અત્યારે સમગ્ર દેશની નજર બિહાર વિધાનસભા ચૂંટણી અને તેના પરિણામો પર ટકેલી છે. તેમાંય બિહારના મુખ્યમંત્રી કોણ બનશે તે તો યક્ષ પ્રશ્ન બની ગયો છે. જા કે બિહારમાં મુખ્યમંત્રી કોણ બનશે તે મુદ્દે જદયુ નેતા મહેશ્વર હજારી એ નિવેદન આપીને પક્ષનું વલણ સ્પષ્ટ કર્યુ છે. તેમણે કહ્યું છે કે,જદયુ ફર્સ્ટ ડિવિઝનમાં આવે કે થર્ડ ડિવિઝનમાં પણ મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ બનશે.

જેડીયુ નેતા મહેશ્વર હજારી  એ કહ્યું કે, જેડીયુ ફર્સ્ટ ડિવિઝનમાં આવે કે થર્ડ ડિવિઝનમાં મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ બનશે. તેઓ ગમે તે રીતે સીએમ બનશે. આ અંગે કોઈએ ખચકાટ ન કરવો જાઈએ. ઉલ્લેખનીય છે કે ચૂંટણી અગાઉ બિહારમાં મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ ચાલી રહી છે. તેમાંય વળી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ  એ તાજેતરમાં જ મુખ્યમંત્રી વિષયક ચોખવટ ન કરી હતી તેથી જેડીયુ આવા નિવેદનો કરીને ભાજપને પોતાનો જવાબ આપી રહ્યું છે. થોડા મહિના અગાઉ પણ જેડીયુએ પોસ્ટરો લગાવીને ભાજપને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. જેડીયુએ પટણામાં પોતાના પક્ષ કાર્યાલયની બહાર એક મોટું પોસ્ટર લગાવ્યું છે, જેમાં લખ્યું છે – ‘૨૫ સે ૩૦, ફરી નીતિશ.’

જેડીયુના નેતૃત્વવાળી એનડીએ ગઠબંધન સરકારમાં મહેશ્વર હજારી મંત્રી છે. તેઓ બિહાર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે. અગાઉ ઘણા મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

તેઓ કહે છે કે, જેડીયુ પહેલા ડિવિઝનમાં આવે કે ત્રીજા ડિવિઝનમાં, નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે. તેઓ મુખ્યમંત્રી બનશે આ અંગે કોઈને કોઈ ખચકાટ ન હોવો જાઈએ. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે, સમ્રાટ ચૌધરી ના નેતૃત્વમાં ભાજપ પૂર્વીય રાજ્ય (બિહાર) માં ચૂંટણી જીતશે. તેના જવાબમાં પણ જેડીયુએ પટણામાં ઠેર ઠેર ‘૨૫ સે ૩૦, ફરી નીતિશ.’ સૂત્ર દર્શાવતા પોસ્ટર ચોંટાડીને ભાજપને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.