પણ દિવાળી ગઇ. શિયાળાની એક સવારે દાનબાપુને હાર્ટ એટેક આવ્યો. ઘડીકની વારમાં જ.. જયસિંહે કોલેજ છોડી, ઘર-વાડી-વજીફા, વહેવારની જવાબદારી આવી પડી. આ માનસિક ફટકો તો રેશમ અને રામલા ઉપર પણ પડ્યો. ગરીબ દંપતી ઓશિયાળુ બની ગયું. એક દિવસે રેશમે રામાને કહ્યુઃ મને અહીં ગમતું નથી અસુખ થાય છે. જયસિંહની દાનત ખોરા ટોપરા જેવી છે. આપણે ચાલ્યા જઇએ.’ જવાબમાં રામો કહે, ‘રેશમ, તારી ભૂલ થાય છે. દાનુભા કરતા તો જયુભાનો જીવ ઓલદોલ છે બે વેંત ચડે એમ છે. રહી વાત હેરાનગતિની, તો કહે એણે કયાં આપણને હેરાન કર્યા ? હજી તો દાનુભાના મોતની ટાઢીય ઠરી નથી અત્યારે તો આપણે એમની સાથે રહેવુ જોઇએ. એને બદલે એ માણસ ઉપર આવો ઇલ્જામ ?’ જો કે તણાવ તો રેશમનો વ્યાજબી હતો. એ ફફડતી હતી. પણ એક દિવસ આ તણાવ વચ્ચે સપનાના ફૂલ ખીલી ઉઠ્યા. એક સવારે રેશમને ઉબકા ચડ્યા. રામો રેશમને લઇને પુષ્પાબેન નર્સ પાસે લઇ ગયો. તપાસ કરીને રેશમના ગાલે મીઠી ટપલી મારીઃ ‘ રેશમ, તું મા બનવાની છે.’ તે દિ’ રાત્રે રેશમ રામાની ગુચ્છાદાર છાતીમાં સમાઇ ગઇ. આખી રાત ચંદ્રના ચંદરણા નળીયા વાટે અંદર ઉતરીને પતિ-પત્નીના શરીરસુખના મોરપિચ્છ ફેરવતા રહ્યા. છ મહિનામાં તો રેશમ ડિલીવરી કરવા પિયર ચાલી. પણ આ ખુશી માંડ બીજા છ આઠ મહિના જ ચાલી. ગમે તે થયું રામલાને ગળાનું કેન્સર થયું. ત્રણ ચાર મહિનાના છોકરાને લઇને રેશમ દવાખાના ભટકતી રહી. પૈસા, ખરચી, ઘરેણા સાફ થઇ ગયું. રામો અજાણ નહોતો. રેશમને તેણે જયસિંહ પાસે પૈસા માટે મોકલી, જયસિંહે મોઘમ હસીને કહ્યુંઃ ‘રેશમ, મુંઝાતી નહી. ગમે એટલા પૈસાની જરૂર પડે, ચાલી આવજે. હા, તું ભલે મને પારકો માને, હું તો તને મારી પોતાની જ માનુ છું.’ રેશમ થડકી ગઇ. પૈસા લઇને પાછી આવી ત્યારે રામલાએ પોરસાઇને કહ્યુઃ ‘ જો, હું તને નહોતો કહેતો કે માણસ લાખ રૂપિયાનો છે, તે એને રાખનો કરી દીધો.’ રેશમ શું બોલે ? પણ કેન્સર હવે વકરી ગયુ હતું. રેશમ પૈસાનો ઉપાડ કરતી ગઇ છતાં પણ એક દિવસ…
સવા વરસનો સરજુ બાપ વગરનો થઇ ગયો. રેશમના ચૂડી ચાંદલો પણ ભૂંસાઇ ગયા. રેશમ દોઢ મહિને વાડીએ આવી ત્યારે જયસિંહે ચોપડો ખોલ્યોઃ અડધો લાખ થયા છે પણ ચિંતા ન કર. વાડી સંભાળી છે, જમીન ખેડ્યા વગરની રહે, એ મને ન પાલવે.’ રેશમ તેની આંખોમાં તાકી રહી. પછી બોલીઃ‘ હું વાડીનું ઝૂંપડુ છોડી દઉ છું. ગામમાં અમારી પુરાની બસ્તીમાં રહેવા જાઉ છું. હવે એકલપંડે આખી વાડી સંભાળવાનું મારુ ગજુ નહી.’
‘પણ હું છું ને ? હું તારી સાથે જ છું.’
‘તમે તો આ સુવાંગ વાડીના ધણિ! મારો ધણિ હોત તો વાત જુદી હતી. છતાં પણ હું દાડીયું કરી જઇશ.’ અને રેશમ આવતી રહી. કયારેક છોકરાને કાંખમાં તેડીને, કયારેક વડલાના છાંયે હીંચકે સુવડાવતી, કયારેક પડોશીને ત્યાં મૂકીને. એવી જ એક ઉનાળાની કાળઝાળ બપોરે માથાઢંક જુવારના ઘેરામાં જયસિંહે ઝકડી લીધી. રેશમ કરગરી ઉઠી પણ જયસિંહની પકકડ મજબુત હતી. એણે કહ્યુંઃ ‘રેશમ, પ્રેમથી માની જા, પ્રેમથી કહુ છું બળજબરી નથી. એવું જ કરવું હોત તો ઘણાં ય મોકા હતા. માની જઇશ તો રાજરાણીનું સુખ પામીશ.’ રેશમ તીખાશથી બોલીઃ ‘હું પણ પ્રેમથી જ કહું છું અને એક બીજી વાત, પારકાની સવામણ રૂની તળાઈના બિસ્તર ગરમ કરીને માલપૂવા ખાવાવાળી હું નથી, કોઇ ઔર હશે. મને તો ભલે એક ઓશિકુ અને કોથળો મળે, મારે માટે એ સ્વર્ગ જ છે. હતો એ ચાલ્યો ગયો.’ અને એણે એક આંચકો માર્યો. દાતરડું જયસિંહના હાથે છરકો કરતુ ગયું. એ અડવડીયુ ખાઇ ગયો.
જયસિંહ પાછળ દોડ્યો પણ સમયસૂચકતા વાપરી નેફામાં ખોસેલી ગોફણ કાઢી એક પાણકો સનનન કરતો વિંઝયો. જયસિંહના કપાળની વચ્ચોવચ્ચ ચીરો પાડીને ગયો. એ ભાગી છૂટી.
આ ઘા…
જયસિંહે અત્યારે સૂતા સૂતા કપાળે હાથ ફેરવ્યો. સાલ્લીએ મને ભવ આખાનું નિશાન છાપી દીધુ. તેના દાંત ભીંસાયા. એકવાર સાલ્લી હાથમાં આવે તો એના રોમેરોમે જયસિંહનું નામ છાપી દેવું છે ! પણ રેશમ સાવચેત રહેતી. બસ્તીમાં એક ઝૂંપડુ રાખીને રહેવા લાગેલી. જયસિંહ એકવાર ઝૂંપડે ગયેલો પૈસા માટે. જવાબમાં રેશમે કહ્યુંઃ ‘મે અને મારા ધણિએ તમારા બાપુના મોત પછી કરેલા કામનો હિસાબ તમે સમજયા નથી. એ હિસાબ ચોખ્ખો કરીને મને આપવાની થતી રકમ આપી દો. પછી તમારો હિસાબ ચોખ્ખો કરીએ.’
જયસિંહને પાછા પગલા ભરવા પડ્યા. એનાથી તો રેશમ પ્રત્યેનું ખુન્નસ બેવડાઇ ઉઠ્યું. જોકે એ ધારેત તો રિવોલ્વરની એક જ ગોળીથી, ધારીયાના એક જ ઘાથી… તલવારના એક જ ઝાટકાથી રેશમને પતાવી શકેત પણ ના… વેર વાળવા માટે એ કોઇ નવો જ કિમીયો શોધી રહ્યો હતો. જયસિંહની મનોઃસ્થિતિ તેનો એક ખાસ માણસ જોરૂભા જાણતો હતો. એક દિવસ એણે કહ્યુંઃ ‘જયુભા, તમે મેરીયા ભૂવાને બોલાવો, એણે મેલડી સાધી છે ઉડતા પંખી પાડે એવો છે. તમારુ કાર્ય સિધ્ધ થઇ જશે.’
‘તો જા… તું અભીને અભી મેરીયાને બોલાવ.’ જયસિંહ બોલ્યો, ‘તું પણ ડફોળ મોડો મોડો બોલ્યો ?’
મેરીયો આવ્યો. જયસિંહે અલ્ટીમેટમ આપી દીધુઃ ‘તું ચાહે એવી વિધિ કર. તંત્ર વિદ્યા અજમાવ, જાદુટોના કર પણ એની વે, રેશમ મારે તાબે થવી જ જોઇએ.’
‘ચપટી વગાડતામાં થઇ જાય .. આવી તો ઘણી લાલીઓને વશ કરી, જયુભા, રેશમ જેવું પતંગિયુ તો શું વિસાતમાં ?’
‘તો બસ..’ દારૂનો ઘૂંટ ભરતા જયસિંહની હાથની મુઠ્ઠી વળી ગઇઃ ‘એકવાર સાલ્લી હાથમાં આવી જાય પછી પીંછડા ખેરવી નાખવા છે કહેવુ છેઃ બહુ સતી થતી હતી ને? કયાં ગયુ તારૂં સતીપણુ ? ‘
મેરીયાએ કાળા અડદ, કાળા તલ, લોખંડનો કટકો, ખાસડું, અતરની શીશી, નેઇલ પોલીશ, બંગડીની ચાર જોડ આ બધું કાળા કપડામાં બાંધ્યુ અને એ પોટલી જયસિંહને આપીઃ ‘આ તમારા સગા હાથે જ એના ખોરડા ઉપર … પછી જોઇ લો ભાયડાના ભડાકા…’ તે દિવસે અડધી રાત્રે જયસિંહ એ પોટલી રેશમના ઝૂંપડા ઉપર ફેંકી આવ્યો. એક બે અને ત્રણ દિવસ ! બરાબર ત્રીજે દિવસે રેશમ જયસિંહની વાડી બાજુથી દાડીયે જવા નીકળી અને એ ઝૂંપડીને જોઇ. એને સઘળું યાદ આવી ગયું. એની આંખમાં આંસુ તગતગી ઉઠ્યા. અવશપણે એ વાડી બાજુ ખેંચાઇ ગઇ. આ તરફ ફાર્મહાઉસમાં બેઠેલો જયસિંહ ચમક્યો. ‘અરે આ તો રેશમ ! બાકી, મેરીયો કારીગર નીકળ્યો. સાલ્લો કલાકાર છે. જોરૂભાએ પણ રહી-રહીને ચિંધ્યું. પહેલેથી જ ભસી દીધું હોત તો ?’ તેના સૂકા હોઠો ઉપર જીભ ફરી રહી.
રેશમ ઝૂંપડાના ભીતડા ઉપર હાથ ફેરવી રહી. જાણે બિમાર ધણિના શરીર ઉપર હાથ ફેરવતી હોવાનો તીવ્ર અહેસાસ. રામલો જાણે કાચી માટીના બનાવેલા ઝૂંપડાની ભીંતોમાં પ્રગટ થતો પૂછતો હતોઃ ‘ મા દીકરો સુખી તો છો ને ? ‘
‘હા..‘ રેશમ સ્વગત બબડી, પછી તારા દીકરાનું નામ મે સરજુ રાખ્યુ છે. બિલકુલ તારી જેવો જ છેઃ શાંત, ઠરેલ, ડાહ્યો, સંતોષી ! કદી પણ સતાવતો નથી મને એ. હા કયારેક મને બાથ ભરીને અડધી રાત્રે પૂછે છેઃ મા, મારા બાપુ ? હું કહું છું કે આ દિવાળી ઉપર એ જરૂર આવશે. તેનાથી ડૂસકુ મુકાઇ ગયું. ‘રામા, મે હજી સુધી તેની આશાને તોડી નથી. નાનો છે, મોટો થશે પછી આપોઆપ સમજી જશે.’ તેની આંખમાંથી ટપ ટપ કરતા… ! આંસુ લૂછવા એણે પાલવ ખેંચ્યો તો સામટો છેડલો જ ખેંચાઇ આવ્યો. જયસિંહ તેની અર્ધ અનાવૃત કાયાને તાકી રહ્યોઃ નક્કી, પેલી પોટલી જ કામ કરી ગઇ! એણે વિચાર્યુઃ ‘સ્ત્રી છે. શરમ, લજજા, સમજવશ પહેલ નહીં કરે. મારે જ કરવી પડશેઃ સાચી વાત છે, જુવાન દેહના વલવલાટ કોઇથી રોકાયા છે કે રોકાય ? શરમાઇ ન જા.. મે હું ના ? વરસોની પ્યાસે આજ તારૂ શરીર બોલ્યું છે હું તો છું જ કૂવાનો કાંઠો.. પ્યાસ તો બુઝાવીશ જ. અરે પ્યાસ બુઝાવીને તને સજાવી પણ દઇશ.’
સૂકકી કડબ ઉપર પગલાનો અવાજ આવતા રેશમ ચોંકી જોયું તો જયસિંહ. એ ભાગવા મથી. જયસિંહે કહ્યું, ‘રેશમ રોકાઇ જા શરમાઇ ન જા.’
જયસિંહ મારો રસ્તો છોડ નહિતર જોયા જેવી થશે. આ કપાળ ઉપરનો ચીરો અરીસામાં જોયો છે ને ? એવો જ એક બીજો ચીરો તારા ગાલ ઉપર પણ પડી જશે. હું આવી‘ તી આ ઝૂંપડે. જે ઝૂંપડે મે મારી જીંદગીની સોનેરી પળ ગુજારી હતી.’
‘હું એ જ કહું છું રેશમ! આ વાડીમાં હવે તારી જીંદગીની બાકી પળો સોનેરી જ વિતશે. અરે પગલી, જો તો ખરી તારા માટે તો મેં આ તાજમહેલ ચણાવ્યો છે. ચલ આજા.’ કહેતો‘ક ને તે આડો પડ્યો પણ આજે રેશમ ધક્કો મારીને ભાગી છૂટી. જયસિંહે મેરીયા ભૂવાને ગળચીમાંથી પકડ્યો. ભૂવા, તું ફેઇલ ગયો હવે તારી ખેર નથી.’
(ક્રમશઃ)