મોડી રાત્રે ચીનના ઉત્તરપશ્ચિમ ભાગમાં એક મોટો અકસ્માત થયો. ચીનમાં એક બાંધકામ હેઠળનો રેલ્વે પુલ તૂટી પડતા ઓછામાં ઓછા ૧૨ કામદારો માર્યા ગયા જ્યારે ચાર અન્ય હજુ પણ ગુમ છે. આ અકસ્માત કિંઘાઈ પ્રાંતમાં થયો હતો, જ્યાં એક મુખ્ય નદી પર રેલ્વે પુલનું બાંધકામ ચાલી રહ્યું હતું. આનાથી ચીનની બાંધકામ ગુણવત્તા પર પણ પ્રશ્નો ઉભા થયા છે.રાજ્ય સમાચાર એજન્સી ‘શિન્હુઆ’ અનુસાર, આ અકસ્માત રાત્રે ૩ વાગ્યે થયો હતો. ત્યારે ૧૬ કામદારો પુલ પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન, સ્ટીલનો કેબલ તૂટી ગયો, જેના કારણે ત્યાં કામ કરતા બધા કામદારો પીળી નદીમાં પડી ગયા. શિન્હુઆ દ્વારા જાહેર કરાયેલી તસવીરોમાં, પુલનો મોટો ભાગ તૂટેલો અને નદીમાં લટકતો જાવા મળે છે. વક્ર વાદળી કમાનનો મોટો ભાગ ગાયબ છે અને પુલનો એક છેડો સંપૂર્ણપણે નમેલો જાવા મળે છે, જે આ ભયાનક અકસ્માતની ગંભીરતા દર્શાવે છે.અકસ્માત પછી તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બોટ, હેલિકોપ્ટર અને પાણીની અંદર રોબોટ્સની મદદથી ગુમ થયેલા કામદારોની શોધ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં, ૧૨ કામદારોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ૪ ની શોધખોળ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ નદીની ઊંડાઈ અને તીવ્ર પ્રવાહને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.’ચાઇના ડેઇલી’ના અહેવાલ મુજબ, આ પુલ ૧.૬ કિલોમીટર લાંબો છે અને નદીની સપાટીથી લગભગ ૫૫ મીટર (૧૮૦ ફૂટ) ઊંચો છે. આ પુલ એક મહત્વાકાંક્ષી રેલ પ્રોજેક્ટનો ભાગ છે, જે પશ્ચિમ ચીનના દુર્ગમ વિસ્તારોને દેશના બાકીના ભાગ સાથે જાડવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવી રહ્યો હતો.અધિકારીઓએ આ અકસ્માતની વિગતવાર તપાસ શરૂ કરી છે અને તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કેબલ તૂટવાનું કારણ ટેકનિકલ ખામી હતી કે બેદરકારી. સ્થાનિક વહીવટીતંત્રે પીડિતોના પરિવારોને સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.