કર્ણાટકના બેલ્લારીમાં ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે થયેલી અથડામણ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે ૧ જાન્યુઆરીના રોજ બેલ્લારીમાં થયેલી હિંસાની તપાસ ઔપચારિક રીતે ફોજદારી તપાસ વિભાગને સોંપી દીધી છે. કોંગ્રેસના ધારાસભ્ય નારા ભરત રેડ્ડી અને ભાજપના ધારાસભ્ય જી. જનાર્દન રેડ્ડીના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં ૨૬ વર્ષીય કોંગ્રેસ કાર્યકરનું મોત થયું હતું. ત્યારથી બંને પક્ષો વચ્ચે રાજકીય ઘર્ષણ શરૂ થયું છે.
નવા વર્ષના દિવસે ભાજપ ધારાસભ્ય જી. જનાર્દન રેડ્ડીના નિવાસસ્થાન પાસે બેનર લગાવવા અંગે વિવાદ થતાં અશાંતિ શરૂ થઈ હતી. બંને પક્ષો વચ્ચેનો મતભેદ પથ્થરમારા સુધી પહોંચી ગયો. ગોળીબાર પણ થયો, જે દરમિયાન કોંગ્રેસ કાર્યકર રાજશેખરને ગોળી વાગી અને બાદમાં તેમનું મોત થયું.
આ ઘટના બાદ, રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેવા બદલ બેલ્લારીના પોલીસ અધિક્ષક પવન નેજ્જુરને સસ્પેન્ડ કરી દીધા. બાદમાં, પોલીસે બ્રુસપેટ પોલીસ સ્ટેશનમાં ચાર એફઆઇઆર નોંધી હતી, અને અત્યાર સુધીમાં બંને પક્ષના ૨૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.સીબીઆઇ તેની તપાસ ક્યારે પૂર્ણ કરશે તે જાવાનું બાકી છે.
તાજેતરમાં, આ ઘટના બાદ, ભાજપના ધારાસભ્ય જી. જનાર્દન રેડ્ડીએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પોતાના જીવને જાખમ હોવાનો ઉલ્લેખ કરીને તેમણે ઢ-શ્રેણીની સુરક્ષાની માંગ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સતીશ રેડ્ડી અને તેમના માણસોએ સીધા ધારાસભ્ય નારા ભરત રેડ્ડીના ઇશારે આ હુમલો કર્યો હતો.








































