ઉદ્યોગપતિ અનિલ અંબાણીને બોમ્બે હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો હતો. કોર્ટે બેન્કોને તેમની સામે કાર્યવાહી કરવાથી રોકતો સ્ટે ઓર્ડર ઉઠાવી લીધો હતો. કોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજની વચગાળાની રાહતને ઉથલાવી દીધી હતી, જેણે ત્રણ બેન્કો – બેંક ઓફ બરોડા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને આઇડીબીઆઇ બેંક – અને ઓડિટર બીડીઓ ઇન્ડિયા એલએલપીને કાર્યવાહી કરવાથી અટકાવી હતી.
આખો મામલો આરબીઆઇના ૨૦૨૪ના છેતરપિંડી વર્ગીકરણ પરના માસ્ટર નિર્દેશો સાથે સંબંધિત છે. ડિસેમ્બર ૨૦૨૫માં, એક જજે અનિલ અંબાણીને રાહત આપી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ તૈયાર કરનાર બીડીઓ એલએલપીના સહી કરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી, અને તેથી, કાર્યવાહી અટકાવવી જાઈએ.
ત્રણેય બેંકોએ આ આદેશ સામે અપીલ દાખલ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે ફોરેન્સિક ઓડિટ માન્ય હતું અને રિપોર્ટમાં ભંડોળના દુરુપયોગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે સિંગલ જજનો આદેશ “ભૂલભર્યો અને વિકૃત” હતો.
ડિવિઝન બેન્ચે અપીલને મંજૂરી આપતાં કહ્યું હતું કે નીચલી કોર્ટનો આદેશ કાયદેસર રીતે અમાન્ય હતો. કોર્ટે આ આદેશને “ગેરકાયદેસર અને વિકૃત” પણ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે બેંકોને હવે આગળની કાર્યવાહી કરવાથી રોકી શકાય નહીં.
અનિલ અંબાણીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવા માટે હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાની વિનંતી કરી હતી, પરંતુ બેન્ચે આ વિનંતીને ફગાવી દીધી હતી. આ સાથે, હવે બેંકો માટે અનિલ અંબાણીના ખાતાઓને છેતરપિંડી જાહેર કરવાની પ્રક્રિયા ફરી શરૂ કરવાનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે.








































