રાજુલા અને જાફરાબાદને જોડતો પાંચ કિલોમીટર કોવાયા-લોઠપુર માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, પરંતુ માર્ગ ઉબડખાબડ હોવાથી અકસ્માતનો ભય રહે છે. આ માર્ગ અગાઉ એક કંપની દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો અને તેનું સમારકામ પણ કરવામાં આવતું હતું, પરંતુ હવે કંપનીએ પણ સમારકામ કરવાનું બંધ કરી દીધું છે.
આ વિસ્તારમાં નાના-મોટા અનેક ઉદ્યોગો કાર્યરત હોવાથી દિવસ-રાત વાહનોની અવરજવર રહે છે. રસ્તાની બિસ્માર હાલતને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડે છે અને નાના-મોટા અકસ્માતો સામાન્ય બની ગયા છે. ખાસ કરીને રાત્રિના સમયે નાના વાહનચાલકો માટે આ માર્ગ જોખમી સાબિત થાય છે. પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય પુનાભાઈ ભીલના જણાવ્યા અનુસાર, આ માર્ગ જિલ્લા પંચાયત પાસેથી કંપનીએ દત્તક લીધો હતો, પરંતુ હવે કંપની પણ સમારકામ કરાવતી નથી. નવા રસ્તા માટે અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ચોમાસું નજીક હોવાથી તાત્કાલિક ધોરણે આ માર્ગ નવો બનાવવામાં આવે તે અત્યંત જરૂરી છે, જેથી વાહનચાલકોને સરળતા રહે. જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. રાજુલા અને જાફરાબાદને જોડતો આ પાંચ કિલોમીટરનો માર્ગ તાત્કાલિક બનાવવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.