએ.
*પારદર્શક બોટલમાં પાણીની વ્યવસ્થા થાય એ અનિવાર્ય છે.
*વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે, તેમનામાં ગભરામણ કે ડર હાવી ન થાય તેની કાળજી રાખવાની જરૂર છે.
*બોર્ડ પરીક્ષામાં ચોરી કરવાનો ક્યારેય પણ વિચાર ના કરીએ.
*મહેનતનું ફળ જ આગળની દિશા નિર્માણ કરે છે.
*બોર્ડ પરીક્ષાના આગલા દિવસે જરૂરી નોટ મુદ્દાઓ સમય મર્યાદામાં ચેક કરી લેવા. *પેપરના પ્રશ્નો આગળ-પાછળ ના કરો.
*ઓછા માર્ક્સવાળા પ્રશ્નોમાં બહુ સમય ન બગાડો.
* એક માર્ક્સનો જવાબ એક શબ્દ અથવા એક જ લીટીમાં લખો.
*પ્રશ્નપત્રમાં જવાબ લખવા માટે બ્લુ પેનનો જ ઉપયોગ કરો, જરૂર જણાય તો જ બ્લેક પેન વાપરો.
*જે પ્રશ્ન ન આવડતો હોય તે છોડી છેલ્લે લખવાનું રાખો.
*પરીક્ષા પહેલાં ૧૫ મિનિટનો વધારાનો સમય મળે છે એ દરમિયાન શાંત ચિત્તે પેપર વાંચી આવડતા સવાલો ટીક કરો, ન આવડતા પ્રશ્નોની ચિંતા કર્યા સિવાય જવાબ લખવાનું શરૂ કરો.
બોર્ડ પરીક્ષાની આ બધી ટ્રીક વિદ્યાર્થીઓ અમલમાં મૂકશે તો ચોક્કસ સફળતાની કેડી કંડારશે તેવી મને ચોક્કસ ખાતરી છે. વિદ્યાર્થી મિત્રો ‘બેસ્ટ ઓફ લક.’ તમે જ તમારા ભાગ્યવિધાતા છો. આપની પરીક્ષા સુંદર રીતે પૂર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવું છું.
વિદ્યાર્થી દેવો ભવઃ ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨