બિહારમાં ચૂંટણી પહેલા મોટી માહિતી પ્રકાશમાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, તેમણે મતદાર યાદી અપડેટ કરવા માટે ઘરે ઘરે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું છે કે ૫૨ લાખથી વધુ મતદારો તેમના આપેલા સરનામાં પર રહેતા નથી. ઉપરાંત, ૧૮ લાખ મતદારો મૃત્યુ પામ્યા છે. ચૂંટણી પંચે મંગળવારે આ માહિતી આપી હતી. આ ઉપરાંત, ૨૬ લાખ મતદારો અન્ય વિસ્તારોમાં રહેવા ગયા છે અને ૭ લાખ લોકોએ બે સ્થળોએ પોતાના નામ નોંધાવ્યા છે.
ચૂંટણી અધિકારીઓએ ૨૧.૩૬ લાખ મતદારોની યાદી પણ જાહેર કરી છે, જેમના વિશે હજુ સુધી સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ નથી. તેમણે ૫૨.૩૦ લાખ મતદારોની યાદી પણ આપી છે જેઓ કાં તો મૃત્યુ પામ્યા છે, અથવા ક્યાક બીજે રહેવા ગયા છે, અથવા એક કરતાં વધુ સ્થળોએ પોતાના નામ નોંધાવ્યા છે.
ચૂંટણી પંચના અધિકારીઓએ ૧૨ રાજકીય પક્ષોને એવા મતદારોની યાદી આપી છે, જેઓ કાં તો મૃત્યુ પામ્યા છે, અથવા ક્યાંક બીજે રહેવા ગયા છે, અથવા એક કરતાં વધુ જગ્યાએ પોતાના નામ નોંધાવ્યા છે. એટલું જ નહીં, અધિકારીઓએ રાજકીય પક્ષોને આવા મતદારોનો સંપર્ક કરવા અને મતદારો યાદીમાં તેમના નામ ઉમેરવા માટે ચૂંટણી અધિકારીઓ પાસે જવા માટે કહેવા જણાવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અંતિમ યાદી ૩૦ સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે. આ પહેલાં, બધી ફરિયાદોની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કમિશનનો ઉદ્દેશ્ય એ છે કે કોઈપણ લાયક નાગરિક મતદાનથી વંચિત ન રહે અને કોઈ અયોગ્ય વ્યક્તિ યાદીમાં સામેલ ન થાય. અધિકારીઓનું કહેવું છે કે મતદારો ૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી મતદાર યાદીમાં ફેરફાર માટે ફરિયાદ કરી શકે છે. મતદાર યાદી ૧ ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવશે.