બોગસ ખેડૂત ખાતેદાર કેસમાં ઈડર ભાજપના ધારાસભ્ય સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધારાસભ્ય રમણ વોરાને તંત્રએ ૩ નોટિસ આપીને જમીન ખરીદીમાં ખુલાસો માંગશે. ગેજેટ નંબર ૨૮૧૫ મુજબ અને ૬૩છડ્ઢ અંતર્ગત કાર્યવાહી કરાશે. રમણ વોરા કરતૂત સ્વીકારશે તો મૂળ ખેડૂતને જમીન પરત કરવામાં આવશે. ધારાસભ્ય ખોટા સાબિત થતાં જંત્રીના ભાવે ૩ ગણો દંડ વસૂલાશે. ગાંધીનગર અને ઈડર મામલતદાર અને કૃષિપંચ તરફથી રમણ વોરા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.

થોડા સમય પહેલા ખોટા દસ્તાવેજાના આધારે ખેડૂત બની બેઠેલા ધારાસભ્ય રમણ વોરાએ તેઓના મત વિસ્તાર ઈડરના દાવડ ગામમાં ખેતીની જમીન ખરીદી હતી. ખેતીની જમીનનાં પુરાવા ન આપતા અરજદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. અરજદાર દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરી રજૂઆત કરી છે. તેમજ ખોટા ખાતેદાર બનેલા ધારાસભ્ય રમણ વોરા સામે કાર્યવાહીની માંગ કરી છે.

ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ ખેડૂત તરીકેનું ખોટું દાખલો મેળવીને જમીન હસ્તગત કરવાના ગંભીર આરોપો હેઠળ આવ્યા છે. પિતાના નામ સાથે પોતાનું નામ ભેળવી ખેડૂત ખરાઈનો જથ્થો મેળવવામાં આવ્યો હતો. જેમાં વોરા અટકનો ઉલ્લેખ ન હોવા છતાં ખરાઈનો દાખલો મેળવી લેવાયો છે. આ આધારે ગાંધીનગર નજીક પાલેજ વિસ્તારમાં ખેતીલાયક જમીન ખરીદવામાં આવી હતી. બાદમાં આ જમીન પોતાના નજીકના વ્યક્તિને વેચીને, તેને એનએ (નાન-એગ્રીકલ્ચરલ) તરીકે જાહેર કરાવી હતી. જે બાદ જમીન એનએ કરી વોરાના પુત્રોના નામે ફરીથી મેળવી લેવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયાની પાછળ જમીનની આજની બજાર કિંમત કરોડોમાં હોવાનું જણાવવામાં આવે છે.

દાવડ ગામની સીમમાં થયેલા વિવાદને લઈ અરજદારે ગંભીર આક્ષેપો કર્યા છે કે ધારાસભ્ય રમણ વોરાએ ખોટા ખેડૂત ગણાવીને ૮ હેક્ટર ખેતીલાયક જમીન ખરીદી છે. તેમણે દાવો કર્યો છે કે ધારાસભ્ય બિનખેડૂત હોવા છતાં ખોટા દસ્તાવેજા અને સરકારી તંત્ર પર રાજકીય દબાણના આધારે જમીનો મેળવી છે. ઈડર નાયબ કલેક્ટર અને મામલતદારથી અનેકવાર માહિતી માંગવા છતાં ખેડૂત ખાતેદાર સંબંધિત વિગતો આપવામાં આવતી નથી. આ મુદ્દે ન્યાય ન મળતાં અરજદારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું છે કે, સંવેદનશીલ મામલામાં તાત્કાલિક પગલાં લેવાઈ ધારાસભ્ય સામે ગણોતધારા હેઠળ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તથા સમગ્ર ખેતીલાયક જમીન સરકાર હસ્તક લેવામાં આવે.